ગણતરી કરવાને બદલે આત્મચિંતન અને પ્રભુચિંતનમાં પોતાનું જીવન વ્યતીત કરી એને શ્રેષ્ઠ બનાવવાનો પુરુષાર્થ કરીએ એમાં સમજદારી છે.
પ્રતીકાત્મક તસવીર
ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન અર્જુનને કહે છે કે ‘વેદાવિનાશિનં નિત્યં ય એનમજમવ્યયમ્ । કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હન્તિ કમ્ ॥ ૨-૨૧॥ વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નરોઽપરાણિ । તથા શરીરાણિ વિહાય જીર્ણા-ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી ॥ ૨-૨૨॥ ’ અર્થાત હે અર્જુન! જે પુરુષ પોતાના આત્માને અવિનાશી, અમર, જન્મહીન અને વિકારહીન જાણે છે તે કોઈને કેવી રીતે મારી શકે છે કે સ્વયં પોતે પણ કેવી રીતે મરી શકે છે || ત્યાર બાદ પ્રભુ અર્જુનને કહે છે કે જે રીતે કોઈ વ્યક્તિ જૂનાં વસ્ત્ર ઉતારી અને નવાં ધારણ કરે છે એ જ રીતે શરીરને ધારણ કરેલો આત્મા પણ જૂના શરીરને ત્યાગીને નવા શરીરને પ્રાપ્ત કરે છે || પરમાત્મા દ્વારા અપાયેલી આ શિક્ષા થકી એટલું તો અવશ્ય સ્પષ્ટ થાય જ છે કે મૃત્યુ જીવનની જેમ જ એક સ્વાભાવિક ઘટના છે. અતઃ આપણે મૃત્યુથી ભયભીત થવાની કોઈ આવશ્યકતા નથી. પણ શું આ એટલું સહેલું છે? વ્યવહારિકપણે જોવા જઈએ તો આ ખૂબ જ અઘરું છે, કારણ કે આપણે સહુ પોતાના જીવનને ખૂબ જ વધુ પ્રેમ કરીએ છીએ અને એટલે જ મૃત્યુથી આપણને ખૂબ જ ભય લાગ્યા કરે છે. પણ આ ભયનું કારણ શું? કારણ છે આપણું જ અજ્ઞાન, હા જી! જ્યાં સુધી આપણે પોતાની જાતને અવિનાશી આત્મા (દેહી)ને બદલે વિનાશી શરીર (દેહ) સમજતા રહીશું ત્યાં સુધી આપણે મૃત્યુના ભયથી મુક્ત નહીં થઈ શકીએ. જો આપણે સરળતાપૂર્વક આ સમજી લઈએ કે ‘જે ઘડીથી આત્મા શરીરમાં પ્રવેશે છે, ત્યારથી જીવન પ્રારંભ થાય છે અને જે ઘડીએ આત્મા જૂનું શરીર ત્યાગે છે, જીવન સમાપ્ત થઈ જાય છે.’ તો આપણો મૃત્યુ પ્રત્યેનો ભય સાવ જ ખતમ થઈ જશે. ધ્યાનપૂર્વક વિચારવા જઈએ તો મૃત્યુને વ્યાખ્યાયિત કરનારા શબ્દો થકી એ સ્પષ્ટ થાય છે કે મૃત્યુ એ કંઈ આત્માનું નહીં અપિતુ શરીરનું થાય છે. દાખલા તરીકે જ્યારે કોઈ એમ કહે છે કે કોઈકનો દેહાંત થઈ ગયો અથવા તો અવસાન થઈ ગયું તો એનાથી એ સિદ્ધ થાય છે કે આત્માએ ધારણ કરેલું શરીર છોડી દીધું છે અને આપણે સહુ આ હકીકત તો જાણીએ જ છીએ કે શરીર કુદરતની દેન છે અને એટલે મૃત્યુ બાદ એ પાછું પોતાના સ્રોતમાં ભળી જાય છે. જે રીતે દુનિયામાં કોઈ અધિકારીને પાંચ વર્ષની મુદત પૂર્ણ કરવા પર કોઈ અન્ય સ્થાન પર સ્થાનાંતરિત કરવામાં આવે છે એવી જ રીતે આત્માને માટે મૃત્યુ પણ એક શરીરથી બીજા શરીરમાં સ્થાનાંતરણ જ છે. એટલે ન એનાથી ડરવાની કોઈ આવશ્યકતા છે અને ન રડવાનો કોઈ અર્થ. એટલે મૃત્યુ આવવાના કેટલા દિવસ બાકી છે એની ગણતરી કરવાને બદલે આત્મચિંતન અને પ્રભુચિંતનમાં પોતાનું જીવન વ્યતીત કરી એને શ્રેષ્ઠ બનાવવાનો પુરુષાર્થ કરીએ એમાં સમજદારી છે.
-રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી

