સમગ્ર જગત સિયારામમય છે અને બે હાથ જોડીને એને હું પ્રણામ કરું છું. આમાં કોઈ જીવ પ્રત્યે ભેદ નથી. બધા જ આત્મા એનો અંશ અને રૂપ છે, પછી એ માત્ર આપણા જ દેશનો હોય એ જરૂરી નથી. પૃથ્વી પર વસનારો પ્રત્યેક જીવ બ્રહ્મરૂપ છે.
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
सियाराम मय सब जग जानी ।
करउ प्रणाम जोरी जुगपानि ।।
ADVERTISEMENT
સમગ્ર જગત સિયારામમય છે અને બે હાથ જોડીને એને હું પ્રણામ કરું છું. આમાં કોઈ જીવ પ્રત્યે ભેદ નથી. બધા જ આત્મા એનો અંશ અને રૂપ છે, પછી એ માત્ર આપણા જ દેશનો હોય એ જરૂરી નથી. પૃથ્વી પર વસનારો પ્રત્યેક જીવ બ્રહ્મરૂપ છે. આ તત્ત્વજ્ઞાન વિશ્વને સુખી કરવા માટે પર્યાપ્ત છે અને સુખી થવા માટે ભારતીય ઋષિઓની વિચારધારાના શરણે જવું જ પડશે. હિન્દુ ક્યારેય કોઈ વર્ગ કે વ્યક્તિના માત્ર કલ્યાણની ભાવના નથી કરતો. તે તો સમષ્ટિ-સમગ્ર સંસારના કલ્યાણની ભાવના કરે છે, સંસારમાં વસેલા તમામ જીવોના કલ્યાણની ભાવના કરે છે; કારણ કે એક જ ઈશ્વર વિવિધ સ્વરૂપે દેખાય છે. પશુ, પક્ષી, જળચર જીવો તો આપણાથી જરા જુદાં પડે છે; પણ સંસારમાં મનુષ્ય નામનું પ્રાણી તો એક જ છે તો એક જ પ્રાણીના ધર્મ જુદા કઈ રીતે હોઈ શકે.
ગાય-ભેંસ, કૂતરાં-બિલાડાં, સિંહ-વાઘ, મગર-માછલાં, કાગડા, ગીધ, ચકલાં, છછુંદર આ બધાંના ધર્મ અલગ-અલગ છે; પણ મનુષ્ય નામનું પ્રાણી તો એક જ છે એટલે એનો એક જ ધર્મ છે.
માનવધર્મના સંપ્રદાયો, પૂજાની પદ્ધતિ, માન્યતાઓ, શ્રદ્ધા-કેન્દ્રો, ઉપાસના, આરાધ્ય વગેરે અલગ-અલગ હોય તો પણ ધર્મ તો એક જ છે. સંપ્રદાય શબ્દની વ્યાખ્યા આપતાં ઋષિઓ કહે છે કે સમ્યક પ્રદીયત ઇતિસમ્પ્રદાય. ગુરુપરંપરાથી સમ્યકરૂપે ચાલ્યો આવતો હોય અને જેમાં ગુરુ પોતાના શિષ્યને મંત્ર, આરાધના, આરાધ્ય અને આચારનું પ્રદાન કરે એનું નામ સંપ્રદાય. જોકે આમાં પણ ધર્મ તો એક જ રહે છે. કોઈ આચાર્ય કે ગુરુ ચોરી કરવાની છૂટ ન આપે, હિંસા કરવાની છૂટ ન આપે, અસત્ય બોલવાની છૂટ ન આપે, ઇન્દ્રિયોને વિષયાસક્ત બનવા દેવી એવું ન કહે, સ્વાર્થી બનવાનું ન કહે, પૂજાપાઠ કે નિત્ય સ્વાધ્યાયની જરૂર નથી એવું ન કહે. ખૂબ અભિમાન કરવું જોઈએ, બીજાનું પડાવી લેવું જોઈએ આવો ઉપદેશ સંસારના કોઈ ધર્મમાં કે ધર્માચાર્યના શ્રીમુખથી નીકળી જ ન શકે. જો આવો ઉપદેશ આપી ન શકાય તો પછી માનવમાત્રનો ધર્મ એક જ હોય અને એ છે માનવધર્મ. બસ, આ માનવધર્મનું નામ છે હિન્દુ ધર્મ. બાકી જેને અલગ માનવામાં આવે છે એ સંપ્રદાય છે. સંપ્રદાય એ રસ્તો છે. એ પરમ તત્ત્વ સુધી જરૂર પહોંચાડે છે. માર્ગ હંમેશાં પૃથ્વી પર હોય છે એટલે ધર્મ એ પૃથ્વી છે અને એના પર રહેલા સંપ્રદાયો એના માર્ગ છે. એટલા માટે તો સંપ્રદાયને પંથ પણ કહેવામાં આવે છે.
- આશિષ વ્યાસ