"મહારાજજીએ મારી દીકરીની હાલત જોઈ અને અમને કહ્યું કે છોકરીનો અંત નજીક છે અને તેને સંથારા વ્રત કરાવવું જોઈએ. જૈન ધર્મમાં આ વ્રતનું ખૂબ મહત્ત્વ છે. તેના વિશે વિચાર કર્યા પછી, અમે આખરે તે કરવા માટે સંમત થયા," તેમણે કહ્યું.
બાળકી તેના માતા પિતા સાથે (તસવીર: સોશિયલ મીડિયા)
મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક આધ્યાત્મિક ગુરુની સલાહ માની માતાપિતાએ મગજની ગાંઠથી પીડિત તેમની ત્રણ વર્ષની દીકરીને જૈન ધાર્મિક પ્રથામાં મૃત્યુ સુધી ઉપવાસ કરવાની દીક્ષા આપતા તેનું મૃત્યુ થયું. પીડિતાના માતાપિતાએ જણાવ્યું કે, તેમની એકમાત્ર સંતાન વિયાના જૈને 21 માર્ચે અંતિમ શ્વાસ લીધા હતા. સંથારા, જૈને સલ્લેખાના તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક જૈન વિધિ છે જેમાં સ્વેચ્છાએ મૃત્યુ સુધી ઉપવાસ કરવામાં આવે છે. આ પ્રથા મુજબ, વ્યક્તિ આધ્યાત્મિક શુદ્ધિકરણ અને દુનિયાથી અલગતા પ્રાપ્ત કરવા માટે મૃત્યુ સુધી ખોરાક અને પાણીનું સેવન ધીમે ધીમે ઘટાડે છે.
આ બાળકીના માતાપિતાના જણાવ્યા મુજબ, ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સે આ બાબતની નોંધ લીધી છે અને વિયાના જૈન વિધિ સંથારાનું વ્રત કરનારી વિશ્વની સૌથી નાની ઉંમરની વ્યક્તિ હોવા બદલ વિયાનાના નામે પ્રમાણપત્ર જાહેર કર્યું છે. માહિતી ટેકનોલોજી (IT) વ્યાવસાયિકો તરીકે કામ કરતા તેના માતાપિતા કહે છે કે જૈન મુનિ (સાધુ) દ્વારા સલાહ આપ્યા પછી તેમણે તેમની પુત્રીને સંથારા વ્રત કરાવવાનું નક્કી કર્યું.
ADVERTISEMENT
શનિવારે પીટીઆઈ સાથે વાત કરતા, છોકરીના પિતા પીયૂષ જૈને જણાવ્યું હતું કે, "મારી દીકરીને આ વર્ષે જાન્યુઆરીમાં મગજની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. તેની સર્જરી કરાવવામાં આવી હતી, જેના પછી તેના સ્વાસ્થ્યમાં સુધારો થયો હતો. પરંતુ માર્ચમાં, તેની હાલત બગડી ગઈ અને તેને ખાવા-પીવામાં મુશ્કેલી પડવા લાગી." 21 માર્ચની રાત્રે, તેઓ તેમની ગંભીર રીતે બીમાર દીકરીને તેમના પરિવારના સભ્યો સાથે જૈન સાધુ રાજેશ મુનિ મહારાજ પાસે દર્શન માટે લઈ ગયા.
"મહારાજજીએ મારી દીકરીની હાલત જોઈ અને અમને કહ્યું કે છોકરીનો અંત નજીક છે અને તેને સંથારા વ્રત કરાવવું જોઈએ. જૈન ધર્મમાં આ વ્રતનું ખૂબ મહત્ત્વ છે. તેના વિશે વિચાર કર્યા પછી, અમે આખરે તે કરવા માટે સંમત થયા," તેમણે કહ્યું. જૈને કહ્યું કે સાધુએ સંથારાની ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા પછી થોડીવારમાં જ તેમની દીકરીનું મૃત્યુ થયું.
તેમણે એમ પણ કહ્યું કે ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સે તેમની દીકરીનું નામ નોંધ્યું છે અને વિશ્વ રેકોર્ડનું પ્રમાણપત્ર જાહેર કર્યું છે જેમાં તેનું નામ "જૈન વિધિ સંથારા વ્રત કરનારી વિશ્વની સૌથી નાની વ્યક્તિ" તરીકે ઉલ્લેખિત છે.
તેની માતા વર્ષા જૈને કહ્યું, "મારી દીકરીને સંથારા વ્રત લેવાનો નિર્ણય કેટલો મુશ્કેલ હતો તે હું વર્ણવી શકતી નથી. મારી દીકરીને મગજની ગાંઠને કારણે ખૂબ પીડા થઈ રહી હતી. તેને આ સ્થિતિમાં જોવી મારા માટે ખૂબ જ પીડાદાયક હતી." વિયાનાને યાદ કરતાં, તેની માતા ભાવુક થઈ ગઈ અને કહ્યું, "હું ઇચ્છું છું કે મારી દીકરી તેના આગામી જન્મમાં હંમેશા ખુશ રહે." જૈન સમુદાયની ધાર્મિક પરિભાષામાં, સંથારાને `સ્લેખાના` અને `સમાધિ મરણ` પણ કહેવામાં આવે છે. આ પ્રાચીન પ્રથા હેઠળ, જ્યારે વ્યક્તિ અનુભવે છે કે અંત આવી ગયો છે ત્યારે તે મૃત્યુને સ્વીકારવા માટે ખોરાક, પાણી અને સાંસારિક વસ્તુઓનો ત્યાગ કરે છે.
કાનૂની અને ધાર્મિક વર્તુળોમાં સંથારા અંગેની ચર્ચા 2015 માં તેજ થઈ જ્યારે રાજસ્થાન હાઈ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું) અને 309 (આત્મહત્યાનો પ્રયાસ) હેઠળ આ પ્રથાને સજાપાત્ર ગુનો જાહેર કરી છે. જોકે, સુપ્રીમ કોર્ટે જૈન સમુદાયના વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરતી વખતે, રાજસ્થાન હાઈ કોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો.


