ઓડિશાનું પરંપરાગત હૅન્ડલૂમ સિલ્ક એલિગન્ટ દેખાવ માટે આજકાલ ટ્રેન્ડમાં છે. ફેસ્ટિવલ સીઝન આવી રહી છે ત્યારે બ્રાઇટ રંગોમાં ઇક્કત ડિઝાઇન ધરાવતાં સાડી-ડ્રેસ અને દુપટ્ટા ટ્રેડિશનલ ચૉઇસ બની રહેશે
પ્રતીકાત્મક તસવીર
આવી રહેલા ફેસ્ટિવલથી ભરપૂર સમયમાં એલિગન્ટ અને ગ્રેસફુલ દેખાવું છે તો ભારતના ખૂણે-ખૂણેથી આગવી હૅન્ડલૂમ પ્રોડક્ટ્સ મળી રહે છે. એવામાં ઑલ ટાઇમ ફૅશન ગણાતી આ ઇક્કત ડિઝાઇન ધરાવતી ખંડુઆ સાડી દરેકના વૉર્ડરોબમાં હોવી મસ્ટ છે, કેમ કે અત્યારે એકદમ ઇન ટ્રેન્ડ છે એટલે જો તમારા વૉર્ડરોબમાં એ ન હોય તો વસાવી લો અને મમ્મી કે દાદીના વૉર્ડરોબમાં હોય તો પહેરવાનો લહાવો લઈ લો.
આ મોન્સૂન ફેસ્ટિવ સીઝનમાં ખંડુઆ સિલ્ક સાડી ટ્રેન્ડિંગ છે, કેમ કે ઓડિશાની ઓળખસમું આ ફૅબ્રિક વાઇબ્રન્ટ રંગો, ગ્રેસ અને એલિગન્સથી ભરપૂર ડોય છે.
ADVERTISEMENT
ખંડુઆ સિલ્કની પરંપરા
ઇતિહાસની વાયકા પ્રમાણે ૧૨મી સદીના મહાન કવિ જયદેવે ભગવાન જગન્નાથજીને પોતાનું કાવ્ય ‘ગીત ગોવિંદ’ એક કાપડ પર વણીને અર્પણ કર્યું હતું. તેમના જન્મસ્થળ કેન્દુલી ગામમાં ‘ગીત ગોવિંદ’ના શબ્દો એક કાપડ પર ટાઇ ઍન્ડ ડાઇ રીત વાપરી વણવામાં આવ્યા હતા અને રાજાએ એને ગીત ગોવિંદ કાપડ તરીકે ઓળખ આપી એનું વણાટકામ શરૂ કરવાનું ફરમાન બહાર પડ્યું હતું. આજે સંભલપુરી સિલ્ક તરીકે ઓળખાતી આ સાડીઓ એ ઓડિશાનું અભિમાન અને આપણા રિચ હૅન્ડિક્રાફ્ટનો એક સુંદર નમૂનો છે. આ સિલ્ક જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીને ખાસ અંગવસ્ત્ર તરીકે ચડાવવામાં આવે છે. ઓડિશામાં લગ્ન અને પૂજાના પ્રસંગોમાં સ્ત્રીઓ ખાસ આ સાડી પહેરે છે. ખંડુઆ સિલ્ક સાડી ઓરિજિનલી કટક અને મણિબંધમાં બનતી હતી એટલે એને કટકી અને મણિબંધી સાડી તરીકે ઓળખવામાં આવે છે.
ફેસ્ટિવ લુકના અદ્ભુત રંગો
ખંડુઆની ખાસિયત બે છે. એક તો એ એકદમ લાઇટવેઇટ હોય છે ને બીજું એમાં મસ્ત ચમકતા રંગો હોય છે. ટ્રેડિશનલી તેમાં પીળો, લાલ, મરૂન અને કેસરી રંગ ખાસ હોય છે. સાલના વૃક્ષમાંથી લાલ રંગ પારંપરિક પદ્ધતિથી બનાવવામાં આવે છે પણ હવે ફૅશન અનુસાર માગો તે મૉડર્ન બ્રાઇટ અને પેસ્ટલ રંગોની વિવિધ વરાઇટી મળી જાય. રેડ-યલો, રેડ-ગ્રીન, રેડ-બ્લૅક, ક્રીમ–ગ્રીન જેવા ટ્રેડિશનલ કૉમ્બિનેશન સાથે હવે ગોલ્ડન યલો-સ્કાય બ્લુ, બ્લુ–ઑરેન્જ, પર્પલ-રેડ જેવા અઢળક યુનિક કૉમ્બિનેશન મળે છે. ઑલ ટાઇમ હિટ કહેવાય એવી બ્રાઇટ યલો અને રેડ રંગની ખંડુઆ સિલ્ક સાડી હલ્દી કુમકુમ તરીકે ઓળખાય છે. રેન્બો ખંડુઆ સિલ્ક તરીકે ઓળખાતી સાડીમાં સાત રંગો અદ્ભુત ઉઠાવ આપે છે.
મનમોહક સુંદર ડિઝાઇન
ઇક્કત ટાઇ ઍન્ડ ડાઇમાં જ્યોમેટ્રિક ડિઝાઇન અને નાના, મીડિયમ કે મોટી સાઇઝના ટેમ્પલવાળી બૉર્ડર હોય છે એટલે એ ઇક્કત સાડી તરીકે પણ ઓળખાય છે. ઘણી વાર આ સાડી આમ પ્લેન હોય છે અથવા નાની બુટ્ટી કે ફૂલ હોય છે અને એની સાથે એ જ રંગની અથવા મોટા ભાગે કૉન્ટ્રાસ્ટ રંગની બૉર્ડર અને પાલવ ખાસ આકર્ષક હોય છે જેમાં સ્ટાર, ટેમ્પલ ટોચ, રુદ્રાક્ષ, ફિશ, ચક્ર, લોટસ, હંસ, મોર, પોપટ, હરણ, હાથી વગેરે મોટિફ્સ હોય છે. બનારસી ખંડુઆ જાલ સાડી, લોટસ ડિઝાઇન ખંડુઆ સાડી, ફ્લાવર કળશ ડિઝાઇન બૉર્ડર, ડબલ સાઇઝ મોટી બૉર્ડર, ગંગા જમુના બૉર્ડર તરીકે ઓળખાતી બે રંગોની બૉર્ડરવાળી સાડીઓની વરાઇટી જોવા મળે છે. ખંડુઆ સિલ્ક સાડીમાં જે ઇક્કત ટાઇ ઍન્ડ ડાઇ કરવામાં આવે છે એના ખાસ ડિઝાઇન પ્રમાણે નાબાકોઠી, ચન્દ્રિકા, સખી મયૂર ચન્દ્રિકા, શંખ, પાસાપલ્લી વગેરે નામોથી ઓળખાય છે.
ઑલવેઝ ઇન ફૅશન
ફૅશન ડિઝાઇનર અને સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ હેતલ શાહ કહે છે, ‘કોઈ પણ હૅન્ડિક્રાફ્ટ ફૅબ્રિક હંમેશા ડિમાન્ડમાં રહે છે અને ક્લાસિક લુક આપે છે. ખંડુઆ સિલ્ક કે ઇક્કત ડિઝાઇન ઑલવેઝ ઇન ફેશન છે, કારણ કે એમાં એક ટાઇમલેસ બ્યુટી છે. કોઈ પણ ફેસ્ટિવલ કે પ્રસંગમાં એ સુંદર લાગે છે. ફેસ્ટિવ લુકમાં ખંડુઆ સિલ્ક જુદી-જુદી રીતે યુઝ કરી તમે તમારો લુક ક્રીએટ કરી શકો છો. ખંડુઆ સિલ્ક સાડી અને પ્લેન બ્લાઉઝ, ખંડુઆ સિલ્ક સાડી વિથ ફૅન્સી બ્લાઉઝ, પ્લેન સાડી વિથ ખંડુઆ સિલ્ક બ્લાઉઝ (ખંડુઆ સિલ્ક મટીરિયલ ઇક્કત ડિઝાઇનનું બ્લાઉઝ પ્લેન સાડી સાથે પણ ડિફરન્ટ લુક આપે છે), ખંડુઆ સિલ્કના સુંદર દુપટ્ટા પણ પ્લેન ડ્રેસ સાથે એકદમ એલિગન્ટ લુક સાથે આ ફેસ્ટિવ સીઝનમાં ફર્સ્ટ ચૉઇસ છે. ખંડુઆ સિલ્ક સાડીમાંથી લૉન્ગ અનારકલી ડ્રેસ કે લેહંગા-ચોલી પણ બનાવી શકાય છે.’
કોઈ પણ એજમાં ચાલે
ખંડુઆ સિલ્ક મટીરિયલ ઇક્કત ડિઝાઇન હવે ફૅશનમાં યુનિવર્સલ ચૉઇસ બની રહ્યું છે. આ સાડીનો સુંદર લુક તેને હંમેશાં ફૅશનમાં રાખે છે અને ખૂબી છે કે દરેક એજ ગ્રુપની લેડીઝ પર આ સાડી શોભે છે. એકદમ ફૅન્સી બ્લાઉઝ કે પછી પ્લેન સિમ્પલ બ્લાઉઝ બંને સાથે સાડી શોભી ઊઠે છે. ખંડુઆ સિલ્ક દુપટ્ટા તો ડ્રેસને એટલો સુંદર દેખાવ આપે છે કે પ્લેન સૂટ અને મિનિમલ જ્વેલરી સાથે ફેસ્ટિવ લુક ખીલી ઊઠે છે. ખંડુઆ સિલ્ક લાઇટ વેઇટ, સૉફ્ટ અને પૉકેટ-ફ્રેન્ડ્લી છે અને સાથે-સાથે એ એકદમ સુંદર લુક આપે છે. ખંડુઆ સિલ્ક સાડી એક હેરિટેજ ફૅબ્રિક છે જે જનરેશન ટુ જનરેશન પાસ ઑન પણ થાય છે, કારણ કે એની ડિઝાઇન ક્યારેય જૂની કે આઉટડેટેડ થતી જ નથી. એટલે આ સાડી પર્ફેક્ટ ક્લાસિક ચૉઇસ અને ઇન્વેસ્ટમેન્ટ પણ છે. સાથે મમ્મી, દાદી, નાનીની યાદો જોડાયેલી રહે છે. સાડીમાંથી ડ્રેસ, જૅકેટ, લેહંગા-ચોલી પણ બનાવી શકાય છે.


