આપણે તો તન સાથે મન અને આત્માને પણ જગાડવાનો છે. જીવ સાથે શિવનું મિલન ન થાય ત્યાં સુધી જાગરણની પ્રક્રિયા ચાલુ રાખવાની છે.
કુંભ મેળો
આજે મહાશિવરાત્રિનો શુભ દિવસ. આજે કુંભસ્નાનનો અંતિમ દિવસ છે તો જાગરણનો પ્રથમ દિવસ છે. આપણે માત્ર શરીરથી નથી જાગવાનું. શરીરથી જાગીએ એ તો માત્ર ઉજાગરા કહેવાય. આપણે તો તન સાથે મન અને આત્માને પણ જગાડવાનો છે. જીવ સાથે શિવનું મિલન ન થાય ત્યાં સુધી જાગરણની પ્રક્રિયા ચાલુ રાખવાની છે.
સનાતન વ્યવસ્થા એક એવી વ્યવસ્થા છે જે જીવને શિવ સુધી અર્થાત્ અહમને પરમ સુધી પહોંચાડતી લોકશાહી પરંપરા ધરાવે છે.
ADVERTISEMENT
આ અહમ્થી પરમ સુધી પહોંચાડતી પ્રક્રિયામાં આપણે અહમ્નો નાશ કરવાનો છે અને એ જ મહત્ત્વનું છે. આપણા શરીરમાં સૌથી વધુ વજન ધરાવતો હોય તો એ શરીરનો કોઈ અવયવ નથી પરંતુ અહંકાર જ છે. આ અહંકારનું ભારેખમ વજન જ છે જે આપણને ભવસાગરમાં ડુબાડી દે છે. જો એને ત્યજી શકીએ તો આપણે હળવા થઈ શકીએ અને ભવસાગર તરી શકીએ.
આપણે આપણી કુંભયાત્રામાં ભગવાન શિવને પ્રિય સ્નાન, ઉપવાસ, બીલીપત્ર, ભસ્મ, નંદી, રુદ્રાક્ષ, ત્રિશૂળ, જાગરણ વગેરેની રસપ્રદ વાતો વિસ્તારપૂર્વક જોઈ, પણ શિવ પાસે સતત રહેતા ડમરુ વગર તેમનું વિવરણ અધૂરું રહે.
આ ડમરુ એટલે સર્જન અને સંહારનું પ્રતીક છે. લય અને પ્રલયનું પ્રતીક છે. ડમરાના આકાર પરથી પણ તમને આ વાત સરળતાથી સમજાશે. ધ્યાનથી જોશો તો ડમરુ બે ત્રિકોણનો સંગમ જણાશે. આ બે ત્રિકોણનું સંગમ બિંદુ છે ત્યાં સૃષ્ટિનો અંત થાય છે, પણ આ અંત કાયમી અંત નથી. અહીં જ નવી સૃષ્ટિનો પ્રારંભ પણ થાય છે. આમ સતત બ્રહ્મસર્જન પામે તે વિસ્તાર પામે અને ફરી પ્રલય પામે છે એ પ્રક્રિયાને દર્શાવતું પ્રતીક એટલે ડમરુ. ડમરુના નાદ સૂચવે છે કે બ્રહ્માંડની ઉત્પતિ ધ્વનિ દ્વારા શરૂ થઈ અને વળી પાછી ધ્વનિમાં સમાઈ ગઈ. બ્રહ્માંડનાં જે પાંચ મહા તત્ત્વો છે એમાંથી પૃથ્વી ગંધ ધરાવે છે, જળ એ રસનું પ્રતિનિધિત્વ કરે છે, અગ્નિ તન્માત્રા રૂપ છે તો વાયુની હાજરી સ્પર્શથી વર્તાય છે, જ્યારે ધ્વનિ હંમેશાં અવકાશમાં રહે છે. આપણે હોઈએ કે ન હોઈએ આપણાં બોલાયેલાં વચનો હંમેશ માટે અવકાશની સી.ડી.માં save થઈ જાય છે. માણસ મૃત્યુ પામે છે ત્યારે અગ્નિ સંસ્કારમાં તેની ગંધ, રસ, રૂપ અને સ્પર્શની શક્તિ નાશ પામી ધ્વનિરૂપે અવકાશમાં સમાઈ જાય છે. ફરી શિવ ડમરુ વગાડી નાદ કરે છે, એને જ આપણે બ્રહ્મનાદ કહીએ છીએ. આ નાદનાં આંદોલનોથી જ આકાશ પ્રભાવિત થાય છે અને બાકીના મહાભૂત અર્થાત્ વાયુ (સ્પર્શ), જળ (રસ), અગ્નિ (રૂપ) અને પૃથ્વી (ગંધ) ઉત્પન્ન થાય છે. ફરી સૃષ્ટિનું સર્જન થાય છે. આમ કાળાંતરે સૃષ્ટિનું સર્જન અને વિસર્જન થતું રહે છે. એક સર્જનનો અંત થાય છે અને ત્યાંથી જ બીજા સર્જનનો આરંભ થાય છે. આ વાત ડમરુ અને એમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ આપણને સમજાવે છે.
આ ડમરુધારી શિવનાં શિવરાત્રિએ દર્શન-પૂજન-જાગરણ કરી સતત એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે રાવણ તો ઠીક, કરોડો રાવણને પોતાના ગર્ભમાં છુપાવી શકે એવી સૃષ્ટિ નાશ પામી શકે છે તો આપણે તો વળી કઈ વાડીના મૂળા?
આ બ્રહ્માંડમાં અસંખ્ય ગ્રહમાળાઓ છે, એમાંથી એક આપણી સૂર્યની આસપાસ ફરતી ગ્રહમાળા છે. અનેક ગ્રહો, ઉપગ્રહો, તારામંડળો અને ઉલ્કાઓની વચ્ચે પૃથ્વી નામનો પણ એક ગ્રહ છે. એમાં રહેલા સેંકડો દેશમાંથી ભારત નામનો એક નાનો દેશ અને એમાં વસતા ૧૪૦ કરોડમાંથી આપણે એક નાનકડો પામર જીવ. છતાંય આ જીવ શિવ નથી બની શક્તો એનું કારણ આપણો અહંકાર છે, આપણું મિથ્યાભિમાન છે. આ વિરાટ બ્રહ્મમાં આપણું અસ્તિત્વ રેતીના સૂક્ષ્મ કણ જેટલું પણ નથી છતાંય આપણે ગુમાનમાં ફરીએ છીએ. અજ્ઞાનની ચાદર ઓઢીને સૂઈ ગયા છીએ. જાગરણના દિવસે આપણે આ જ કામ કરવાનું છે. અજ્ઞાનના અંધકારમાંથી જાગી જ્ઞાનના પ્રકાશ તરફ જવાનું છે. અપૂર્ણ જીવથી સંપૂર્ણ શિવ તરફ ગતિ કરવાની છે. શિવે સૂચવેલા કુંભસ્નાન, કલ્પવાસ, ઉપવાસ અને જાગરણથી વિવિધ શારીરિક અને માનસિક લાભ તો થશે જ, પરંતુ શિવને પ્રાપ્ત કરવા હોય અર્થાત્ આત્મિક લાભ મેળવવો હોય, પામર જીવને પરમ શિવ સુધી પહોંચાડવો હોય તો જીવની આસપાસ જે અહમ્ની ચાદર લપેટાયેલી છે એને હટાવી આત્માને જાગૃત કરવો પડશે. આ આત્માના જાગરણ માટે આજની શિવરાત્રિ એ શ્રેષ્ઠ સમય છે. આ સમય અને આ તક ઝડપી લેજો.
(સમાપ્ત)

