પગમાં પહેરાતો આ દાગીનો ફરી પાછો નાનાંમોટાં બધાં પસંદ કરવા લાગ્યાં છે
પ્રતીકાત્મક તસવીર
પાયલ, ઝાંઝર, પાઝેબ... પગમાં પહેરવાનું આ ઘરેણું હંમેશાં સ્ત્રીઓનું માનીતું રહ્યું છે. એમ તો આ ચાંદીમાં પહેરાય છે પરંતુ આર્ટિફિશ્યલમાં પણ મળે છે. આજકાલ ફૅશનનો પવન આ ઘરેણાને પણ અડી ગયો છે અને એક પગમાં પહેરવાના ઍન્કલેટથી લઈને તદ્દન જુદી પ્રકારની ફૅશનેબલ પાયલ પણ માર્કેટમાં મળતી થઈ ગઈ છે. પાયલ આપણી સંસ્કૃતિ છે. વર્ષો પહેલાં દાદીઓ- નાનીઓ પગમાં ચાંદીનાં કડાં અથવા તો પાયલ પહેરતી. આ માત્ર આભૂષણ નથી પરંતુ પગમાં એને પહેરવાના વૈજ્ઞાનિક ફાયદા પણ છે. કહેવાય છે કે પગમાં કડું કે પાયલ પહેરવાથી પગના અમુક પૉઇન્ટ પર પ્રેશર આવે છે અને એનાથી સ્વાસ્થ્યને લગતા ફાયદા પણ થાય છે. ફરીથી પગમાં પહેરવાના આ આભૂષણનો ટ્રેન્ડ આવી રહ્યો છે અને હવે તો લોકો એક પગમાં ઍન્કલેટ તરીકે પણ પહેરતા થયા છે. એની ફૅશનમાં પણ ઘણીબધી વિવિધતા જોવામાં આવી રહી છે. અલગ-અલગ ધાતુઓમાંથી પણ પગમાં પહેરવાનું આ ઘરેણું બને છે. જેને ચાંદી ન પોસાય તેઓ અન્ય ધાતુ કે વસ્તુમાંથી બનતાં પહેરે.
જ્વેલરી-ડિઝાઇનર પૂર્વી ઝવેરી સાથે અમે લોકપ્રિય થઈ રહેલા આ આભૂષણ વિશે વાત કરી. પૂર્વી ઝવેરી કહે છે, ‘આ આપણી સંસ્કૃતિ હતી પરંતુ અંગ્રેજો આવ્યા અને આપણે ધીમે-ધીમે બધી જ વાતે તેમનું અનુકરણ કરતા થઈ ગયા. વેસ્ટર્ન કપડાં આવ્યાં અને પછી આવાં ટ્રેડિશનલ આભૂષણ એવાં કપડાં સાથે ન શોભે એમ કરતાં-કરતાં પગમાં પહેરવાનાં આ પાયલ અને વીંછિયા જેવાં આભૂષણો ભુલાતાં ગયાં. જોકે સારી વાત એ હતી કે લગ્ન કે એવા પ્રસંગે ત્યારેય પહેરાતાં જ હતાં. નાનાં હતાં ત્યારે નવી પરણેલી વધૂ ઘરમાં ઝાંઝર પહેરીને છમ છમ છમ કરતી એક ઓરડામાંથી બીજા ઓરડામાં ફરતી એ મને હજી યાદ છે. પછી તો ઘૂઘરી વગરની પાયલ પણ આવી. ફરીથી પરિવર્તન આવી રહ્યું છે. એ ઘૂઘરી વગરની નાજુકડી પાયલ લોકોના કબાટમાંથી બહાર નીકળીને પહેરાતી થઈ છે. બે પગમાં ન પહેરવી હોય તો એક પગમાં ઍન્કલેટ તરીકે પણ છોકરીઓ પહેરવા લાગી છે. આ તો થઈ ચાંદીની ટ્રેડિશનલ પાયલની વાત. હવે તો આર્ટિફિશ્યલમાં એટલીબધી સ્ટાઇલ અને પૅટર્નમાં વરાઇટી નીકળી છે કે વાત જ ન પૂછો.’
ADVERTISEMENT
આપણે ત્યાં નજર ન લાગે એટલે પગમાં કાળો ધાગો પહેરાવતાં હોય છે. ઘણી વખત કાળા મણિવાળો ધાગો પણ પહેરવામાં આવે છે. આજકાલ આ સ્ટાઇલ ખૂબ પૉપ્યુલર થઈ રહી છે. બે પગમાં પાયલ ભલે છોકરીઓ ન પહેરે પરંતુ એક પગમાં ઍન્કલેટ તરીકે પહેરતી થઈ છે. એ વેસ્ટર્ન આઉટફિટ સાથે પણ સરસ લાગે છે. આમાં એક વસ્તુ સારી થઈ છે. ભલેને ફૅશન તરીકે પહેરાતું થયું હોય, પરંતુ ફરી આ પરંપરા ચલણમાં આવી. સાવ નાની બાળકીઓને લોકો દામણી એટલે કે ઘૂઘરીઓ પહેરાવે છે. કાળા કે રેડ કલરના ધાગામાં કથ્થકના ઘૂંઘરૂમાં વપરાતી ઘૂઘરીઓ લાગેલી હોય કે પછી કડલાં જેવી દેશી ડિઝાઇન હોય એવાં ઍન્કલેટ પણ પસંદ કરાઈ રહ્યાં છે. સાવ ઝીણા મણિ લાગેલા હોય કે કાળા કલરના પોમપોમ અને સિલ્વર મોતી લાગેલાં હોય એવી પાયલ પણ છોકરીઓની પહેલી પસંદ બની રહી છે. એ સાથે જ અગાઉ પહેરાતાં એ કડલાં પણ જર્મન સિલ્વર કે અન્ય મેટલમાં મળતાં થયા છે. અમુકમાં ઘૂઘરીઓ હોય છે પરંતુ એ રણઝણતી નથી એટલે એ પણ છોકરીઓને ગમતી થઈ છે. ટૂંકમાં પગમાં પહેરાતો આ દાગીનો ફરીથી નાનાંમોટાં બધાં જ પસંદ કરવા લાગ્યાં છે.

