પ્રભુના અવતાર વપુની આવિર્ભાવથી તિરોધાન સુધીની લીલાઓ વર્ણવાઈ છે પરંતુ ભગવદ્ કથાનો આવિર્ભાવ અવશ્ય છે.
પ્રતીકાત્મક તસવીર
ભગવાન કરતાં પણ ભગવાનની કથાનું ઉત્તરદાયિત્વ મોટું છે. પ્રભુ તો કેટલાક સમય માટે ભૂતળ પર બિરાજીને અવતાર કાર્ય સંપન્ન થતાં જ નિજધામમાં પધારે છે. પરંતુ ભગવાનની કથા એ તો અનંતકાળ સુધી માનવ સમાજની વચ્ચે રહીને સંસારમાંથી મુક્તિ જેવાં કાર્યો કરવાનાં છે. પ્રભુના અવતાર વપુની આવિર્ભાવથી તિરોધાન સુધીની લીલાઓ વર્ણવાઈ છે પરંતુ ભગવદ્ કથાનો આવિર્ભાવ અવશ્ય છે. તિરોભાવ ક્યારેય નથી કેમ કે ભગવાનની કથાએ ભગવાનનાં જ કાર્યો કરવાનાં છે.
ભગવદ્પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભગવદ્ કથા જ ભક્તોની ભક્તિનો નિર્વાહ કરે છે. અથવા એમ પણ કહેવાય કે ભગવદ્ કથા અને ભગવદ્ નામરૂપે ભગવાન સ્વયં કરુણા વરસાવી રહ્યા છે.
ADVERTISEMENT
ભગવાનના મહત્તમ અને પાવન યશનું ગાન સર્વત્ર થાય. ભગવદ્દ્ કથાની ભાગિરથી ૧૪ ભુવનમાં પ્રવાહિત થઈ રહી છે. સર્વોપરી એવા સત્યલોકમાં બ્રહ્માજી નિત્ય કથાગાન કરે છે. ધ્રુવલોક સુધી બૃહસ્પતિ ગાય છે. ભૂમિ પર વ્યાસ વાલ્મીકિ જેવા મહાન લોકો છે તો પાતાળમાં સંકર્ષણ વગેરે હરિનામના ગાનમાં નિરત છે.
સંસારમાં ત્રણ પ્રકારના જીવ છે. વિષયી, મુમુક્ષુ અને મુક્ત.
આ ત્રણેયની કક્ષામાં અને અધિકારમાં ખૂબ જ ભેદ છે. આ ત્રણેયને પ્રિય હોય અને સુખકર હોય એવી કોઈ એક જ વસ્તુ આ સંસારમાં હોય એ પ્રાયઃ અસંભવ છે. પરંતુ કથા અને ગોવિંદનાં ગુણગાન એ ત્રણેયને સુખ આપનારી છે અને ભક્તિ પ્રદાન કરનારી છે.
ભગવાનનાં ચરિત્રો સ્વરૂપથીયે ઉત્તમ છે. ફલથીયે ઉત્તમ છે. ઈષ્ટ સંબંધની દૃષ્ટિએ પણ ઉત્તમ છે અને વિષયની ઉત્તમતાનાં કારણેય ઉત્તમ છે. સંસારની સમગ્ર તૃષ્ણાઓથી પર થઈ ગયેલા મુક્ત પુરુષો પણ ભગવદ્ કથાનું ગાન કરી ભક્તિ પ્રાપ્ત કરે છે.
ભગવાનનાં ચરિત્રો સ્વયં ફલરૂપ છે. એટલે બ્રહ્માનંદ (મુક્તિનાં સુખ) કરતાંય અધિક રસરૂપ છે અને સ્વરૂપથીયે ઉત્તમ છે એટલે આનું ગાન મુક્ત પુરુષો રસપૂર્વક કરે છે. સહજ ભાવથી કરે છે. સાધન બુદ્ધિથી નહીં પરંતુ ફલનો રસાસ્વાદ અનુભવરૂપે કરે છે અને ભગવાનનાં ચરણોમાં પોતાની ભક્તિ વધારે ને વધારે દૃઢ થાય એટલા માટે કરે છે.
ભગવાનનો પ્રેમ સંપાદન કરનારું કોઈ સાધન હોય તો એ ભક્તિ જ છે. મહાત્માઓએ પણ ભાવભક્તિ સિવાયનાં અન્ય સાધનોને અપર્યાપ્ત ગણાવ્યાં છે. યોગ, સાંખ્ય, દાન, વ્રત, તપ, યજ્ઞ, પ્રવચન, વેદાભ્યાસ અને સંન્યાસથીયે પ્રયત્ન કરવા છતાં ભગવાનનાં દર્શન દુર્લભ છે. આવા પ્રભુ ગોપીઓ, ગાયો, હરણાંઓ, વૃક્ષો કે કેટલાય મૂઢ બુદ્ધિના જીવોને ભાવભક્તિ વડે સરળતાથી મળ્યા છે.
-વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી

