જ્યાં આદ્યશક્તિનું હૃદય ધબકે છે એવા અંબાજી મંદિરમાં આ દિવસો દરમ્યાન મધ્યાહ્ને ચાચર ચોકમાં અરીસો મૂકીને સૂર્યનાં કિરણોને મંદિરના ગર્ભગૃહ સુધી લઈ જવાય છે અને અંબેમાની વિશેષ પૂજા-અર્ચના અને આરતી થાય છે, એની પાછળ છે અનોખી માન્યતા
અંબાજી ધામ
આર્તનાદે અંબા રીઝે, દેવી દિનદયાળુ છે,
તનની જાણે, મનની જાણે, ઘટ ઘટમાં બિરાજે છે.
દોષ ન જોતી મા, બાળકના ને, માફ કરે અપરાધોને,
જે જન શરણે આવે તેનાં સંકટ સઘળાં ટાળે છે.
આવી જગતજનની આદ્યશક્તિ અંબેમાનું જ્યાં હૃદય ધબકી રહ્યું છે ત્યાં શરણમાં આવતા માઈભક્તોને હૃદયમાં સમાવીને જ્યાં માતાજી દર્શન આપી રહ્યાં છે એવા શક્તિપીઠ આરાસુરી અંબાજીમાં આ દિવસોમાં બપોરે આરતી અને ખાસ પૂજા-અર્ચના થાય છે. આવું અષાઢ સુદ એકમ સુધી જ થશે. મધ્યાહ્ને એટલે કે બપોરે માતાજીને સૂર્યનારાયણ દેવનાં કિરણોની ઝાંખી કરાવવાની પરંપરા અને બપોરની આરતી વર્ષમાં માત્ર બે મહિના જ થાય છે અને એ માટે ચાચર ચોકમાંથી અરીસા દ્વારા સૂર્યનાં કિરણો મંદિરના ગર્ભગૃહ સુધી રિફ્લેક્ટ થાય એવી વ્યવસ્થા કરવામાં આવે છે અને આ એક આધ્યાત્મિક ક્રિયા છે. પરંપરાગત રીતે વર્ષોથી ચાલી રહી છે. સૂર્યદેવનાં કિરણોની ઝાંખીની અલૌકિક આધ્યાત્મિક ક્રિયા વિશે વાત કરતાં અંબાજી મંદિરમાં આવેલી માતાજીની ગાદીના ભટ્ટજી મહારાજ તન્મયકુમાર ઠાકર કહે છે કે ‘અખાત્રીજથી અષાઢ સુદ એકમ સુધી મંદિરમાં ત્રણ ટાઇમની પૂજા થાય છે. ગ્રીષ્મ ઋતુને કારણે માતાજીને બપોરે ગરમી ન લાગે એ ભાવથી સ્નાન કરાવવામાં આવે છે અને પૂજાવિધિ કરવામાં આવે છે. બપોરે બાર–સવાબાર વાગ્યે રાજભોગ થાય, એ પછી પડદો ખૂલે–અંતરપટ ખૂલે ત્યારે સૂર્યદેવનાં પ્રત્યક્ષ દર્શન કરાવવા સૂર્યનારાયણદેવની ઝાંખી કરાવવામાં આવે છે. માતાજીનો મશાલચી હોય, નાઈ હોય, બાબરી ઉતારે તે મંદિરની બહાર ચાચર ચોકમાં અરીસો લઈને ઊભો રહે છે. મંદિરનો પડદો ખૂલે ત્યારે તે સૂર્યદેવનાં કિરણો અરીસામાં ઝીલીને મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચાડીને માતાજીના મુખારવિંદ સુધી સૂર્યનાં કિરણો પહોંચાડે છે અને આ રીતે ઝાંખી કરાવવામાં આવે છે. એ પછી સાડાબાર વાગ્યે આરતી થાય છે. આ ક્રિયા વર્ષમાં માત્ર બે મહિના થાય છે. આ ઉપરાંત અખાત્રીજ એટલે કે વૈશાખ સુદ ત્રીજથી અષાઢ સુદ એકમ સુધી અંબાજી મંદિરમાં ત્રણ ટાઇમ આરતી થાય છે. અષાઢી બીજથી રાબેતા મુજબ સવારે અને સાંજે આરતી થશે. બપોરે રાજભોગ અને કપૂર આરતી થશે.’
ADVERTISEMENT
અરીસાથી ઝાંખીઃ ચાચર ચોકમાં ઊભા રહીને અરીસાથી સૂર્યનાં કિરણો ગર્ભગૃહમાં પ્રતિબિંબિત કરવામાં આવે છે.
વર્ષોથી ચાલી આવતી પરંપરાની વાત કરતાં તેઓ કહે છે, ‘અત્યારે ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે ત્યારે આપણે તડકામાં બહાર જઈએ, ગરમી લાગે અને ઘરે પાછા આવીએ ત્યારે નાહીએ છીએને? ત્યારે ઉનાળાની ઋતુમાં માતાજીને ગરમી લાગે એ ભાવથી પૂજાવિધિ અને સ્નાન કરાવવામાં આવે છે. ગ્રીષ્મ ઋતુને કારણે માતાજીને સૂર્યદેવની પ્રત્યક્ષ ઝાંખી કરાવવામાં આવે છે. આ જે પરંપરા છે એ ૫૦૦ કરતાં વધુ વર્ષોથી ચાલી આવી છે, એને અનુરૂપ વ્યવસ્થાના ભાગરૂપે આ વિધિ થાય છે. આદ્યશક્તિના મહિમાની જે વાત છે એમાં ૫૧ શક્તિપીઠો છે જ્યાં માતાજીનાં અંગો પડ્યાં છે એમાં અંબાજી મંદિરમાં માતાજીનું હૃદય પડ્યું હતું એટલે માતાજીના હૃદયનું સ્થાન અંબાજી મંદિરમાં છે. ગબ્બર પર જ્યોત સ્વરૂપે પૂજા થાય છે.’
અંબાજીમાં થતી પૂજાવિધિની વાત કરતાં તન્મયકુમાર ઠાકર કહે છે, ‘અખાત્રીજથી અષાઢ સુદ એકમ સુધી વર્ષોથી ચાલી રહેલી આ પરંપરામાં બપોરે થતી આ ક્રિયામાં ગરમીને કારણે માતાજીને લીંબુ અને મધનું શરબત ધરાવાય છે તેમ જ બપોરની આરતી પણ થાય છે. આ દિવસોમાં મંદિરમાં ત્રણ ટાઇમ પૂજા-આરતી થાય છે એ અહીંનું વિશેષ મહત્ત્વ છે. વર્ષ દરમ્યાન મંદિરમાં માતાજીને ત્રણ સ્વરૂપે પૂજવામાં આવે છે. સવારે બાલ્ય એટલે કે બાળસ્વરૂપે પૂજવામાં આવે છે, બપોરે યૌવન સ્વરૂપે અને સાંજે પ્રૌઢ સ્વરૂપે, વૃદ્ધા સ્વરૂપે પૂજવામાં આવે છે. આ પૂજા બારેબાર મહિના થાય છે.’

