Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચંપકકાકાના પાત્ર માટે મેં ૨૮૩ વાર ટકો કરાવ્યો છે

ચંપકકાકાના પાત્ર માટે મેં ૨૮૩ વાર ટકો કરાવ્યો છે

Published : 30 May, 2026 04:18 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ટપુના દાદા, જેઠિયાના પપ્પા અને ગોકુલધામના આદરણીય ચંપકકાકાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટને નાનપણમાં સિંગર બનવું હતું, પરંતુ ઇન્ટર-કૉલેજિયેટ સ્પર્ધામાં ભાગ લઈને એવી સ્ફુરણા થઈ કે ઍક્ટિંગને તેમણે કરીઅર તરીકે અપનાવી લીધી.

ચંપકકાકાના પાત્ર માટે મેં ૨૮૩ વાર ટકો કરાવ્યો છે

ચંપકકાકાના પાત્ર માટે મેં ૨૮૩ વાર ટકો કરાવ્યો છે


ટપુના દાદા, જેઠિયાના પપ્પા અને ગોકુલધામના આદરણીય ચંપકકાકાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટને નાનપણમાં સિંગર બનવું હતું, પરંતુ ઇન્ટર-કૉલેજિયેટ સ્પર્ધામાં ભાગ લઈને એવી સ્ફુરણા થઈ કે ઍક્ટિંગને તેમણે કરીઅર તરીકે અપનાવી લીધી. પચીસ જેટલાં નાટકો, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિવાય બીજા પાંચેક ટીવી-શો તેમણે કર્યા છે. આજે જાણીએ છેલ્લાં ૧૮ વર્ષથી એક પ્રસિદ્ધ પાત્ર ભજવી રહેલા ૫૪ વર્ષના આ જાણીતા કલાકાર વિશે કેટલુંક જાણવા જેવું

૧૯૮૯. મલાડની દાલમિયા કૉલેજમાં અગિયારમા ધોરણમાં ભણતો અમિત ભટ્ટ ઇન્ટર-કૉલેજિયેટ  સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ઊછળતો હતો. એ સમયે તેમની કૉલેજનું નાટક ડિરેક્ટર વિપુલ મહેતા કરવાના હતા. એ સમયે તેમની પણ શરૂઆત જ હતી. વિપુલભાઈ અમિતના મિત્ર બની ગયા હતા, કારણ કે તેનાથી થોડા જ મોટા છે તે ઉંમરમાં. નાટક હતું ‘સત્ય એ જુઠ્ઠાણું નથી’ અને અમિતની નાટકમાં મુખ્ય પાત્ર માટે પસંદગી થઈ. તેણે ખૂબ મહેનત પણ કરી. કૉલેજના પ્રોફેસર અંબાલાલ પટેલના માર્ગદર્શન હેઠળ નાટક તૈયાર થયું અને ભજવાયું. જોકે આ તો સ્પર્ધા હતી. અમિતને ખુદ પર વિશ્વાસ હતો અને તેને લાગતું હતું કે ઇનામ તો પાક્કું જ છે. ઇન્ટર-કૉલેજિયેટ સ્પર્ધામાં બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મને જ મળશે એવી આશા સાથે તે ત્યાં હાજર રહ્યો અને વિજેતા જાહેર થયા ત્યારે બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ તેને ન મળ્યો. તેને થયું કે કંઈ નહીં, આશ્વાસન ઇનામ જેવું મેરિટ સર્ટિફિકેટ તો મળશે. જોકે એ પણ ન મળ્યું. એ સમયને યાદ કરતાં અમિત ભટ્ટ કહે છે, ‘તમને એમ હોય કે તમને એ મળશે જ અને ન મળે તો સીધો મન પર ઘા થાય છે. એવું જ કંઈક મારી સાથે થયું. એ સમયે મને એમ નહોતું કે હું ઍક્ટર બનીશ કે હું આ જ ફીલ્ડમાં જઈશ. જોકે એ ઉદાસી મારું પીઠબળ બની. હવે મારે આમાં જ કંઈક કરી બતાવવું છે એવું મને લાગવા માંડ્યું. સતત પાંચ વર્ષ એટલે કે ગ્રૅજ્યુએશન સુધી હું સતત દરેક સ્પર્ધામાં ભાગ લેતો. નાટકો અને ઍક્ટિંગ જેનો મને કોઈ જ અનુભવ નહોતો એ કરતો ગયો, શીખતો ગયો અને કેળવાતો ગયો. એ પછી પાંચમા વર્ષે હું BComના ફાઇનલ યરમાં હતો ત્યારે સ્પર્ધામાં મારું નાટક ગયું હતું. એ ઇન્ટર-કૉલેજિયેટની સ્પર્ધાઓ જોવા માટે ઘણા ઍક્ટર્સ, ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ આવતા. એમાં સંજય ગોરડિયા આવેલા. તેમણે મારો પર્ફોર્મન્સ જોયો અને બૅકસ્ટેજમાં મને મળવા આવ્યા ત્યારે પૂછ્યું કે તું કમર્શિયલ નાટકોમાં કામ કરીશ? તેમનો આ પ્રશ્ન મારી ટ્રોફી હતી. તેમની આ ઑફર મારું પ્રમાણપત્ર બની ગયું અને ત્યારે નક્કી થઈ ગયું કે હું આ કરી શકું એમ છું. મારે તો ગાયક બનવું હતું, પણ ઍક્ટિંગનું ઘેલું મને આ રીતે લાગ્યું. એ પછી પણ સ્ટ્રગલ ખૂબ રહી. કામ કરતાં-કરતાં હું ઘણું શીખ્યો અને ઘણું પામ્યો, પણ આજે હું ઍક્ટર છું એની પાછળ મારી પહેલી હાર જવાબદાર છે એમ કહું તો અતિશયોક્તિ નથી. કદાચ એ દિવસે મને ઇનામ મળી ગયું હોત તો મેં ઍક્ટિંગને આટલી ગંભીરતાથી લીધી હોત કે નહીં એ ન કહી શકાય.’ 
બાળપણ 
અમિત ભટ્ટના દાદા મૂળ રાજુલાના. મમ્મી-પપ્પા વર્ષોથી મુંબઈ રહે. ઘણાં વર્ષોથી તેઓ કાંદિવલીમાં જ સ્થાયી છે. પપ્પા બિઝનેસમૅન હતા અને મમ્મી હાઉસવાઇફ. સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલમાં ભણીને મોટા થયેલા અમિત ભટ્ટને નાનપણથી જ બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો ગમતો. એ વિશે વાત કરતાં અમિત ભટ્ટ કહે છે, ‘હું એવો બાળક હતો જેની આંગળી હંમેશાં પહેલી ઉપર થાય જ્યારે ટીચર સવાલ પૂછે. ભણવામાં ખૂબ હોશિયાર નહોતો, પણ ભણવું ગમતું. મારી કોઈ દિવસ કોઈ ફરિયાદ મમ્મી-પપ્પાને આવી નથી. મારો મોટો ભાઈ નિમેશ ભટ્ટ નાની ઉંમરે અવસાન પામ્યો. તે સારો ગાયક હતો. સંગીતકાર શંકર-જયકિશનના શંકર તો તેમને દીકરો જ ગણતા. નાના હોય ત્યારે આ બનીશું કે તે બનીશું એવું કંઈ હતું નહીં મારા મગજમાં. ઘરમાંથી કોઈ પ્રેશર નહોતું કે આમ જ કરવાનું છે. પપ્પાને ફક્ત એટલું હતું કે તમારે ગ્રૅજ્યુએશન કરવું જરૂરી છે, પછી જે કરવું હોય એ તમે કરી શકો છો.’ 
નાટકો 
અમિત ભટ્ટને પહેલું કમર્શિયલ નાટક સંજય ગોરડિયાએ આપ્યું જેનું નામ હતું ‘કરો કંકુના’. એ પછી ‘અભિમાન’, ‘બહાર આવ તારી બૈરી બતાવું’, ‘મૅરેજ એટલે મૅરી ગો રાઉન્ડ’ જેવાં પચીસ જેટલાં નાટકો કર્યાં છે. તેમને ખુદને જે નાટકમાં ઘણી વાહવાહી મળી એ નાટક હતું ‘તમે લઈ ગયા, અમે રહી ગયા’. એ નાટક કરવાની તેમને ખૂબ મજા પડી. ‘ચાલ રિવર્સમાં જઈએ’ એ નાટક પણ તેમનું મનગમતું નાટક હતું. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારા માટે નાટક મળવું એ જ ખુશીની વાત હતી. એમાં સારું નાટક જેમાં ઘણું શીખવા મળે, કરવા મળે તો એ તો બોનસ જ ગણાતું. ‘ચાલ રિવર્સમાં જઈએ’માં મને ૪ જુદી-જુદી ઉંમરનાં પાત્રો ભજવવાનો મોકો મળ્યો. ૧૮, ૩૫, ૫૫ અને ૭૫ વર્ષનાં જુદાં-જુદાં પાત્રો એકસાથે ભજવવાં એ મારા માટે મને ગમતી ચૅલેન્જ સમાન હતું જેમાં હું ઘણું શીખ્યો. નાટકો કરતો રહ્યો એને લીધે મારે ક્યારેય કામ માગવા નથી જવું પડ્યું. રંગમંચ પર કોઈ તમને જુએ અને તમને કામ આપે. મારી પાસે કોઈ પોર્ટફોલિયો નથી બનાવેલો. નથી હું ઑફિસોમાં ભટક્યો કે નથી મેં કોઈ ઑડિશન આપ્યાં. લોકોએ મને નાટકો કરતા જોયો અને ત્યાંથી જ કામ આપતા ગયા.’ 
ટીવી 
અમિત ભટ્ટ જ્યારે ‘તમે લઈ ગયા, અમે રહી ગયા’ નાટક કરતા હતા ત્યારે ઍક્ટર દિલીપ જોશી એ નાટક જોવા ગયેલા અને તેમને મળેલા. તેમણે પોતે એક નાટક ડિરેક્ટ કરવું હતું અને એમાં તેમણે ઍક્ટિંગ પણ કરી જેનું નામ હતું ‘ડાહ્યાભાઈ દોઢડાહ્યા’. એમાં તેમણે અમિત ભટ્ટને LIC એજન્ટની ભૂમિકા આપી હતી. આ નાટક ૨૦૦૭ સુધી ચાલ્યું. આવા જ એક નાટકમાં રાજન વાઘમારે નામના ડિરેક્ટર અમિત ભટ્ટને મળ્યા અને બૅકસ્ટેજ પર જઈને તેમનો નંબર લીધો. પાછળથી અમિત ભટ્ટને ફોન આવ્યો. ‘યસ બૉસ’ નામે તે સબ ટીવી પર એક સિરિયલ બનાવી રહ્યા હતા જેમાં અમિત ભટ્ટને કામ મળ્યું. સબ ટીવી પર ‘ચુપકે-ચુપકે’, ‘FIR’ જેવી આઠેક સિરિયલ તેમણે કરી. એ પછી એક દિવસ દિલીપ જોશીનો ફોન આવ્યો. એ વિશે વાત કરતાં અમિત ભટ્ટ કહે છે, ‘દિલીપભાઈએ મને કહ્યું કે હું અસિત મોદીની ઑફિસમાં બેઠો છું, તેઓ એક સિરિયલ બનાવી રહ્યા છે, તને ફોન કરશે, તું ના ન પાડીશ. દિલીપભાઈ કહે પછી ‘ના’ પાડવાનો તો સવાલ જ ઊઠતો નથી. મને અસિતભાઈએ બે દિવસ પછી ફોન કર્યો. કાંદિવલીમાં જ મળવા બોલાવ્યો. હોટેલની બહાર ટેબલ પર અમારી ૧૦ મિનિટની મુલાકાત થઈ. તે મને ધારી-ધારીને જોતા રહ્યા. તેમણે મને પૂછ્યું, તોફાની ટપુડો વાંચી છે? મેં તેમને કહ્યું હા. હું ત્યારે ૩૫ વર્ષનો હતો. મારા સિલ્કી સીધા વાળ હતા અને એ જોઈને તેમણે પૂછ્યું, ટપુના દાદાનો રોલ છે, તું કરીશ? મેં તેમને કહ્યું, હા, ચોક્કસ. તેમણે આશ્ચર્ય સાથે ફરી પૂછ્યું, પાક્કું કરીશ, કોઈ પ્રૉબ્લેમ નથી? મેં કહ્યું, ચોક્કસ કરીશ. બસ, એ દિવસ હતો અને આજે હું અમિત ભટ્ટમાંથી ચંપકકાકા બની ગયો એને ૧૮ વર્ષ થઈ ગયાં છે.’ 
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલના પિતા અને ટપુના દાદા ચંપક ગડાના રોલ માટે અમિત ભટ્ટ ઘણા યુવાન હતા. છતાં રંગમંચની ટ્રેઇનિંગ હોવાને લીધે તેમણે એક વૃદ્ધનું પાત્ર એટલું સારી રીતે નિભાવ્યું કે તેમણે તેમની કળા દ્વારા એ પાત્ર અમર કરી દીધું. એની શરૂઆતનો અનુભવ જણાવતાં તેઓ કહે છે, ‘પહેલા દિવસે મને તૈયાર થવામાં બે કલાક લાગેલા, કારણ કે વિગ અને વાળ સેટ કરતાં વાર લાગે. એ દિવસે આઉટડોર હતું. ચર્ચગેટ પાસે ગરમીમાં હાલત ખરાબ થઈ ગઈ હતી. મેં વિચાર્યું કે દરરોજ હું કઈ રીતે આ કરાવીશ. એટલે મેં ઘરે પણ વાત ન કરી અને સીધો ટકો કરાવવા જતો રહ્યો. મને જોઈને બધા હેબતાઈ ગયેલા કે આટલા સરસ વાળ કોણ જવા દે? પણ અસિતભાઈ ખૂબ ખુશ થયા હતા. કદાચ તેમને લાગ્યું હશે કે આ વ્યક્તિ ગંભીર છે. તો બાપુજી મુંબઈ આવ્યા એ એપિસોડમાં મેં વિગ પહેરી છે અને બાપુજી સ્ટેશનથી ગોકુલધામ આવ્યા ત્યારે એ મારો ઓરિજિનલ લુક છે. એ પછી સતત બે વર્ષ હું ટકો કરાવતો ગયો જેની મેં નોંધ પણ રાખેલી. ૨૮૩ વાર મેં ટકો કરાવ્યો હતો. એ પછી મને ઍલર્જી થઈ એટલે અસ્ત્રો ઘસવાનું છોડ્યું અને હવે એ પછી ટોપીવાળો લુક છે.’ 
પાત્ર 
જેઠાલાલના બાપુજીના પાત્રની અને તેમની રસપ્રદ વાતો જણાવતાં અમિત ભટ્ટ કહે છે, ‘આ ખૂબ જ લાઉડ કૅરૅક્ટર છે અને સ્લૅપ્સ્ટિક કૉમેડીનો ભાગ છે. તારક મહેતાએ આ પાત્ર આવું જ લખ્યું છે. ઊલટું અમુક વસ્તુ તો અમે કાઢી. જેમ કે શરૂઆતના એપિસોડમાં બતાવે છે કે બાપુજી છીંકણી સૂંઘતા હોય છે. પછી અમે વિચાર્યું કે બાળકો જોશે અને પૂછશે કે આ શું સૂંઘે છે તો કહેવું યોગ્ય ન ગણાય. એટલે અમે એ પણ પાત્રમાંથી કાઢ્યું. સોઢીનું પાત્ર એવું છે કે તે દારૂ પીએ છે, પણ દારૂ શબ્દપ્રયોગમાં ન આવે એટલે એને બદલે પાર્ટી-શાર્ટી વાપરીને એક ક્લીન ફૅમિલી શો બનાવવાનો પ્રયાસ અમે કર્યો. જ્યારે આ શો બન્યો ત્યારે અમને લાગ્યું કે સારો છે, એક-બે વર્ષ ચાલી જશે. જોકે કોઈએ એવું નહોતું ધાર્યું કે સાસ-બહૂના ચલણથી વિરુદ્ધ આવો કૉમેડી અને ફૅમિલી એન્ટરટેઇનર હોય એવો શો ચાલી જશે. લોકો અમને બહાર મળે ત્યારે કહે છે કે કંઈ પણ થાય તમે આ શો બંધ ન કરતા. અવૉર્ડ અને નામના ઠીક છે, પણ દેશવિદેશમાં લોકોનો જે પ્રેમ અમને મળ્યો છે એ ખૂબ મોટી બાબત છે. પૅરિસના આઇફલ ટાવરની નીચે ફોટો પડાવવાની રિક્વેસ્ટ લઈને આવેલા પાકિસ્તાની ફૅન્સને મળીએ ત્યારે એમ થાય કે કશુંક તો કર્યું છે જેને કારણે લોકોનો આટલો પ્રેમ અમને મળ્યો છે.’ 
લગ્ન 
અમિત ભટ્ટે ૧૯૯૯માં પોતાની ચાઇલ્ડહુડ સ્વીટહાર્ટ સાથે લગ્ન કર્યાં. કાંદિવલીમાં તેઓ A વિંગમાં રહેતા હતા અને કૃતિ B વિંગમાં. જાણે કે સાથે જ મોટાં થયાં. કૃતિ હોમિયોપથીની ડૉક્ટર બની. કૃતિ લોહાણા અને અમિતભાઈ બ્રાહ્મણ, પણ બન્ને ઘર એકબીજાને સારી રીતે ઓળખતાં હતાં એટલે લગ્નમાં કોઈ પ્રૉબ્લેમ આવ્યો નહીં. ૧૯૯૯માં તેમણે લગ્ન કર્યાં અને ૨૦૦૧માં તેમને બે જોડિયા દીકરા જન્મ્યા. આજે બન્ને ઍક્ટિંગનો કોર્સ કરી ચૂક્યા છે અને પોતાનું તકદીર આ ફીલ્ડમાં અજમાવી રહ્યા છે. કૃતિ પોતાનું વેલનેસ સેન્ટર ચલાવે છે.



જલદી ફાઇવ
 શોખ : મને ગાવાનો હજી પણ શોખ છે. સમય મળ્યે હું ગાઉં છું. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ મેં ઘણી વાર ગાયું છે. મારા ફેવરિટ સિંગર કિશોરકુમાર છે. મને તેમનાં ગીતો ગાવા ખૂબ ગમે છે. 
 જીવનમાં શું જરૂરી લાગે? : રૂટીનથી બ્રેક મેળવવો અને ફરવું મારા મતે ખૂબ જ જરૂરી છે. હું અને મારી પત્ની ખૂબ ફરીએ છીએ. ભારતમાં અને ભારતની બહાર પણ અમે ઘણું ફર્યાં છીએ. બે દિવસ પણ રજા મળે તો અમે નીકળી જઈએ. એનાથી અમારું બૉન્ડિંગ પણ ખૂબ સારું થયું છે. 
 બકેટ-લિસ્ટ : હું ભવિષ્યના પ્લાનિંગમાં માનતો જ નથી. હું જે છે એ આજે અને આ જ ક્ષણે કરવામાં માનું છું. એટલે કોઈ બકેટ-લિસ્ટ નથી, કોઈ પ્લાનિંગ નથી. મારા મિત્રો અને મને જાણનારા બધા માને છે કે હું એક હૅપી ગો લકી પર્સન છું. જીવનમાં જે છે એ બધું જ સરસ છે. કોઈ અફસોસ નથી. 
 આદત : હું અત્યંત શિસ્તબદ્ધ છું. સવારે ૬.૩૦ વાગ્યાનો અલાર્મ હોય તો ૬.૨૫ વાગ્યે આંખ ખૂલી જ જાય. બધે સમયસર જ પહોંચું. 
 જમવામાં જરૂરી : છાશ મારા માટે અત્યંત જરૂરી છે. બપોરે જમવામાં કંઈ હોય કે ન હોય, છાશ હોવી જરૂરી છે. એ રીતે હું કાઠિયાવાડી છું.


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2026 04:18 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK