શર્ટના કેટલા પ્રકાર છે અને કેવાં શર્ટ્સને ટક ઇન જ કરાય અને કયાં શર્ટ્સ ટક આઉટ રહે એ જ બહેતર લાગે એના નિયમોની સમજ ન હોય તો ક્યારેક ફૅશન ફિયાસ્કો થશે
શાહિદ કપૂર
પુરુષોના ડેઇલી વેઅરમાં આમ તો બે જ ઑપ્શન છે, શર્ટ અને ટી-શર્ટ. જોકે શર્ટની વાત આવે ત્યારે એ એટલી સિમ્પલ નથી જેટલી તમને લાગે છે. શર્ટના કેટલા પ્રકાર છે અને કેવાં શર્ટ્સને ટક ઇન જ કરાય અને કયાં શર્ટ્સ ટક આઉટ રહે એ જ બહેતર લાગે એના નિયમોની સમજ ન હોય તો ક્યારેક ફૅશન ફિયાસ્કો થશે
ફૉર્મલ હોય કે કૅઝ્યુઅલ વેઅર, પુરુષોના વૉર્ડરોબમાં શર્ટ્સનું વર્ચસ વધારે જ રહેવાનું. અલબત્ત, કેવા ઓકેઝન પર કઈ ટાઇપનાં શર્ટ્સ સૂટ થશે એ સમજી લેવું જરૂરી છે. રોજ પહેરાતાં શર્ટ્સમાં પણ કેટલીક કાળજીઓ રાખવી જરૂરી છે. જો તમે શર્ટ હંમેશાં ટક ઇન જ કરતા હો તો પણ એ ખોટું છે અને હંમેશાં ટક આઉટ રાખતા હો તો એ પણ. આજે સમજીએ શર્ટનો ફૅશન ફન્ડા શું છે અને એ માટે પહેલાં બેસિક વાત જાણીએ કેટલા પ્રકારનાં શર્ટ્સ હોય છે એની. બોરીવલી વેસ્ટના કે. કે. ટેલરના ફૅશન-ડિઝાઇનર અલ્પેશ ચૌહાણ કહે છે કે આ શર્ટ ઇન અને આઉટના ફૅશન કોડ થોડા સમજી અને જાણી લેવા જરૂરી છે, કારણ કે હવે બધા જ ફૅશન કૉન્શિયસ છે અને જાણકાર પણ, ઑફિસ વેઅર લૉન્ગ સ્લીવ લૉન્ગ શર્ટ આઉટ રાખીને ન પહેરવાં જોઈએ અને સેમી ફૉર્મલ શર્ટ ઓકેઝન પ્રમાણે બંને રીતે પહેરી શકાય છે. શર્ટ હાફ સ્લીવ, શૉર્ટ અને ફિટિંગમાં હોય તો એ બુશર્ટ કહેવાય છે અને એ આઉટ જ સારાં લાગે છે. આ શર્ટની હેમલાઇન બે રીતની હોય છે, એક ઍપલ કટ એટલે કે થોડો હાફ રાઉન્ડ કટ જેને ઓપન કટ કહેવાય છે અને એ શર્ટ જીન્સ કે ટ્રાઉઝર પર સ્પેશ્યલી આઉટ રાખીને પહેરાય છે. કમ્ફર્ટ ફિટ હાફ સ્લીવ શર્ટની હેમલાઇન સ્ટ્રેટ હોય છે અને એમાં સાઇડ પર બે ઇંચનો કટ આપવામાં આવે છે. એ શર્ટ ટ્રાઉઝર અને જીન્સ પર આઉટલુકમાં સારાં લાગે છે. હમણાં પ્રિન્ટેડ પાર્ટીવેઅર શર્ટ પણ ઍપલ હેમલાઇન સાથે આઉટ રાખીને પહેરાય છે, જે મૉડર્ન લુક આપે છે. હાલમાં મૅચિંગ પાર્ટી લુકમાં ફાધર–સન આવાં શર્ટ પ્રિફર કરે છે જે બધા પર સરસ લાગે છે.’
ADVERTISEMENT
મુખ્ય ત્રણ પ્રકાર
એક ફૉર્મલ શર્ટ, એમાં ડે ટુ ડે ઑફિસ વેઅર શર્ટ, બિઝનેસ સૂટ સાથે પહેરાતાં શર્ટ અને પાર્ટીવેઅર શર્ટનો સમાવેશ થાય. ફૉર્મલ શર્ટમાં જે ઑફિસ વેઅર શર્ટ અને બિઝનેસ સૂટ સાથે પહેરાતાં શર્ટ હંમેશાં ટક ઇન કરીને પહેરાતાં શર્ટ છે. એ લેન્ગ્થમાં લાંબાં અને ફુલ સ્લીવનાં હોય છે અને કમ્ફર્ટ ફિટ ફિટિંગનાં હોય છે. એ મોટા ભાગે પ્લેન, સૉલિડ કલર કે પછી ચેક્સ કે લાઇનિંગ પ્રિન્ટનાં હોય. મોટા ભાગે ડેઇલી ઑફિસ વેઅર તરીકે, બિઝનેસ પાર્ટી અને મીટિંગમાં ઇન-શર્ટ કરેલો ફૉર્મલ લુક પ્રિફરેબલ ફૅશન સ્ટેટમેન્ટ છે. ઑફિસ લુકમાં ટાઇ સાથે, બ્લેઝર, ચિનોઝ કે ફુલ સૂટ સાથે આ બિઝનેસ ડ્રેસમાં તો હંમેશાં શર્ટ ટક ઇન જ હોય.
બીજું છે સેમી ફૉર્મલ શર્ટ. એમાં મિડલ વે ડિઝાઇન છે એટલે થોડો ફૉર્મલ અને થોડો કૅઝ્યુઅલ લુક આપે છે. આ શર્ટની ખૂબી એ છે કે એ ટક ઇન અને અનટક્ડ એટલે કે આઉટ એમ બંને રીતે પહેરી શકાય. ક્યારે શું કરવું એ પહેરનારની મરજી, મૂડ અને ઓકેઝન મુજબ નક્કી કરી શકાય. આ શર્ટની લેન્ગ્થ ફૉર્મલ શર્ટ કરતાં થોડી ઓછી હોય છે. કમ્ફર્ટ ફિટ અને સ્લિમ ફિટ બંને ફિટિંગમાં આ શર્ટ પોતાની પસંદ પ્રમાણે પસંદ કરી શકાય છે. સેમી ફૉર્મલ શર્ટમાં હાફ અને ફુલ બંને સ્લીવ હોય છે. થ્રી ફોર્થ ફોલ્ડેડ સ્લીવ લુક પણ સરસ લાગે છે.
ત્રીજાં છે કૅઝ્યુઅલ શર્ટ. આ એવાં શર્ટ છે જે પ્રિન્ટેડ હોય અને ઑફિસ સિવાયની જગ્યાઓ પર પહેરવાં ખાસ પસંદ કરવામાં આવે. કૅઝ્યુઅલમાં પણ સ્લીવને લઈને બે ઑપ્શન હોય. એક, હાફ સ્લીવ કૅઝ્યુઅલ શર્ટ, જેને સ્ટાન્ડર્ડ કૅઝ્યુઅલ શર્ટ અથવા ચેરી હવાઇયન શર્ટ, વેકેશન કે વીક-એન્ડ શર્ટ કહેવાય છે જે મોટા ભાગે પ્રિન્ટેડ હોય છે અથવા પ્લેન પણ બ્રાઇટ રંગમાં બનાવવામાં આવે છે. આ શર્ટની લેન્ગ્થ શૉર્ટ અને સ્લીવ પણ હાફ સ્લીવ હોય છે. આ પ્રકારના શર્ટનું ફિટિંગ ફિટેડ કે સ્લિમ ફિટ હોય છે અને એ હંમેશાં અનટક્ડ રાખવામાં આવે છે. ક્યારેક ઈવનિંગ પાર્ટી લુકમાં જો પાર્ટી બ્લેઝર કે જૅકેટ સાથે પહેરવું હોય તો ટક ઇન કરી શકાય. આ શર્ટ મોટે ભાગે જીન્સની સાથે પૅર-અપ થાય. વેકેશન લુકમાં તો ક્યારેક શૉર્ટ્સ કે થ્રી-ફોર્થ પૅન્ટ સાથે ફંકી પ્રિન્ટનાં કૅઝ્યુઅલ શર્ટ મસ્તીભર્યો લુક આપે છે.
ફુલ સ્લીવ કૅઝ્યુઅલ શર્ટઃ આ શર્ટની સ્લીવમાં પણ કોઈ પૅર્ટન હોય છે. એ ફોલ્ડ કરવાથી ડિફરન્ટ લુક આપે છે. આ પ્રકારનાં શર્ટ બંને રીતે પહેરી શકાય છે. આ શર્ટ ટક ઇન કરવાં કે આઉટ રાખવાં એનો સૌથી મોટો આધાર એ શર્ટ કયા સમયે ક્યાં અને કોની સાથે પહેરવામાં આવ્યું છે એના પર છે અને સાથે-સાથે પહેરનારની પર્સનલ ચૉઇસ પર પણ... કોઈ ડિનર પાર્ટી કે પબમાં કે મૉલમાં ફરવા જતી વખતે કે મિત્રો સાથે કે ફૅમિલી સાથે આ શર્ટ અનટક્ડ પહેરી શકાય છે. અને કોઈ થોડું વિશેષ ઓકેઝન હોય અને શર્ટનું મટીરિયલ હેવી લુક ધરાવતું હોય તો વધુ ડિસન્ટ લુક માટે ટક ઇન સ્ટાઇલ પ્રિફરેબલ છે.
ફિનિશ યૉર સ્ટાઇલ વિથ બેલ્ટ
ઓકેઝન કે સ્થળ કોઈ પણ હોય, જ્યારે શર્ટ ટક ઇન કરીને પહેરવામાં આવે ત્યારે બેલ્ટ પહેરવાનું ભૂલવું નહીં. બેલ્ટ સિમ્પલ હોય કે ફૅન્સી, એ ઓવરઑલ લુક એન્હાન્સ કરે છે અને એક નિટ લુક આપે છે અને ઇન શર્ટ પ્રૉપરલી ઇન જ રહે એ માટે પણ મદદ કરે છે. ઇન શર્ટ લુક માટે બેલ્ટ મસ્ટ છે, જ્યારે અનટક્ડ સ્ટાઇલમાં બેલ્ટ ફરજિયાત નથી. એ દરેકની સ્ટાઇલ અને પસંદ પર નિર્ભર કરે છે.
પોલો શર્ટ કે ટી-શર્ટ હંમેશાં આઉટ રાખીને અનટક્ડ સ્ટાઇલમાં જ પહેરવામાં આવે છે. પોલો શર્ટને ઇન કરી શકાય છે, પણ આઉટમાં એ વધુ મૉડર્ન લુક આપે છે.
- હેતા ભૂષણ


