ધર્મની સિસ્ટમમાં અનેક લોકોની, લોકો વડે અને લોકો માટે ચાલતી લોકશાહીને વરેલ અદ્ભુત પરંપરા છે
કુંભ મેળો
સનાતન ધર્મનો કોઈ એક સ્થાપક નથી કે નથી એનું કોઈ એક જ અધિકૃત પુસ્તક. યુગો-યુગોથી અસ્તિત્વમાં છે એવા આ ધર્મની સિસ્ટમમાં અનેક લોકોની, લોકો વડે અને લોકો માટે ચાલતી લોકશાહીને વરેલ અદ્ભુત પરંપરા છે. જેમ લોકશાહી દેશમાં ચૂંટણી-કમિશનર હોય છે જે નવી સરકારની રચના કરવામાં નિમિત્ત બને છે એમ આ સૃષ્ટિની રચના કરવામાં બ્રહ્મા નિમિત્ત બને છે. સરકાર બન્યા પછી દેશ ચલાવવાની જવાબદારી વડા પ્રધાનની હોય છે એમ આ સૃષ્ટિને ચલાવવાની તેમ જ પાલનપોષણની જવાબદારી વિષ્ણુની છે. એ જ રીતે સરકાર પર નિયંત્રણ રાખવા જેમ રાષ્ટ્રપતિ જરૂરી હોય છે એમ સૃષ્ટિ પર નિયંત્રણ રાખવાની જવાબદારી ભગવાન શિવ પર હોય છે.
આમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જે ત્રિદેવ તરીકે ઓળખાય છે તેઓ સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર (નિયંત્રણ) કરવાની ફરજ લોકશાહી ઢબે નિભાવે છે. જેમ સરકાર ચલાવવા અલગ-અલગ ખાતાં હોય છે એમ આ સૃષ્ટિ જે પંચમહાભૂત અર્થાત્ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ જેવાં પાંચ તત્ત્વોની બનેલી છે એનું યોગ્ય સંચાલન કરવા ઇન્દ્ર, સૂર્ય, વરુણ, અગ્નિ અને વાયુદેવ જેવા અનેક દેવો વિરાજમાન હોય છે. ૩૩ કરોડ દેવો નથી, પરંતુ ૩૩ કોટિ દેવો હોય છે. સંસ્કૃતમાં કોટિ એેટલે પ્રકાર થાય છે. હિન્દુ ધર્મમાં ૩૩ પ્રકારના દેવો હોય છે જે સૃષ્ટિના સર્જનપાલન અને નિયંત્રણનું કાર્ય સંભાળવામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને મદદ કરતા રહે છે.
ADVERTISEMENT
સરકાર રચાયા પછી ચૂંટણી-કમિશન૨નું કામ પૂરું થાય છે. ત્યાર બાદ ખરી કશમકશ તો વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે થતી હોય છે. આપણાં પુરાણોમાં પણ ઘણે ઠેકાણે વિષ્ણુ અને શિવ વચ્ચે મતભેદ થતા હોય કે ગજગ્રાહ થતો હોય એવી કથાઓ દર્શાવવામાં આવી છે. શિવમાર્ગી અને વિષ્ણુમાર્ગી એવા બે પંથ પણ પડી ગયા છે. કુંભમેળામાં પધારેલા સાધુ-સંતોમાં પણ શિવપંથી અને વિષ્ણુપંથી અખાડાઓ હતા જ. આ બધા અખાડાઓમાં મતભેદ હોય, પણ મનભેદ ન થાય એ વાતનું ધ્યાન રખાતું હોય છે. બધા અખાડા લોકશાહી પ્રથા મુજબ ચાલતા હોય છે. કુંભસ્નાન પણ સંપી-મળીને કરતા હોય છે. બન્નેને ખબર છે કે તેમના પંથ અલગ છે, પણ મંજિલ એક જ છે. જેમ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કોઈ કાયદા કે કાર્યને લઈને વિચારોમાં સમાધાન થાય કે સંઘર્ષ થાય, પરંતુ તેમનું મૂળ કાર્ય તો લોકશાહીની જાળવણીનું જ હોય છે એમ શિવ અને વિષ્ણુ વચ્ચે પણ જે સંવાદ રચાય કે વિવાદ થાય એ પૂરી સૃષ્ટિના ભલા માટે જ હોય છે. સૃષ્ટિના કલ્યાણ માટે જ તેમણે કાર્યો વહેંચી લીધાં છે.
વિષ્ણુ જીવોના પાલનહાર છે. કલ્યાણકારી જીવનના દાતા છે, તો શિવ જીવોના આયુષ્યને નિયંત્રિત કરે છે. કલ્યાણકારી મૃત્યુના દાતા છે.
અપમૃત્યુ ટાળવા, પીડાદાયક રોગથી મુક્તિ મેળવવા, આયુષ્યમાં વૃદ્ધિ કરવા અને અંતમાં કોઈની સેવા લેવી ન પડે એ રીતનું મંગળકારી મૃત્યુ પ્રાપ્ત કરવા શિવનું અવલંબન જરૂરી છે. આ કાર્ય માટે ઘણા લોકો મહામૃત્યુંજય જાપ પણ જપતા હોય છે. ફાંસી પામેલો ગુનેગાર પણ માનવતાના ધોરણે રાષ્ટ્રપતિને અરજી કરી શકે છે એ જ રીતે લાંબા આયુષ્ય તેમ જ અનેક રોગના કષ્ટથી બચી સ્વસ્થ અને કુદરતી મૃત્યુ માટે કોઈ પાપી જીવ પણ શિવની યથાશક્તિ પૂજા-પ્રાર્થના સ્વરૂપમાં તેમને દયાની અરજી કરી શકે છે.
જેમ કોઈ સામાન્ય નાગરિક પણ લોકશાહી દેશમાં ઉચ્ચ પદ પર પહોંચી શકે છે. નરેન્દ્ર મોદીની જેમ ચા વેચવાથી કારકિર્દી શરૂ કરનાર વ્યક્તિ પણ વડા પ્રધાન બની શકે છે એમ કોઈ પણ જીવ પુરુષાર્થ દ્વારા શિવ બની શકે છે. સનાતન ધર્મમાં મનુષ્ય અને ઈશ્વર અલગ નથી. બેમાંથી એક બની શકાય છે અને એને જ અદ્વૈતવાદ કહેવાય છે. એ જ ખરી લોકશાહી છે. ભોળા મહાદેવનો શિવરાત્રિનો પવિત્ર દિવસ ધર્મ ખાતર નહીં તો વિજ્ઞાનની રીતે પણ દરેક જણે ઊજવવા જેવો ખરો. બાકી તો જેવી તમારી ઇચ્છા
(ક્રમશઃ)


