Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > રાઇટ-ટુ-સ્પીચનો અર્થ રાઇટ-ટુ-હર્ટ સુધી ક્યારેય ન લંબાવી શકાય

રાઇટ-ટુ-સ્પીચનો અર્થ રાઇટ-ટુ-હર્ટ સુધી ક્યારેય ન લંબાવી શકાય

Published : 23 September, 2025 01:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માણસના મુખ પર રેલાતું હાસ્ય તેના આનંદી સ્વભાવની કે મોજીલા મનની ચાડી ખાતું હોય છે.

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


માણસના મુખ પર રેલાતું હાસ્ય તેના આનંદી સ્વભાવની કે મોજીલા મનની ચાડી ખાતું હોય છે. હસવું એ આમ તો સ્વાભાવિક પ્રતિક્રિયા છે. કોઈ સારી વાત પર સ્માઇલ દ્વારા સમર્થન આપે છે તો કોઈ જાણીતો રસ્તા પર સામે મળે ત્યારે હસીને વગર શબ્દે ‘કેમ છો’ એમ પૂછી લે છે. ગુજરાતીમાં મજાની કહેવત છે : ‘હસે તેનું ઘર વસે, બાકીનાને કૂતરા ભસે!’ હસવું એક ક્રિયા છે, હસી શકવું એક આવડત છે, હસી કાઢવું એ બહાદુરી છે. આમ છતાં દરેક વાતે હસવું કે કાયમ હસવું એ યોગ્ય નથી. ચોમાસાની ઋતુમાં ચીકણા રસ્તા પર કોઈ લપસી જાય ત્યારે હસવું એ માણસાઈ નથી. રૂમમાં પ્રવેશતા ઊંચા માણસને નીચા દરવાજાનું બારસાખ માથામાં વાગે ત્યારે હસવું એ બાલિશતા છે. પ્રાર્થનાસભા કે ઉઠમણું-બેસણું એવા પ્રસંગ છે જ્યાં હસવું એ અવિવેક ગણાય. કોઈના બેડોળ શરીર અને જાડિયાપણા પર હસવું એ પરિપક્વતાનો અભાવ સૂચવે છે. કોઈની ચાલ જોઈને કે બોલવાની ગામડિયા શૈલી પર હસવું એ નાદાનિયત છે.

લંગડી રમવાની છૂટ છે, પણ કોઈ ખોડવાળાને લંગડો કહીને ચીડવવો એ દુર્વ્યવહાર ગણાય. થોડા દિવસ પહેલાં ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલા એક ચુકાદામાં આવા ગુમભાન થયેલા લોકોની સરખી ઝાટકણી કાઢી હતી. ટીવી-શો દરમ્યાન સ્ટૅન્ડઅપ કૉમેડિયનની આખી ટીમે એવા લોકોની મજાક ઉડાડી હતી જેઓ વ્યક્તિગત રીતે ડિસેબલ્ડ હોય. લોકોમાં તો આ પ્રકારની મજાકની ઉગ્ર ટીકા થઈ જ, પરંતુ સાથે-સાથે આ ઘટના પર કાયદેસર કાર્યવાહી પણ થઈ. કોઈ ફાઉન્ડેશને દાખલ કરેલી પિટિશનની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે ટીવી-શોના આયોજકો અને કલાકારોને નામજોગ ખખડાવ્યા હતા. અદાલતે ઉચ્ચારેલા કડક શબ્દો યાદ રાખવા જેવા છે... 



‘હ્યુમર જીવનનો એક હિસ્સો હોય એનો વાંધો ન હોઈ શકે, પણ જ્યારે બીજા કેટલાક એવા લોકો પર હસવાનું/હસાવવાનું બને અને ત્યાં સમજણનો છેદ (બ્રીચ ઑફ સેન્સિબિલિટી) ઊડતો દેખાય ત્યારે એ સમસ્યા સર્જક બને છે. આજના કહેવાતા દરેક ઇન્ફ્લુએન્સરે આ વાત મગજમાં સ્ટોર કરીને રાખવી જોઈએ. બોલવાની, હસાવવાની કે ડોલાવવાની કળા હોય એટલે તમને કોઈને ઉતારી પાડવાનો હક નથી મળી જતો.’ આપણે ત્યાં ‘ફ્રીડમ ઑફ સ્પીચ’માં ફ્રીડમ શબ્દનો અર્થવિસ્તાર કેટલો કરવો એ અંગે ભારે ગડમથલ છે. નખરાળી રજૂઆતની કળા ક્યારેય કોઈના કુમળા હૃદયને ઠેસ ન પહોંચાડે એ જોવું અનિવાર્ય છે. ક્યારેક ધર્મની, ધાર્મિકોની મશ્કરી કરવાની ફૅશનમાં પણ આ વિવેક ચુકાતો જણાશે.


હમણાં જ જૈનોના પર્યુષણ પૂરા થયા એમાં પ્રતિક્રમણ દરમ્યાન બોલાતા મુખ્ય કન્ફેશન-સૂત્રમાં એટલે કે અતિચાર-સૂત્રમાં આ અંગે સ્પષ્ટ નિર્દેશ કરતા શબ્દો છે : ‘કોઈ તોતડો બોબડો, દેખી હસ્યો વિતકર્યો.’ બોલવાની કોઈ ફાવટ ધરાવતો ન હોય તે સહાનુભૂતિનું પાત્ર છે, હાંસીનું નહીં. રાઇટ ટુ સ્પીચનો અર્થ રાઇટ ટુ હર્ટ સુધી ક્યારેય લંબાવી ન શકાય. 

- જૈનાચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિ


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2025 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK