આજના આધુનિક જમાનામાં પણ મહિલાઓ સુહાગની નિશાની ગણાતું મંગળસૂત્ર પહેરે જ છે. જોકે સમય સાથે મંગળસૂત્રની સાઇઝ અને ડિઝાઇનમાં ઘણો ફરક આવ્યો છે
ઇન્ફિનિટી મંગલસૂત્ર, સન-મૂનના યુનિયન, પોલારિસ મંગળસૂત્ર, લેટર મંગળસૂત્ર
અગાઉ જે મંગળસૂત્ર આવતાં એમાં જે પેન્ડન્ટ હોય એ ગોલ્ડન અને જે ચેઇન હોય એ ઝીણાં કાળાં મોતીની આવતી. ગોલ્ડને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે કાળાં મોતી બૂરી નજરથી બચાવે છે એવી માન્યતા છે. હવે આજકાલનાં જે મૉડર્ન મંગળસૂત્ર આવે છે એ રોઝ ગોલ્ડ, વાઇટ ગોલ્ડ અને યલો ગોલ્ડમાં આવે છે. એનાં પેન્ડન્ટ હોય એ ડાયમન્ડનાં હોય છે. સાથે જ એમાં અમુક કાળાં મોતી પણ હોય છે. ટૂંકમાં કહીએ તો મૉડર્ન મંગળસૂત્રમાં ટ્રેડિશનલનો થોડો ટચ પણ રાખવામાં આવે છે.
મૉડર્ન મંગળસૂત્ર હોય છે એ વધારે હેવી નથી હોતાં. એની જે ડિઝાઇન છે એ ખૂબ જ મિનિમલ હોય છે એટલે એને દૈનિક જીવનમાં પણ કોઈ પણ જાતના ડિસકમ્ફર્ટ વગર આરામથી પહેરી શકાય.
ADVERTISEMENT
ઇન્ફિનિટી મંગલસૂત્ર
આ પ્રકારના મંગળસૂત્રમાં પેન્ડન્ટની ડિઝાઇનમાં ઇન્ફિનિટીનું ચિહન હોય, જે ડાયમન્ડ અને ગોલ્ડનું બનેલું હોય. એની જે ચેઇન હોય એમાં કાળાં મોતી અને ગોલ્ડન મોતી હોય. પતિ-પત્ની વચ્ચેનો અનંત પ્રેમ દર્શાવવા માટે આવાં મંગળસૂત્ર મહિલાઓ પહેરે છે.
સન-મૂનના યુનિયન
ચંદ્રમાને એક સ્ત્રીલિંગ ગ્રહ માનવામાં આવે છે અને એને સ્ત્રીઊર્જા સાથે જોડવામાં આવે છે, જ્યારે સૂર્યને પુલ્લિંગ ગ્રહ માનવામાં આવે છે અને એને પુરુષઊર્જા સાથે જોડવામાં આવે છે. લગ્ન એટલે સ્ત્રી-પુરુષનું મિલન અને મંગળસૂત્ર એનું પ્રતીક અને એટલે જ સન-મૂન એટલે કે સૂર્ય-ચંદ્રની ડિઝાઇનવાળાં એકમેકને જોડાયેલાં હોય એવાં પેન્ડન્ટ ધરાવતાં મંગળસૂત્ર આવે છે.
પોલારિસ મંગળસૂત્ર
ઉત્તરી તારો જેને પોલારિસ પણ કહેવાય છે એની ડિઝાઇનવાળાં મંગળસૂત્ર પણ મહિલાઓ પહેરવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે પોલારિસ વ્યક્તિના વૈવાહિક જીવનમાં સ્થિરતા અને માર્ગદર્શનનું પ્રતીક છે.
લેટર મંગળસૂત્ર
આ પ્રકારના મંગળસૂત્રમાં ડિઝાઇનને બદલે કર્સિવ સ્ટાઇલમાં પતિના નામનો પહેલો અક્ષર હોય અથવા તો પતિ-પત્ની બન્નેના નામનો પહેલો લેટર હોય.
આ બધાં જ મંગળસૂત્રની ડિઝાઇન જોશો તો એકદમ સિમ્પલ છે પણ એમ છતાં દરેક પાછળ કોઈ ને કોઈ અર્થ છુપાયેલો છે અને એ પહેરવામાં પણ એકદમ યુનિક લાગે.

