શનિજયંતી ઊજવવા ચાલો હાથલા
હાથીની અંબાડી પર બિરાજમાન બાળ શનિ મહારાજ (ડાબે), શનિમહારાજનું જન્મસ્થાન
કહેવાય છે કે પોરબંદર નજીક આવેલું હાથલા ગામ નવગ્રહમાંના સૌથી સ્લો પ્લૅનેટ શનિદેવનું જન્મસ્થળ છે. વૈશાખ વદ ચૌદશ શનિનો જન્મદિવસ છે ત્યારે શનિજયંતી ઊજવવા ચાલો હાથલા : અહીં પનોતીદેવી પણ બિરાજમાન છે એટલે જાતકો શનિની સાડાસાતી ઉતારવા અહીં બારે મહિના દર્શનાર્થે આવતા રહે છે
સૂર્યપુત્ર શનિદેવ આમ તો ન્યાયના દેવતા છે. મનુષ્યએ કરેલાં કર્મ અનુસાર શનિ જે-તે વ્યક્તિને સારું-નરસું ફળ આપે છે. કદાચ એટલે જ માનવ આ કર્મદેવતાથી ડરે છે અને બહુ શિદ્દતથી તેમની પૂજાઅર્ચના કરે છે. એમાંય જ્યારે જન્મકુંડળી અનુસાર શનિનો સાડાસાતી કાળ ચાલતો હોય છે ત્યારે તો માનવી શનિદેવના કોપથી બચવા જાતજાતના ઉપાયો કરે છે.
ADVERTISEMENT
૬ જૂન, ગુરુવાર ને વૈશાખ વદ અમાવસ્યાએ શનિજયંતી આવી રહી છે ત્યારે આપણે જઈએ શનિદેવનાં મોસ્ટ પાવરફુલ મંદિરોની સૂચિમાં આવતા હાથલાના શનિમંદિરે શનિ મહારાજના જન્મોત્સવમાં, જે એક માન્યતા અનુસાર શનિ મહારાજનું જન્મસ્થળ પણ છે.
સૂર્યમાળાના પ્રમુખ ગ્રહ સૂરજદેવ અને છાયાદેવીનું સંતાન શનિ, રવિપુત્ર જ છે. પરંતુ આ પિતા-પુત્ર વચ્ચે ડાંગે માર્યાં વેર છે. એની પૌરાણિક કથાની થોડી ડીટેલમાં જઈએ તો સૂર્યદેવનાં પત્ની સરણ્યુ વિશ્વકર્માનાં પુત્રી હતાં. પતિનો આકરો તાપ અને પ્રકાશ સહન ન થતાં તેમણે પોતાના જ જેવી દેખાતી પોતાના જ પડછાયામાંથી છાયા નામક સ્ત્રી પ્રગટ કરી. આ છાયા રંગ-રૂપ, કદ, કાઠીએ સરણ્યુ જેવી જ હતી જેથી સૂર્યદેવ પણ તેને ઓળખી ન શક્યા. કાળક્રમે સૂર્ય અને છાયાને પુત્ર થયો શનિ. આ શનિ માતાની છાયામાંથી ઉત્પન્ન થયો હોવાથી રંગે શ્યામ અને તેજવિહીન હતો. તેને જોઈ સૂર્યદેવ ગુસ્સે થઈ ગયા અને પત્નીના પતિવ્રતાપણા પર શંકા કરી. ત્યારે છાયામાતાના આરાધ્ય દેવ ભોલેનાથ પ્રગટ થયા અને છાયા તેમ જ શનિની ઉત્પત્તિની વાત કરી. અન્ય કથા અનુસાર છાયા સરણ્યુ રાણીનાં બહેન હતાં અને તે પણ આ ભાસ્કર દેવને જ પરણ્યાં હતાં. પરંતુ છાયાએ ગર્ભાવસ્થામાં પોતાનું યોગ્ય ધ્યાન ન રાખ્યું આથી તેમને નીલરંગી અને પંગુ પુત્ર અવતર્યો. પતિ અરુણે પુત્રનું રૂપ જોઈ તેને અપનાવ્યો નહીં.

મંદિરનું પ્રાંગણ
પિતાએ જન્મથી શનિને તરછોડ્યો અને તેની માતા પર પણ શંકા કરી અને જ્યાં શનિદેવે આંખ ખોલી ત્યાં પિતાને ગ્રહણ લાગી ગયું આથી તેમની વચ્ચે વેરની પરંપરા ચાલુ થઈ ગઈ, જે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજે પણ ચાલે છે. જોકે અન્ય કથા અનુસાર માતા છાયા શંકર ભગવાનનાં બેનમૂન ભક્ત હતાં. એ ન્યાયે મહાદેવ શનિના પણ ગુરુ થયા અને તેમની ભક્તિને કારણે જ ખુદ શિવજીએ શનિદેવને જે-તે સજીવને તેનાં કર્મ અનુસાર દંડ આપવાની સત્તા આપી.
ખેર, આ વાર્તા સિવાય પણ શનિના જન્મની અને સૂર્ય-શનિના સંબંધની અનેક ભિન્ન-ભિન્ન કથાઓ પ્રચલિત છે પરંતુ દરેક કહાણીમાં સમાનતા એ છે કે શનિ દંડાધિકારી છે.

મંદિરના ઇતિહાસની માહિતી
હવે વાત કરીએ હાથલા ગામમાં શનિ પ્રાગટ્યની તો મુદ્ગલ ઋષિ, જે સનાતન ધર્મના આદ્ય અને તપસ્વી ઋષિ હતા, તેમણે હાલના હાથલા ગામમાં કઠિન તપસ્યા કરી શનિદેવને પ્રગટ કર્યા હતા (આ સંદર્ભે કેટલાક શનિભક્તો હાથલાને ગ્રહમાળાના સાતમા ગ્રહનું જન્મસ્થાન માને છે). મુદ્ગલ ઋષિ માટે પુરાણોમાં કહેવાયું છે કે આ પુણ્યાત્મા ફક્ત ચોખાના દાણા ખાઈ ઉદરતૃપ્તિ કરતા હતા અને ઈષ્ટકૃત નામક પવિત્ર યજ્ઞ કરતા હતા. તેઓ વિષ્ણુના એવા પરમ ભક્ત હતા કે એક વખત યજ્ઞમાં આહુતિ અર્પણ કરવા સ્વયં ઇન્દ્ર અને અન્ય દેવતાઓ આવ્યા હતા. આવા મુદ્ગલ ઋષિએ પ્રાચીન બટુકાચલ વિસ્તારમાં આવેલા આ પીપ્લાવનમાં રહી દીર્ઘ સમય શનિદેવની તપસ્યા કરી હતી અને એના પરિણામ સ્વરૂપે સ્વયં શનિદેવ બાળ સ્વરૂપે હાથીની અંબાડીએ બેસી અહીં પ્રગટ થયા હતા. અને આથી જ પૌરાણિક કાળમાં પીપ્લાવન તરીકે ઓળખાતું આ સ્થળ હસ્તિનાસ્થલ, હસ્થથલ અને ત્યાર બાદ હાથલા ગામ નામે જાણીતું બન્યું.
સૌરાષ્ટ્રના ભાણવડ તાલુકામાં આવેલા હાથલા ગામે શનિદેવ હાથીની અંબાડીએ બેઠા હોય એવી મૂર્તિ છે, જે સમસ્ત વિશ્વમાં એકમાત્ર છે. લગભગ ૧૫૦૦ વર્ષથી વધુ પ્રાચીન આ મૂર્તિ સ્વયંભૂ છે કે કોઈએ બનાવી છે એનો ઉલ્લેખ નથી, પરંતુ ભારતીય પુરાતત્ત્વ ખાતાએ સર્ટિફાય કર્યું છે કે આ તેમ જ અહીં આવેલી સાડાસાતી પનોતીમાતાની મૂર્તિ, ભૈરવબાબા તેમ જ તાપીમાતા દોઢ હજાર વર્ષો પૂર્વેનાં છે.
હવે મંદિરના પરિસરમાં પ્રવેશીએ એટલે એક બાજુ નાની-નાની અનેક દેરીઓ જેવાં સ્ટ્રક્ચર દેખાય છે, જે અહીં વંશપરંપરાથી પૂજા કરતા ગોસ્વામી પરિવારના પૂજારીઓની સમાધિ છે. એનાથી થોડું આગળ શનિકુંડ નામે નાનું ચોરસ પણ ઊંડું જળાશય છે. એ પણ પૌરાણિક છે. અનેક ભાવિકો આ કુંડમાં ડૂબકી લગાવી પછી મંદિરમાં દર્શન કરવા જાય છે. જોકે મૅનેજમેન્ટે હવે શનિકુંડમાં પ્રવેશવાની મના કરી દીધી છે પણ અહીંથી મોટર વડે જળ નજીકના બાથરૂમમાં પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે જ્યાં સ્નાન કરી શકાય છે. આ પરિસરમાં ચંપલ, કપડાં તેમ જ અન્ય વસ્તુઓનો ઢગલો નજરે ચડે છે, કારણ કે શનિની પનોતી ઉતારનાર ભાવિક વિધિ અનુસાર પોતાનાં કપડાં, જૂતાં અહીં છોડે છે.

મંદિર પાસે આવેલો શનિકુંડ. પહેલાં અહીં સ્નાન કરીને શનિ મહારાજનાં દર્શન કરતા, પણ હવે કુંડમાં પ્રવેશ નથી અપાતો
લંબચોરસ હૉલ જેવું દેખાતું મંદિર ગર્ભગૃહ ૭મી સદીનું અને કાળક્રમે બેઉ બાજુ લંબાવાયેલું છે. અત્યારે તો કોઈ શિખરો દેખાતાં નથી, પણ પુરાતત્ત્વ વિભાગના મત અનુસાર અહીં કળાતા શંકુ આકારના બે સ્તર શિખરનો ભાગ હોવાની શક્યતા છે.
ઍન્ડ નાઓ ઓવર ટુ શનિદેવ. લગભગ અઢીથી ત્રણ ફુટની સિંદૂરિયા લેપથી ઓપતી શનિદેવની મૂર્તિ હંમેશાં આકડાનાં ફૂલની માળા, કાળાં વસ્ત્રો તેમ જ શમીનાં પાનના હારથી સુશોભિત રહે છે. એની બાજુમાં સાત અને એક અડધી એમ સાડાસાત પિંડીરૂપે પનોતીમાતા બિરાજે છે. એની બાજુમાં સોના, ચાંદી, તાંબું અને લોખંડની નાની પનોતી રૂપે અન્ય ચાર પિંડીઓ છે.
જનરલી પનોતી શબ્દનો અર્થ અશુભ છે. દુર્ભાગ્યના સંદર્ભે એ વપરાય છે. પરંતુ અહીં એ પનોતીને દેવી સ્વરૂપે, માતાના રૂપે સ્થાપિત કરાયાં છે. અને માન્યતા મુજબ તેમનાં દર્શન, અર્ચનથી તેઓ અશુભ ફળ આપતાં નથી. આથી અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. મંદિરમાં બટુક ભૈરવ અને હનુમાનજીની મૂર્તિ પણ છે તો તાપી દેવીની પ્રતિમા પણ છે. કહેવાય છે, યમુનાની જેમ તાપી પણ શનિદેવનાં બહેન છે. સપ્તાહના સાતેય દિવસ સવારના ૭થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેનારા આ મંદિરમાં દર મંગળવારે તથા શનિ-રવિ અને દર અમાસે ભારે ભીડ હોય છે જ, પણ શનિજયંતીનો મહિમા અનેરો છે. આ તહેવાર અહીં ધામધૂમથી ઊજવાય છે. અહીંના પૂજારીના કહેવા પ્રમાણે આખાય પરિસરમાં ગાદલાં પાથરી દેવાય છે તેમ જ હંગામી તંબુ ઊભા કરાય છે જેથી અહીં આવનારા ભાવિકો બેસી શકે અને શનિ સ્તોત્ર, હનુમાન ચાલીસાના પાઠ કરી શકે. જન્મદિને શનિદેવની પૂજા તેમ જ ભંડારો તો આખો દિવસ ચાલતો રહે છે. તેમ જ ભજનકીર્તન પણ થાય છે. કડકડતો વૈશાખી તાપ હોવા છતાં હજારો ભાવિકો આ દિવસે શનિ ભગવાનનાં દર્શન કરવા પધારે છે.

સાડાસાત પિંડીરૂપે પનોતીદેવી બિરાજમાન છે
બાપુના જન્મસ્થળ તેમ જ સુદામા નગરી પોરબંદરથી ૩૧ કિલોમીટરના અંતરે આવેલું હાલનું હાથલા સાડાત્રણસો ખોરડાંનું નાનું ગામ છે, પણ દસ હજાર વર્ષનાં પ્રાચીન સ્મરણો સમાવીને બેઠું છે. મંદિરની આજુબાજુ ચા-પાણી, નાસ્તો પીરસતી ટપરી અને રેસ્ટોરાં છે. બાકી જમવા અને રહેવા માટે પોરબંદર અથવા જામનગર સારો ઑપ્શન છે. જોકે મંદિરનાં પાંચ-સાત કિલોમીટરના અંતરે બે-ત્રણ પ્રાઇવેટ રિસૉર્ટ ઓપન થયા છે. દ્વારકા-સોમનાથ રૂટની નજીક આવેલું હોવાથી કોસ્ટલ રોડને અડીને ઘણા રહેવા-જમવાના પર્યાય ઉપલબ્ધ છે. હાથલા જવા પોરબંદર અથવા જામનગર જતી ટ્રેન જ એક માત્ર રેલ રૂટ. આ બેઉ સ્ટેશનથી સરકારી અને ખાનગી પરિવહન સેવા મળી રહે છે.
પૉઇન્ટ ટુ બી નોટેડ
- કહેવાય છે કે ક્યારેય સામે ઊભા રહી શનિદેવનાં દર્શન ન કરવાં જોઈએ. શનિની સીધી દૃષ્ટિ તમારા પર ન પડવી જોઈએ. આથી અહીં પૂજારીઓ અને મંદિરના કાર્યકરો દરેક દર્શનાર્થીને ચહેરો એક સાઇડ ફેરવીને દર્શન કરવાની સૂચના આપતા રહે છે.
- અહીંના પૂજારીઓના કહેવા પ્રમાણે શનિની પનોતી ન ચાલતી હોય તેવી વ્યક્તિઓ પણ શનિનાં દર્શન કરવા આવે છે, કારણ કે આમ કરવાથી તેમને પનોતી નડતી નથી.
- શનિની સાડાસાતી કે નાની પનોતી દરમિયાન સુરત શહેર નજીક વહેતી તાપી નદીમાંસ્નાન કરવાનું પણ અદકેરું મહાત્મ્ય છે.
- તાલુકા મથક ભાણવડ જેઠવા રાજવીઓએ વસાવેલું હિસ્ટોરિકલ નગર છે. ઈ. સ. ૧૩૧૩માં સ્થાપિત આ ગામનાં હરસિદ્ધિ માતાજીનું મંદિર, બાલમંદિર, હનુમાન ટેમ્પલ તથા ઇન્દ્રેશ્વર મહાદેવાલય દર્શનીય.


