નાના કામમાં ભગવાનને શું હેરાન કરવા? રાષ્ટ્રપતિને કંઈ છાશકેન્દ્રનું ઉદ્ઘાટન કરવા ન બોલાવાય
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા છે કે સદ્ગુરુની પ્રાપ્તિ થઈ જાય પછી એ શિષ્યને માત્ર શારીરિક એટલે કે ભૌતિક દૃષ્ટિએ જ સન્માર્ગ ન બતાવે, આધ્યાત્મિક
પ્રગતિનો રાજમાર્ગ પણ બતાવે છે. આ માટે જ આપણે ત્યાં ગુરુ સમક્ષ વંદન, અભિનંદન કરવામાં આવે છે. એટલા માટે જ આપણે ગુરુજનોનો આદર-સત્કાર કરતા હોઈએ છીએ. ભારતીય પરંપરા એ પણ કહે છે કે ત્રિવિધ તાપમાંથી મુક્તિ માટે આપણે સતત સદ્ગુરુના આદેશોનું પાલન અને અનુસરણ કરવાનું છે, તેઓ જે કહે એ મુજબ જીવવાનું છે, જીવનમાં આગળ વધવાનું છે, સતત અગ્રેસર બનવાનું છે. માત્ર ભૌતિક ધન માટે નહીં, આધ્યાત્મિક ખજાનાની પ્રાપ્તિ માટે નિરંતર ગુરુચીંધ્યા માર્ગે આગળ વધતા રહેવાનું છે. જીવનમાં ક્યારેક મુશ્કેલી આવે તો પણ ભગવાનનું નામ મૂકવાનું નથી.
ADVERTISEMENT
એક સંત બીમાર હતા. કેટલાક ભક્તો ગયા. અનુયાયીઓએ દવા આપી. એ મહારાજે લીધી. કોઈ કહે, ‘શું થયું બાપુ?’
મહારાજ કહે, ‘ડૉક્ટરે દવા લખી આપી તે દવા લીધી.’
પેલો માણસ કહે, ‘તમે સાધુ-સંત થઈ દવા લો?’
મહારાજે જવાબ આપ્યો, ‘કેમ દવા લેવી પાપ છે?’
પેલો માણસ છોભીલો પડ્યો પણ એ વાત ચાલુ રાખી અને કહ્યું, ‘નહીં પાપ નથી, પણ તમે તો સંત છો. તમારે ભગવાન સાથે સીધો સંબંધ છે. ભગવાનને કહો તો તાવ મટી જાય. દવા ખાવાની શું જરૂર છે?’
સંતે બહુ સરસ જવાબ આપ્યો કે ‘જે કામ પાંચ રૂપિયાની નાની ટીકડીથી થતું હોય એના માટે ભગવાનને હેરાન કરવા ઉચિત નથી.’
નાના કામમાં ભગવાનને શું હેરાન કરવા? રાષ્ટ્રપતિને કંઈ છાશકેન્દ્રનું ઉદ્ઘાટન કરવા ન બોલાવાય. રાષ્ટ્રપતિને બોલાવવા હોય તો એ માટેનું સબળ કારણ હોવું જોઈએ. આટલા નાનકડા કામ માટે ભગવાનને શું હેરાન કરવા? માંદા પડીએ તો એ માટે યોગ્ય ઔષધિ અને યોગ્ય આહાર દ્વારા નિરામય બનીએ.
જીવનમાં દુ:ખ આવે, રોગ આવે તો ઔષધિ લઈ લેવાની પરંતુ પ્રભુનામરૂપી ઔષધિ આપણો ભવરોગ મટાડવા માટે છે જેની પ્રાપ્તિ યોગ્ય સદ્ગુરુની કૃપાથી થાય છે. ભગવદ્ નામરૂપી રસાયણ એટલે કે ભગવાનના નામરૂપી ઔષધિ જેને પ્રાપ્ત થઈ જાય છે તેને ખરા અર્થમાં ભવરોગ મટી જાય, મોક્ષ સુધીના ગંતવ્ય સુધી પહોંચવાના અધિકાર પ્રાપ્ત થઈ જાય છે એટલે કે માત્ર દૈહિક કે સ્થૂળ શરીરની સ્વસ્થતા સાથે આપણે આધ્યાત્મિક પ્રગતિ સુધીની યાત્રા કરવાની છે.
- ભાઈશ્રી રમેશભાઈ ઓઝા


