સફેદ કપડા પર સહેજ અમથો ડાઘ પણ લાગ્યો હોય તો આખો ડ્રેસ નકામો થઈ જાય છે. સાબુ-બ્રશથી ગમે એટલું ઘસીએ તો પણ ડાઘ હટતા નથી.
પ્રતીકાત્મક તસવીર
સફેદ કપડા પર સહેજ અમથો ડાઘ પણ લાગ્યો હોય તો આખો ડ્રેસ નકામો થઈ જાય છે. સાબુ-બ્રશથી ગમે એટલું ઘસીએ તો પણ ડાઘ હટતા નથી. એટલે પછી કંટાળીને આપણે ડાઘવાળાં કપડાં પહેરવાનું જ છોડી દઈએ છીએ. એટલે તમારા માટે આ રહ્યા કેટલાક ઘરેલુ નુસખા જે કપડાંના ડાઘથી છુટકારો મેળવવામાં કરશે મદદ
અનેક ડિટર્જન્ટ અને વૉશિંગ પાઉડરની કંપનીઓ કપડાં પરના જિદ્દી ડાઘ હટાવવાના દાવા ભલે કરતી હોય, પણ જ્યારે કપડાં પર ચા-કૉફી કે હળદરના ડાઘ લાગી ગયા હોય ત્યારે એને ગમે એટલું ઘસો તોય એમાંથી છુટકારો મળતો નથી. અંતે આ ડાઘને હટાવવા માટે ઘરેલુ નુસખાઓ જ અજમાવવા પડે છે. અહીં રહી કેટલીક ટ્રિક્સ અને ટિપ્સ, જે તમને કપડાંના ડાઘ હટાવવામાં મદદરૂપ બનશે.
ADVERTISEMENT
ચા-કૉફીના ડાઘ હટાવવાની ટિપ્સ
કપડા પર જો તાજો જ ડાઘ લાગ્યો હોય તો સૌથી પહેલાં કપડાને ગરમ પાણીમાં ભીનું કરી દો. એ પછી ડાઘ પર અડધી ચમચી લીંબુનો રસ અને એક ચમચી ટૅલ્કમ પાઉડર નાખો. ટૂથબ્રશ લઈને ડાઘ પર ઘસતા જાઓ. દસ મિનિટમાં એ સાફ થઈ જશે.
ચા-કૉફીના ડાઘ સુકાઈ ગયા હોય તો એને સાફ કરવા માટે એક વાટકામાં બેકિંગ સોડા લો. એમાં લીંબુનો રસ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો. બ્રશની મદદથી આ મિશ્રણને ડાઘ પર ઘસો. દસ મિનિટ સુધી તેને એમનેમ છોડી દો અને પછી કપડાને ઘસીને ધોઈ નાખો.
ડાઘને હટાવવા માટે બે ચમચી વૉશિંગ પાઉડરમાં એક ચમચી વાસણ ધોવાનું લિક્વિડ મિક્સ કરો. એને ગરમ પાણીમાં નાખીને કપડાને એમાં બોળીને આખી રાત રાખી મૂકો. સવારે કપડાને બ્રશથી ઘસી નાખશો એટલે ડાઘ સાફ થઈ જશે.
હળદરના ડાઘ આ રીતે કરો સાફ
કિચનમાં જમવાનું બનાવતા હોઈએ કે જમતાં-જમતાં ભોજન કપડાં પર પડી જાય તો હળદરના ડાઘ તરત કપડાં પર લાગી જાય છે. આ ડાઘ પાછા એટલા જિદ્દી હોય કે ફક્ત ડિટર્જન્ટનો ઉપયોગ કરીને કપડાં ધોવાથી એ જતા નથી. એ માટે તમે કેટલાક હૅક્સની મદદથી કપડા પર લાગેલા હળદરના ડાઘ પરથી છુટકારો મેળવી શકો.
દાંતને ચમકાવતી ટૂથપેસ્ટ કપડાને ચમકાવવા અને ડાઘ-ધબ્બા દૂર કરવામાં પણ કારગત સાબિત થાય છે. કપડા પર લાગેલા હળદરના ડાઘ સાફ કરવા માટે ટૂથપેસ્ટને બેકિંગ સોડા સાથે મિક્સ કરો. કપડાંમાં જ્યાં ડાઘ લાગ્યો હોય એ જગ્યાએ આ મિશ્રણને લગાવી દો. થોડા સમય પછી કપડાંને પાણીથી ધોઈ લો.
વાઇટ વિનેગર એક સારું ક્લીનિંગ એજન્ટ છે. ટાઇલ્સ હોય કે કપડાં, બધા પરથી ડાઘ હટાવવામાં એનો ઉપયોગ કરી શકાય છે. એ માટે થોડા પાણીમાં લિક્વિડ ડિટર્જન્ટ અને વાઇટ વિનેગરને મિક્સ કરીને એને રગડો જ્યાં સુધી ડાઘમાંથી છુટકારો ન મળે.
બ્લીચ પણ કપડા પર લાગેલા ડાઘને હટાવવામાં કારગત હોય છે. એ માટે ૩-૪ ટીપાં લિક્વિડ બ્લીચ એક વાટકામાં લો. એમાં થોડું પાણી મિક્સ કરો. બ્રશની મદદથી બ્લીચને કપડા પર ડાઘ ન જાય ત્યાં સુધી ઘસો.

