સુંદરતાનું પ્રતીક ગણાતા કુમકુમના ચાંદલાનું સ્થાન હવે ગમવાળા સ્ટિકર ચાંદલાએ લઈ લીધું છે ત્યારે એનો સતત વપરાશ લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે છે
પ્રતીકાત્મક તસવીર
એક નાનકડી બિંદી સ્ત્રીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. પહેલાંના જમાનામાં કપાળ પર ચાંદલો લગાવવા કંકુનો વપરાશ થતો હતો, પણ હવે સમય જતાં સ્ટિકરવાળા ચાંદલા ચલણમાં આવ્યા છે. ચોંટાળવામાં સરળ, અલગ-અલગ સાઇઝ અને ડિઝાઇનમાં મળતા ચાંદલા દેખાવમાં આકર્ષક હોય છે પણ એની પાછળ છુપાયેલું કેમિકલ એટલું જ જોખમી સાબિત થઈ શકે છે. ચાંદલાની પાછળ વપરાતા ગમમાં પૅરા-ટર્શિયરી બ્યુટાઇલ ફીનોલ નામનું કેમિકલ હોય છે જે ત્વચાના સંપર્કમાં આવતાં ખંજવાળ, લાલાશ અને સોજો લાવી શકે છે. સતત એક જ જગ્યાએ ગમવાળો ચાંદલો ચોંટાડવાથી ત્યાંની ત્વચાના મેલાનિન કોષો નાશ પામે છે, જેના કારણે કપાળ પર સફેદ ડાઘ પડી શકે છે. લાંબો સમય ચાંદલો લગાવી રાખવાથી એ જગ્યા કાળી પડી જાય છે અથવા ત્વચાનું પડ જાડું થઈ જાય છે. ગર્મી કે પરસેવાના કારણે ગમ ઓગળે ત્યારે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે, જેનાથી ઝીણી ફોલ્લીઓ થાય છે.
સાવચેતી કેવી રીતે રાખવી?
ADVERTISEMENT
આખો દિવસ ચાંદલો લગાવી રાખવાનું ટાળો. ઘરે હો ત્યારે અથવા રાત્રે સૂતી વખતે ચાંદલો ચોક્કસપણે કાઢી નાખો.
હલકી ગુણવત્તાના સસ્તા ચાંદલા વાપરવાને બદલે જાણીતી બ્રૅન્ડના મેડિકલી ટેસ્ટેડ ચાંદલા પસંદ કરવા.
રોજ એક જ ચોક્કસ બિંદુ પર ચાંદલો ન લગાવતાં એની જગ્યામાં સહેજ ઉપર-નીચે ફેરફાર કરતા રહો જેથી ત્વચાને શ્વાસ લેવાની જગ્યા મળે.
કપાળ પર પરસેવો હોય કે ત્વચા ભીની હોય ત્યારે સ્ટિકર ચાંદલો ન લગાવો.
શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ કંકુ અથવા ચંદનનો ચાંદલો કરવાની આદત પાડો. એ ત્વચા માટે ઠંડક આપનાર અને સુરક્ષિત છે.
ચાંદલો લગાવતાં પહેલાં એ જગ્યાએ હળવું મૉઇશ્ચરાઇઝર અથવા નારિયેળ તેલનું ટીપું લગાવો જેથી ગમ સીધો ત્વચાના સંપર્કમાં ન આવે.
જો ચાંદલાની જગ્યાએ ખંજવાળ કે બળતરા થાય તો તરત જ ચાંદલો કાઢી ત્યાં ઍલોવેરા જેલ અથવા બરફનો શેક કરવો.
જો ત્વચા પર સફેદ ડાઘ કે ગંભીર રૅશિસ દેખાય તો ઘરગથ્થુ પ્રયોગો કરવાને બદલે ત્વચારોગના નિષ્ણાતનો સંપર્ક કરવો.


