બીજી ઇનિંગ્સમાં ૩૪૨ રન કરીને ઇંગ્લૅન્ડે ૧૬૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો, ઑસ્ટ્રેલિયા પાંચ વિકેટે ૧૬૧ રન કરીને સિડની ટેસ્ટ-મૅચ જીત્યું
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં કાંગારૂ ટીમ ઍશિઝ ટ્રોફી સાથે
ઐતિહાસિક ઍશિઝ ટેસ્ટ-સિરીઝની ૭૪મી સીઝનમાં ૪-૧થી જીત મેળવીને યજમાન ઑસ્ટ્રેલિયાએ સૌથી વધુ ૩૫મી ઍશિઝ સિરીઝમાં વિજય નોંધાવ્યો છે. ઇંગ્લૅન્ડ ૩૨ સિરીઝ જીત્યું છે, જ્યારે ૭ સિરીઝ ડ્રૉ રહી છે. ગઈ કાલે પાંચમા દિવસે અંગ્રેજ ટીમ ૮૮.૨ ઓવરમાં ૩૪૨ રન કરીને ઑલઆઉટ થઈ ગઈ હતી. પહેલી ઇનિંગ્સમાં ૩૮૪ રન કર્યા હોવાથી તેઓ ૧૬૦ રનનો ટાર્ગેટ સેટ કરી શક્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ૫૬૭ રન કરનાર યજમાન ટીમે ૩૧.૨ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૧ રન કરીને પાંચ વિકેટે જીત નોંધાવી હતી.
૧૪૫૪ રન સાથે આ મૅચ સિડનીમાં રમાયેલી ઍશિઝની ૨૧મી સદીની હાઇએસ્ટ રનવાળી મૅચ બની હતી. સિડની ટેસ્ટ-મૅચમાં ૧૫૩ અને ૨૯ રન કરનાર ટ્રૅવિસ હેડ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક ૧૫૬ રન કરીને ૩૧ વિકેટ લેવા બદલ પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયો હતો.
ADVERTISEMENT
પાંચમા દિવસે ૭૬મી ઓવરમાં ૮ વિકેટે ૩૦૨ રનના સ્કોરથી અંગ્રેજ ટીમની બીજી ઇનિંગ્સને આગળ વધારવાની શરૂઆત થઈ હતી. બાવીસ વર્ષનો જેકબ બેથલ પોતાની પહેલી ટેસ્ટ-સદીના સ્કોરને ૨૬૫ બૉલમાં ૧૫ ફોરની મદદથી ૧૫૪ રન સુધી લઈ ગયો હતો. પાંચમા દિવસે મહેમાન ટીમની અંતિમ બે વિકેટ મિચલ સ્ટાર્કે લીધી હતી. બીજી ઇનિંગ્સમાં તેણે ૭૨ રન આપીને ૩ વિકેટ લીધી હતી. બો વેબ્સ્ટરે પણ ૬૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી.

ઉસ્માન ખ્વાજાએ પોતાની અંતિમ મૅચમાં આઉટ થયા બાદ મેદાનને ચૂમી લીધું હતું. તેના સન્માનમાં મેદાન પર લખવામાં આવ્યું હતું, THANKS UZZY #419. ઇંગ્લૅન્ડની ટીમ તરફથી તેને ગાર્ડ ઑફ ઑનર પણ આપવામાં આવ્યું હતું

૧૬૦ રનના ટાર્ગેટ સામે કાંગારૂ બૅટર જેક વેધરલ્ડે ૪૦ બૉલમાં ૩૪ અને ત્રીજા ક્રમે રમીને માર્નસ લબુશેને ૪૦ બૉલમાં ૩૭ રનનું મોટું યોગદાન આપ્યું હતું. ઑસ્ટ્રેલિયાના ૪૧૯ નંબરના ટેસ્ટ-પ્લેયર ઉસ્માન ખ્વાજાએ પોતાની અંતિમ મૅચની બીજી ઇનિંગ્સમાં ૭ બૉલમાં ૬ રન કર્યા હતા. તેણે મૅચની પહેલી ઇનિંગ્સમાં ૪૯ બૉલમાં ૧૭ રન કર્યા હતા. ઇંગ્લૅન્ડ તરફથી બીજી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર જૉશ ટન્ગે ૪૨ રન આપીને ૩ વિકેટ લીધી હતી.
આૅસ્ટ્રેલિયામાં જોવાયેલી સૌથી મોટી ટેસ્ટ-સિરીઝનો રેકૉર્ડ એક વર્ષની અંદર જ તૂટ્યો
બૉર્ડર-ગાવસકર ટ્રોફી ૨૦૨૪-’૨૫માં ૮,૩૭,૮૭૯ દર્શકોએ હાજરી આપીને ઑસ્ટ્રેલિયામાં જોવાયેલી સૌથી મોટી ટેસ્ટ-સિરીઝનો રેકૉર્ડ બનાવ્યો હતો. એક વર્ષ બાદ ઍશિઝ ૨૦૨૫-’૨૬માં ૮,૫૯,૫૮૦ દર્શકોની હાજરીથી આ મોટો રેકૉર્ડ તૂટ્યો છે. ઍશિઝ ૨૦૨૫-’૨૬માં ૧૮ દિવસ રમાઈ છે જેમાં ૪૨ સેશનમાં ૧૨૭૦ ઓવર ફેંકાઈ હતી.
સિડનીમાં ૭૯ વર્ષ જૂનો ગિરદીનો રેકૉર્ડ તૂટ્યો

પ્રેઝન્ટેશન સેરેમની દરમ્યાન મેદાન પર આવી ગયા હતા તમામ ક્રિકેટ-ફૅન્સ
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની મૅચ જોવા હાજર રહેલા ક્રિકેટ-ફૅન્સે ગિરદીનો ૭૯ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. અંતિમ ટેસ્ટ-મૅચ જોવા સિડનીમાં ૨,૧૧,૦૩૨ દર્શકો હાજર રહ્યા હતા. અગાઉ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૧૯૪૭માં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ-મૅચમાં ૧,૯૫,૨૫૩ દર્શકોએ હાજરી આપી હતી.
WTCનો રોમાંચ પાંચ મહિના બાદ જોવા મળશે
T20 વર્લ્ડ કપ 2026 સહિત અન્ય ટુર્નામેન્ટના શેડ્યુલને કારણે હવે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના રોમાંચ પર બ્રેક લાગશે. લગભગ પાંચ મહિના બાદ જૂન મહિનામાં ફરી ટેસ્ટ-ફૉર્મેટની મૅચો જોવા મળશે. હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ-ટેબલમાં ૮ મૅચમાં ૭ જીત અને ૧ હારને કારણે કાંગારૂ ટીમ ૮૭.૫૦ ટકા જીતની ટકાવારી સાથે પ્રથમ સ્થાને યથાવત્ છે.
જીતની ટકાવારીના આધારે ન્યુ ઝીલૅન્ડ ૭૭.૭૮ ટકા સાથે બીજા ક્રમે, સાઉથ આફ્રિકા ૭૫ ટકા સાથે ત્રીજા ક્રમે, શ્રીલંકા ૬૬.૬૭ ટકા સાથે ચોથા ક્રમે, પાકિસ્તાન ૫૦ ટકા સાથે પાંચમા ક્રમે, ભારત ૪૮.૧૫ ટકા સાથે છઠ્ઠા ક્રમે, ઇંગ્લૅન્ડ ૩૧.૬૭ ટકા સાથે સાતમા ક્રમે, બંગલાદેશ ૧૬.૬૭ ટકા સાથે આઠમા અને વેસ્ટ ઇન્ડીઝ ૪.૧૭ ટકા સાથે નવમા ક્રમે છે.


