આજથી એક દાયકા પહેલાંની એ જાદુઈ નેકલાઇન્સ યાદ છે જેણે દરેક સેલિબ્રિટીથી લઈને કૉલેજ-ગર્લ્સ સુધી સૌને ઘેલું લગાડ્યું હતું? ૨૦૨૬માં એ જ ક્રેઝ ફરી પાછો ફર્યો છે, પણ આ વખતે એ વધુ પૉલિશ્ડ અને પ્રભાવશાળી છે
આ સ્ટેટમેન્ટ-નેકલાઇન્સને ફરી તમારા વૉર્ડરોબમાં સ્થાન આપો
ફૅશન બદલાતા મોસમ જેવી છે જે જાય છે પણ ફરી પાછા ફરવા માટે. ૨૦૧૬માં જે નેકલાઇન્સ એટલે કે ગળાની ડિઝાઇન દરેક ફૅશન-શો અને સોશ્યલ મીડિયા પર છવાયેલી હતી એ હવે ૨૦૨૬માં ફરી એક વાર નવા અને વધુ આધુનિક સ્વરૂપે પરત આવી છે. ૨૦૧૬માં આ ટ્રેન્ડ માત્ર બોલ્ડ દેખાવા માટે હતો, જ્યારે ૨૦૨૬માં એ એલિગન્સ અને આત્મવિશ્વાસનું પ્રતીક બની રહ્યો છે. એવામાં આ સ્ટેટમેન્ટ-નેકલાઇન્સને ફરી તમારા વૉર્ડરોબમાં સ્થાન આપો.
હાઈ નેક વિથ કોલ્ડ શોલ્ડર્સ
ADVERTISEMENT
આ ડિઝાઇનમાં ગળું બંધ હોય છે પણ ખભાના ભાગે કટ હોય છે. આ સૉફિસ્ટિકેટેડ અને મૉડર્ન લુકનું મિશ્રણ છે. એ બોલ્ડ હોવા છતાં અત્યંત ક્લાસી લાગે છે. જેમના ખભા સુડોળ હોય અને જેમને બહુ વધુ એક્સપોઝર ન જોઈતું હોય તેમના માટે આ બેસ્ટ છે.
સ્ટાઇલિંગ ટિપ : હાઈ નેક હોવાથી ગળામાં કંઈ પહેરવું નહીં. વાળને હાઈ પોનીટેલમાં બાંધવાથી ખભાના ક્ટ્સ વધુ સારી રીતે દેખાશે.
સ્ક્વેર નેકલાઇન
ચોરસ આકારની આ નેકલાઇન વિન્ટેજ લુક આપે છે અને અત્યારે ફરીથી ખૂબ ટ્રેન્ડમાં છે. આ નેકલાઇન છાતીના ભાગને વધુ પહોળો અને સ્પષ્ટ બનાવે છે, જે ફૅશનેબલ લુક આપે છે. જેમના ચહેરાનો આકાર ગોળ હોય તેમના માટે આ શ્રેષ્ઠ છે, કારણ કે એ ચહેરાને લંબાઈ અને શાર્પ લુક આપે છે.
સ્ટાઇલિંગ ટિપ : આની લાથે વિન્ટેજ સ્ટાઇલના હાર અથવા ટૂંકા મોતીના હાર ખૂબ સુંદર લાગે છે.
ચોકર નેકલાઇન
આ ડિઝાઇનમાં કપડાંની સાથે જ ગળામાં પટ્ટી જેવી ડિઝાઇન જોડાયેલી હોય છે, જે ગળાને એક શાર્પ લુક આપે છે. આ ચોકર નેકલાઇનની ખાસિયત એ છે કે એ ગળામાં અલગથી જ્વેલરી પહેરવાની જરૂરિયાત પૂરી કરે છે અને લુકને ઇન્સ્ટન્ટ ગ્લૅમરસ બનાવે છે. જેમની ગરદન લાંબી અને પાતળી હોય તેમના પર આ ડિઝાઇન ખૂબ જ સુંદર લાગે છે.
સ્ટાઇલિંગ ટિપ : આની સાથે ગળામાં કંઈ પણ ન પહેરવું. મોટા હૂપ્સ અથવા સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ આ લુકને કમ્પ્લીટ કરશે.
ઑફ-શોલ્ડર
ખભાને ખુલ્લા રાખતી આ નેકલાઇન ૨૦૧૬ની જેમ ૨૦૨૬માં પણ અત્યંત લોકપ્રિય છે. એ તમારા કૉલરબોનને હાઇલાઇટ કરે છે અને સ્ત્રીત્વને ઉભારે છે. પેઅર શેપ બૉડી એટલે કે નીચેથી પહોળું શરીર ધરાવતી મહિલાઓ માટે એ ઉત્તમ છે, કારણ કે એ ઉપરના ભાગમાં બૅલૅન્સ લાવે છે.
સ્ટાઇલિંગ ટિપ : વાળને એક બાજુ રાખી શકાય અથવા અંબોડો વાળી શકાય. આની સાથે ગળામાં એક નાનકડું પેન્ડન્ટ અથવા ચોકર નેકલેસ ખૂબ જ પ્રભાવશાળી લાગે છે.
બોટ નેકલાઇન
એક ખભાથી બીજા ખભા સુધી જતી આ નેકલાઇન ક્લાસિક ફૅશનનું પ્રતીક છે. જેમના ખભા સાંકડા હોય તેમના માટે આ આશીર્વાદરૂપ છે.
સ્ટાઇલિંગ ટિપ : આની સાથે લાંબા ઇઅરરિંગ સૌથી વધુ સૂટ થાય છે. ગળાને ખાલી રાખવું જેથી નેકલાઇનનો આકાર ઊભરી આવે.


