આજકાલ શ્રદ્ધા ડગતી રહે છે. આપણું કામ થઈ જાય એટલે ભરોસો જાગી જાય અને કામ ન થાય એટલે આપણે માનીએ કે પરમાત્મા છે જ નહીં
પ્રતીકાત્મક તસવીર
આ જગતમાં આપણે બધા પર ભરોસો રાખીને બેઠા છીએ, પણ જ્યાં હોવો જોઈએ એ પરમાત્મા પર આપણને ભરોસો નથી. તમામ સંબંધો પર આપણને ભરોસો છે. પતિને પત્ની પર, પત્નીને પતિ પર, પિતાને પુત્ર પર. હું તો એટલે સુધી કહીશ કે હોટેલમાં ખાવા જઈએ તો રસોઇયા પર ભરોસો છે, પ્લેનમાં મુસાફરી કરતી વખતે પાઇલટ પર ભરોસો છે; પણ જેણે જીવન આપ્યું એ પરમાત્મા પર ભરોસો નથી.
આજકાલ શ્રદ્ધા ડગતી રહે છે. આપણું કામ થઈ જાય એટલે ભરોસો જાગી જાય અને કામ ન થાય એટલે આપણે માનીએ કે પરમાત્મા છે જ નહીં. મને વિશ્વાસ નથી. આજકાલ ભરોસો, પ્રેમ શ્રદ્ધા, ક્રોધ આ બધાં એક્સપ્રેશન્સ ઘટમાંથી જન્મવાને બદલે ઘટનામાંથી જન્મે છે. કોઈ ઘટના ઘટે તો પ્રેમ જાગે તો બીજી ઘટનાથી પ્રેમ ન પણ જાગે. આવા સાંપ્રત સમયમાં પૌરાણિક વૈદિક શાસ્ત્રોએ કહ્યું છે કે જેણે જન્મ આપ્યો છે, જેણે જીવન આપ્યું છે એ પરમાત્મા પર તો ભરોસો હોવો જોઈએ. રામાયણમાં રામચરિતમાનસ જે ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે એમાં તેમણે ભક્તિ વિશે કહ્યું છે કે આ જગતમાં ભક્તિ એને જ કહેવાય કે જે ભરોસાયુક્ત હોય. ‘ઉપજીઈ રામ ચરણ વિશ્વાસા. ભવનિધિ તર નર બિનહીં પ્રયાસા’.
ADVERTISEMENT
પ્રયાસ વિના આ ભવનિધિને તરવો હોય તો એક જ નૌકા છે. એનું નામ છે ભરોસો. સુરદાસજીએ પણ કહ્યું છે કે ‘દૃઢ ઇન ચરણ કૈરો ભરોસો, દૃઢ ઇન ચરણન કૈરો.’ પ્રભુમાં દૃઢતાપૂર્વકનો ભરોસો હોવો જોઈએ. એવો ભરોસો જેમાં સેકન્ડ થૉટ હોય જ નહીં એવો ભરોસો પરમાત્મામાં જન્મવો જોઈએ. નવજાત શિશુ બોલતાં-ચાલતાં ન શીખ્યું હોય ત્યારે માને ભરોસો હોય છે કે તેને જ્યારે જે જરૂર પડશે એ તેની મા પૂરી કરશે જ. શિશુને જે ભરોસો મા પર છે એવો જ ભરોસો આપણને ઈશ્વરમાં જન્મે એ જરૂરી છે.
આપણે કહેતા હોઈએ છીએ કે ભગવાને મારી આ ઇચ્છા પૂરી ન કરી, મારી આ માગણી ન સાંભળી, વગેરે વગેરે... ઈશ્વરને ખબર છે કે કોને, ક્યારે અને કઈ વસ્તુની જરૂર છે. ત્યારે તેને એ વસ્તુ મળે જ છે. મને જોઈતું હતું ને મારો સંકલ્પ કે ઇચ્છા પૂરી ન થઈ એટલે પરમાત્મા પર આપણી અશ્રદ્ધા જન્મી જાય. જોકે પરમાત્મા એ વિચારે છે કે આને અત્યારે એ અપાય એમ છે કે નહીં?
એક જ વાત કહીશ કે ભરોસાથી ભગવાનને રોજ પ્રાર્થના કરવી કે મારું મન તો આમ-તેમ માગતું જ રહેશે; પણ તમે વિશાળ હૃદયના છો, તમે મારા હિતમાં જે હોય એ જ મને આપશો, મને પૂરો ભરોસો છે કે એ જ મારું હિત કરશે.
- આશિષ વ્યાસ (શ્રીમદ ભાગવતના યુવા કથાકાર આશિષ વ્યાસ છેલ્લાં ૧૭ વર્ષથી યુવા પેઢીને સાચો માર્ગ ચીંધવાનું કામ કરી રહ્યા છે)

