બાળગણેશે માતા-પિતાને જ વિશ્વરૂપ ગણી પ્રદક્ષિણા કરી. મંદિરમાં દર્શન કર્યા પછી આપણે પ્રદક્ષિણા ફરીએ છીએ. નર્મદા નદીની પ્રદક્ષિણા પણ આપણી સંસ્કૃતિમાં છે
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે નક્ષત્રોમાં એક તારો મધ્યમાં હોય છે અને બીજા તારા એની પ્રદક્ષિણા કરતા હોય છે. પરંતુ અરુંધતી અને વશિષ્ઠ એ બે તારાઓમાં એ વિશિષ્ટતા છે કે બન્ને એકબીજાની આસપાસ ફરે છે. એટલે જ લગ્નવિધિ પૂરી થયા પછી પુરોહિત નવદંપતીને આકાશમાં આ બે તારા બતાવીને શીખ આપે છે કે બન્ને સમાન છે અને એકબીજાનાં કેન્દ્ર છે. આપણી સંસ્કૃતિમાં પ્રદક્ષિણાનું ઘણું મહત્ત્વ છે.
બાળગણેશે માતા-પિતાને જ વિશ્વરૂપ ગણી પ્રદક્ષિણા કરી. મંદિરમાં દર્શન કર્યા પછી આપણે પ્રદક્ષિણા ફરીએ છીએ. નર્મદા નદીની પ્રદક્ષિણા પણ આપણી સંસ્કૃતિમાં છે. પ્રદક્ષિણા દ્વારા આપણે કહેવા માગીએ છીએ કે અમારા જીવનનું કેન્દ્ર આપ છો.
ADVERTISEMENT
પહેલાં તો તુલસીક્યારે દીવો કરી એની પ્રદક્ષિણાથી જ દિવસની શરૂઆત થતી હતી. વૃક્ષનું જીવંત અસ્તિત્વ આપણે પુરાણકાળથી જ સ્વીકારેલું છે. વૃક્ષો આપણા જીવનનો અંતરંગ હિસ્સો પહેલેથી જ રહ્યાં છે. ઘટાટોપ વડલાની છાંય એટલે ગ્રામજનોનું અઘોષિત મિલનસ્થાન. વડના વૃક્ષની વિશિષ્ટતા એ છે કે એની વડવાઈઓ ડાળીઓમાંથી ફૂટે છે અને નીચે વધતાં-વધતાં જમીનમાં રોપાય છે, જેમાંથી નવું વૃક્ષ ઊગે છે. એક જગ્યાએ સ્થિર રહી ચોતરફ કેમ વિસ્તરવું એ વડનું વૃક્ષ શીખવે છે. કબીરવડનો વિશ્વવિક્રમી ફેલાવો ઉત્તમ ઉદાહરણ છે. પતિ-પત્નીનો સંયોગ જો સ્થિર થાય તો તેમનો વંશવેલો પણ આમ જ વિસ્તરે. વળી વૃક્ષને વિકસવા સૂર્ય જરૂરી છે. સૂર્યનું અન્ય એક નામ છે સવિતૃ. અને સાવિત્રી એટલે સૂર્યકિરણ. સૃષ્ટિનાં મૂળભૂત અંગો પુરુષ અને પ્રકૃતિના સંયોગથી ઉત્પન્ન થયેલ અંશરૂપ બીજમાં સાવિત્રીની ઊર્જાથી જ જીવનો સંચાર થાય છે. એ જ સત્ય છે. બીજી રીતે કહીએ તો સાવિત્રી જ સત્યવાનને યમપાશથી છોડાવી શકે. સામાન્ય લાગતી વ્રતકથાઓમાં આવાં અર્થગર્ભિત રહસ્યો છુપાયેલાં છે. વ્રતકથાઓ વાંચવાનો આપણે ત્યાં એટલે જ રિવાજ છે.
મહાભારતના વનપર્વના ઉપાખ્યાનમાં સાવિત્રી પણ પરિભ્રમણ કરીને જ સત્યવાનને પામે છે.
લગ્નવિધિ વખતે બાંધેલી છેડાછેડીનું નાનું સ્વરૂપ એટલે સૂતરની દોરી. પતિ-પત્નીની આ જીવનદોરી વડની આસપાસ પ્રદક્ષિણા કરી વીંટાળવા પાછળનો આશય જ કે અમારો વંશવેલો પણ વટવૃક્ષની જેમ ફેલાય. ચંદ્ર જ્યારે સોળે કળાએ ખીલે ત્યારે પૂર્ણિમા થાય છે. વટસાવિત્રીની પૂર્ણિમાના વ્રતથી દંપતીનું જીવન સોળે કળાએ ખીલી ઊઠે છે. કેવી ઉદાત્ત ભાવના આ સરળ લાગતા રિવાજમાં છુપાયેલી છે.
-યોગેશ શાહ

