શેવિંગ કરીને ચહેરાની કાળજી લેતા હો પરંતુ ખબર ન પડે કે વારંવાર દાઢી પર પિમ્પલ કેમ આવી જાય છે તો તમારું રેઝર એના માટે જવાબદાર હોઈ શકે! બાથરૂમની બહાર ન નીકળતું અને વારંવાર પાણીથી ધોવાયા કરતું રેઝર સારું જ હોય એમ માનતા હો તો એ ગેરમાન્યતા છે.
પ્રતીકાત્મક તસવીર
ભાગ્યે જ ચર્ચા થતા વિષય પર આજે વાત કરી રહ્યા છીએ. મહિલાઓ માટે અવારનવાર હેરકૅર અને બ્યુટી-કૅર પર સંશોધન થઈને લેખ લખાતા હોય છે તેમ જ ઇન્ડસ્ટ્રીઓ પણ એના પર ખાસ ધ્યાન આપતી હોય છે. આજે જ્યારે બધું જ બદલાઈ રહ્યું છે ત્યારે પુરુષોની સ્કિન અને હેરકૅર પર પણ ધ્યાન અપાઈ રહ્યું છે. પુરુષોના ગ્રૂમિંગનો સૌથી મહત્ત્વનો કહી શકાય એવો ભાગ શેવિંગ છે જેમાં મોટા ભાગના પુરુષો ટ્રાયલ અને એરરથી શીખે છે. શેવિંગ માટે કોઈ મૅન્યુઅલ કે ગાઇડન્સ નથી. મહિલાઓ માટે વૅક્સિંગ અને અન્ડરઆર્મ્સની કાળજી અને ગેરમાન્યતા માટે જેટલા યુટ્યુબ વિડિયો કે લેખો મળી રહેશે એટલા શેવિંગ માટે નહીં મળે. આજે આપણે એક્સપર્ટ સાથે વાત કરીને જાણીએ કે પુરુષોએ શેવિંગ દરમિયાન શું કાળજી લેવી જોઈએ અને રેઝરની હાઇજીન ન જળવાય તો ત્વચા પર શું સમસ્યાઓ થઈ શકે.
ઇન્ફેક્ટેડ રેઝરની આડઅસર
ADVERTISEMENT
૨૧ વર્ષથી મેડિસિન અને છેલ્લાં ૧૦ વર્ષથી કૉસ્મેટોલૉજિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં ડૉ. મોના ત્રિવેદી કહે છે, ‘ત્રણેક દિવસ પહેલાં જ મારી પાસે રેઝરને કારણે ડૅમેજ થયેલી ત્વચાનો કેસ આવ્યો હતો. બહુ જ ઓછા લોકો રેઝરની હાઇજીન પર ધ્યાન આપતા હશે. ધ્યાનમાં લેવા જેવી વાત છે કે બાથરૂમમાં પડેલું રેઝર ક્યારેક ત્વચાને માઇલ્ડથી ગંભીર હાનિ પહોંચાડી શકે છે. બાથરૂમમાં વાતાવરણ સતત ભેજવાળું રહેતું હોય છે. ગીઝરના લીધે વારંવાર પાણી ગરમ થતું હોય, પ્લસ કોઈક ને કોઈક નહાવા જાય ત્યારે બાથરૂમમાં ભેજવાળું વાતાવરણ ઊભું થાય. રેઝર ખુલ્લું પડ્યું હોય કે ભીનેભીનું જ મૂકી દીધું હોય તો વાઇરસ અને બૅક્ટેરિયા માટે ઉજાણી થઈ જાય. એ સિવાય લીલા રંગની ફંગસ હોય છે જે આમ તો નજરમાં નથી આવતી, પરંતુ તમે ધ્યાનથી જુઓ તો લીલાં ટપકાં દેખાઈ શકે છે. એટલે એનાથી પણ ત્વચાને ઇન્ફેક્શન થઈ શકે છે. એ સિવાય બાથરૂમના ભેજવાળા વાતાવરણમાં બ્લેડ પર કાટ લાગવાની શક્યતા વધી જાય છે અને આ કાટ કદાચ સામાન્ય રીતે ખ્યાલ ન આવે એવો પણ હોઈ શકે છે. કટાયેલી બ્લેડથી જ્યારે શેવિંગ કરવામાં આવે ત્યારે દાઢી કટ થવાની શક્યતા વધે અને એમાંય જો એ બ્લેડ પર ફંગસ હોય અને એ કટ લાગે એટલે ગંભીર ઇન્ફેક્શન થઈ શકે. ઘણા પુરુષોએ અનુભવ્યું પણ હશે કે શેવિંગ બાદ દાઢી પર રસીવાળી ફોડકીઓ કે લાલ ચાઠાં થઈ જાય તો એનું કારણ આ ભેજવાળી બ્લેડ હોઈ શકે છે.’
કેવું અને કેવી રીતે?
અમુક પુરુષો મમ્મી કે પત્ની ટોકે ત્યારે શેવિંગ કરવા જતા હોય છે, જ્યારે અમુક લોકોને નિયમિત ટેવ હોય છે. ડૉ. મોના કહે છે, ‘મારી પાસે કૉર્પોરેટમાં કામ કરતા, નેવી કે એવિએશન પ્રોફેશનલ આવે છે જેમના માટે દરરોજ શેવિંગ કમ્પલ્સરી છે. તેમની પાસે શેવિંગ ન કરવાનો વિકલ્પ નથી. આઇડિયલી શેવિંગ ત્રણ દિવસે એક વાર કરી શકાય. આજના સમયમાં લોકો રેગ્યુલર રેઝર અને ઇલેક્ટ્રિક રેઝર વાપરે છે, જેના કારણે રેઝર બમ્પ કે રેડનેસ આવે છે. એનું કારણ ત્વચા પરનું ઇરિટેશન છે. એ સિવાય રેઝર બર્નના કેસ સામાન્ય છે, જેમાં ચહેરાની ચામડી લાલચોળ થઈ જાય અને અમુક કેસોમાં ખીલ પણ થઈ જાય છે. શેવિંગ માટે શાર્પ અને સિંગલ બ્લેડ રેઝર આદર્શ ગણાય છે. આજકાલ પાંચ કે છ બ્લેડવાળાં રેઝર આવે છે, જેના કારણે ત્વચા વધારે ઘસાય છે. લોકો રેઝર ઘસીને કરતા હોય છે, જ્યારે હાથ એકદમ હળવો રાખવાનો હોય છે. શેવિંગની સાચી રીત રેઝરને હળવા હાથે એક જ દિશામાં સ્ટ્રોક કરવાની છે પરંતુ અમુક લોકો એક દિશામાં નહીં પરંતુ ઉપર-નીચે રેઝર ફેરવે છે, જેના કારણે ઇનગ્રોન હેર એટલે કે વાળ ત્વચાની બહારની બાજુના બદલે અંદરની બાજુએ ઊગે છે. સરળ રીતે સમજો કે અમુક વખત કોઈ એકાદ જિદ્દી વાળ દેખાય અને એના પર બે-ત્રણ વખત રેઝર ફેરવો છતાં એ ન નીકળે. એ ઇનગ્રોન હેર છે જેનાં મૂળ ચામડીની અંદર ઊંડાં છે. રેઝરથી એને કાઢવાના ચક્કરમાં ત્વચા વધુ ને વધુ ઘસાઈને ઇરિટેટેડ થઈ જાય છે. એમાંય જો ત્રણ કે ચાર બ્લેડવાળું રેઝર હોય તો વિચારો કે ત્વચાની શું હાલત થઈ શકે છે. આવી રીતે ઇનગ્રોન હેરનું વર્ચસ્વ વધતું જાય અને ત્વચાને વધારે નુકસાન થાય. બીજું કે શેવિંગ વખતે અમુક લોકો ક્રીમનું પાતળું લેયર લગાવે છે એના કારણે પણ ત્વચાને પ્રોટેક્શન નથી મળતું. ત્વચામાં પર ક્રીમનું થિક લેયર બહુ જરૂરી છે. ક્યારેક તો લોકો ઉતાવળમાં ડ્રાય રેઝર પણ ઘસી દે છે, જે ક્યારેય સલાહભર્યું નથી. હાથ અને પગ કરતાં ચહેરાની ત્વચા બહુ જ સંવેદનશીલ હોય છે. એમાં શુષ્કતા આવતાં અન્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. શેવિંગ બાદ દાઢીને એકદમ સાફ કર્યા બાદ જ એના પર આફ્ટર શેવ કે મૉઇશ્ચરાઇઝર લગાવીને હાઇડ્રેટ કરવી. ભીની ત્વચા પર આફ્ટર શેવ લગાવશો તો ભેજવાળા રેઝરથી શેવ કર્યા બાદ થતી આડઅસરો થઈ શકે છે.’

