આવું ઇન્ડિયન જર્નલ ઑફ ડર્મેટોલૉજીમાં છપાયેલા એક અભ્યાસમાં કહેવાયું છે
પ્રતીકાત્મક તસવીર
આવું ઇન્ડિયન જર્નલ ઑફ ડર્મેટોલૉજીમાં છપાયેલા એક અભ્યાસમાં કહેવાયું છે. રિસર્ચરોનું કહેવું છે કે જેમને યંગ એજમાં ખીલ થાય છે એ લોકોના મૂળભૂત કોષો પર ટેલોમીઅર્સ તરીકે ઓળખાતાં જે ખાસ ઍન્ટેના હોય છે એ લાંબાં હોય છે. આ ઍન્ટેના મનુષ્યની જીવાદોરી કેટલી હશે એનું અનુમાન બતાવે છે.
કેટલાક અભ્યાસો સાચા છે કે ખોટા એ કહેવું મુશ્કેલ છે, પણ એનાં તારણો બહુ ગમતીલાં હોઈ શકે છે. જુવાનીમાં ખીલથી પરેશાન થયેલા કે અત્યારે થઈ રહેલા લોકોને ગમે એવું તારણ ઇન્ડિયન જર્નલ ઑફ ડર્મેટોલૉજીના અભ્યાસમાં છપાયું છે કે ખીલથી પરેશાન લોકોમાં વૃદ્ધત્વ મોડું આવે છે. જોકે આ વાતની સત્યતા સો ટકા પુરવાર કરવી એ કોઈ પણ નિષ્ણાત કે રિસર્ચર માટે લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું છે. એટલે કેટલાક નિષ્ણાતો આ વાત સહમત પણ થાય છે તો કેટલાક અસહમત. આમ તો આ અભ્યાસ ઘણો જૂનો છે, પરંતુ સુન્જેમ્લિલા લોન્ગકુમેર નામની ઇન્ડિયન બ્યુટી-ઇન્ફ્લુઅન્સરની એક રીલે આ વાતને ફરીથી ઉખેળી હતી.
ADVERTISEMENT
હવે વાત કરીએ મૂળ રિસર્ચની. યુરોપિયન સ્ટડીમાં એવું નોંધાયું હતું કે જે લોકોને યંગ એજમાં પુષ્કળ ખીલ થતા હોય છે તેમના મૂળભૂત કોષો DNA પર આવેલાં ટેલોમીઅર્સ તરીકે
જાણીતા આવરદા સાથે સંકળાયેલાં ઍન્ટેના લાંબાં હોય છે. વિશ્વભરના નિષ્ણાતો હવે એક મત પર છે કે જન્મની સાથે મૂળભૂત કોષો પર આવેલાં આ ઍન્ટેના જેવાં ટેલોમીઅર્સ જેટલાં લાંબા એટલી આવરદા વધુ હોય છે. ખરાબ જીવનશૈલી જીવવાને કારણે આ ઍન્ટેના ટૂંકાં પણ થઈ શકે છે એ પણ નોંધાયું છે. આવરદા ઘટતી જાય એમ-એમ ટેલોમીઅર્સ પણ બ્રેકડાઉન થઈને સંકોચાતાં જાય છે.
યુરોપિયન અભ્યાસમાં નોંધાયું છે કે ઍક્ને ધરાવતા લોકોમાં આ ટેલોમીઅર્સ સંકોચાવાની એટલે કે એજિંગ થવાની પ્રક્રિયા ધીમી હોય છે. ભારતમાં ૮૦ ટકા લોકોને ટીનેજ કે યંગ એજમાં ખીલ થતા જ હોય છે. તો શું એનો મતલબ એ થયો કે આ બધા જ લાંબું જીવશે. ખીલ થવા પાછળનાં કારણો પણ ઘણાં હોય છે. હાઇજીન અને હૉર્મોનલ ઇશ્યુઝ બન્ને એ માટે કારણભૂત હોઈ શકે છે. આ બે કારણોને કઈ રીતે મૂળભૂત કોષો પરનાં ટેલોમીઅર્સ ઍન્ટેના સાથે સીધો સંબંધ છે એ કોઈ સાબિત નથી કરી શક્યું.

