મહારાષ્ટ્રના નરાધમ રવિ ધુમારેએ ફાંસીના માંચડે ચડવું જ પડશે
દ્રૌપદી મુર્મુ
૨૦૧૨માં મહારાષ્ટ્રમાં બે વર્ષની બાળકીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરનાર રવિ ઘુમારેની દયા-અરજી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફગાવી દીધી છે. ૨૦૨૨ની ૨૫ જુલાઈએ રાષ્ટ્રપતિપદ સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ દ્વારા ફગાવવામાં આવેલી આ ત્રીજી દયાની અરજી છે. રાષ્ટ્રપતિભવને દયાઅરજી ૨૦૨૫ની ૬ નવેમ્બરે ફગાવી દીધી હતી.
આ ઘટના ૨૦૧૨ની ૬ માર્ચે મહારાષ્ટ્રના જાલના શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં બની હતી. રવિ ઘુમારેએ બાળકીને ચૉકલેટની લાલચ આપી હતી. ટ્રાયલ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો અને ૨૦૧૫ની ૧૬ સપ્ટેમ્બરે ફાંસીની સજા ફટકારી હતી. જાન્યુઆરી ૨૦૧૬માં બૉમ્બે હાઈ કોર્ટે તેની ફાંસીની સજાને સમર્થન આપ્યું હતું. ૨૦૧૯ની ૩ ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટે રવિ ઘુમારેને આપવામાં આવેલી ફાંસીની સજાને સમર્થન આપ્યું હતું.
ADVERTISEMENT
તે સમયે જસ્ટિસ સૂર્યકાન્તની બનેલી ૩ જજોની બેન્ચે ૨:૧ની બહુમતીથી પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ‘આ માણસે એક એવું જીવન નિર્દયતાથી સમાપ્ત કર્યું છે જે હજી ખીલ્યું નહોતું અને બે વર્ષના બાળક સાથે અકુદરતી ગુનો કરવાના તેના કૃત્યથી એક ગંદા અને વિકૃત મનની ભયાનક વાત પ્રદર્શિત થાય છે. પોતાની દૈહિક ઇચ્છાઓ પર તેનું કોઈ નિયંત્રણ નથી અને તેણે ફક્ત પોતાની જાતીય ભૂખ સંતોષવા માટે બધી કુદરતી, સામાજિક અને કાનૂની મર્યાદાઓ ઓળંગી દીધી છે. એવું જોઈ શકાય છે કે પીડિતા માત્ર બે વર્ષની બાળકી હતી જેનું દોષીએ અપહરણ કર્યું હતું અને દેખીતી રીતે ચારથી પાંચ કલાકથી વધુ સમય સુધી તેના પર હુમલો કરતો રહ્યો જ્યાં સુધી તેણે અંતિમ શ્વાસ લીધા નહીં. આ એક એવો કેસ છે જ્યાં વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે અને સામાજિક મૂલ્યોનું ઉલ્લંઘન થયું છે.’


