રાગ જીવનને તપાવે છે. રાગની નાનીઅમથી પરિભાષા શું?
મિડ-ડે લોગો
તાપ આવવાનાં પંદર કારણો પૈકીના રોગ, શોક, ભય, મોહ, ક્રોધ, દ્રોહ, કામ, દ્વેષ અને લોભ પછી હવે વાત કરવાની છે રાગ, દંભ, અહંકાર, અમર્ષ, પ્રમાદ અને મૂઢતાની; જેમાં પહેલાં આવશે રાગ.
રાગ જીવનને તપાવે છે. રાગની નાનીઅમથી પરિભાષા શું? નાશવંત વસ્તુઓ પ્રતિ આકર્ષણ એનું નામ રાગ. નાશવંત વસ્તુ, જે આજે છે, પણ કાલ જવાની છે. પ્રતિક્ષણ જે ક્ષીણ થઈ રહી છે એ વસ્તુમાં મારું, તમારું આકર્ષણ એ રાગ છે. માબાપ બાળકોને પ્રેમ કરે, એ પણ રાગનો જ એક પ્રકાર છે. નાશવંતની સાથે પ્રેમની વ્યવસ્થા નથી, કારણ કાળના પ્રવાહમાં બધા વહી રહ્યા છે. એનો અર્થ એવો પણ નહીં કે બાળકો સાથે પ્રેમ ન કરવો. પ્રેમનું ખૂબસૂરત નામ આપીને કરો, પણ વસ્તુતઃ એ રાગ છે. અનુરાગ તો એ છે જે શાશ્વતની સાથે થાય, જેને સ્વાભાવિક અમરતા પ્રાપ્ત થઈ છે. એની સાથેનું આકર્ષણ પ્રેમ છે. કૃષ્ણ સાથેનું આકર્ષણ રાગ નહીં, અનુરાગ છે, જે શાશ્વત છે.
ADVERTISEMENT
રાગ પછી આવે છે દંભ.
મૂળમાં આપણે જે નથી, એને બુદ્ધિપૂર્વક બતાવવાની જે ચેષ્ટા આપણે કરીએ છીએ, એનું નામ દંભ. વિચારપૂર્વક–સમજીને આપણે જે નથી એ બતાવવાની કોશિશ કરીએ એ દંભ છે. બહુ ખતરનાક વસ્તુ છે દંભ.
દંભ પછી આવે છે અહંકાર.
દંભનો દીકરો અહંકાર છે. દંભ સગર્ભા થાય, પૂરા મહિને જે દીકરો જન્મે તેનું નામ છે અહંકાર. દંભ તમારો સફળ થઈ ગયો. તમે વિચારો છો કે આપણે રડી રહ્યા છીએ, આવી સ્થિતિમાં કોઈ આપણને જુએ ને વિચારે કે કેટલો ભગતમાણસ છે. કોઈએ જોઈ લીધું કે અહાહા... તો તમારો અહંકાર વધશે. એ અહંકાર તાપ છે, બહુ તપાવે છે. દંભથી એનો જન્મ થાય છે.
દંભ પછી અમર્ષની વાત કરવાની.
અમર્ષ. આ ગીતાનો શબ્દ છે. અમર્ષ આગળનો તાપ છે. ક્રોધનું એક બીજા પ્રકારનું સ્વરૂપ હોય એને અમર્ષ કહે છે. દ્રોણનું રૂપ છે, મોકો મળે કે બદલો લઉં. અમર્ષનું એક રૂપ એવું છે કે મોકો મળે તો પણ બદલો ન લે, મોઢા પર પણ કંઈ કહી ન શકે, પણ ભીતરથી જલતો રહે, કુભાવ જાગતો રહે. જેમ ક્ષયરોગ માણસને અંદરથી ખાતો રહે છે એમ ભીતરથી ખાતો રહે એ અમર્ષ છે. આ અમર્ષ આપણને તપાવે છે.
અમર્ષ પછી આવશે પ્રમાદ. પ્રમાદ સ્વયં મૃત્યુ છે. વ્યાસજી કહે છે કે મૃત્યુ પોતાનું જડબું ખોલીને કોઈને મારતું નથી, પણ પ્રમાદ જ માણસને મારે છે. પ્રમાદ તાપ છે, કૃષ્ણકથા અમૃત છે. આપણને પ્રમાદથી મુક્ત કરી દેશે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

