Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > કાલાઘોડા ફેસ્ટિવલમાં ગુજરાતીઓનું ગજબ ગૌરવ વધારી રહ્યાં છે આ બહેન

કાલાઘોડા ફેસ્ટિવલમાં ગુજરાતીઓનું ગજબ ગૌરવ વધારી રહ્યાં છે આ બહેન

07 February, 2023 05:51 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

લગ્ન પછી અનોખાં આર્ટફૉર્મ દ્વારા પોતાની ઓળખ બનાવનારાં હિરલ ભગતની આર્ટિસ્ટિક જર્ની જાણવા જેવી છે

 હિરલ ભગત

પૅશનપંતી

હિરલ ભગત


કવિ નિરંજન ભગતની મુંબઈ પર લખાયેલી કવિતાઓ અને કૅલિગ્રાફી આર્ટનો અનોખો સંગમ કરીને બનાવેલાં આર્ટવર્ક તેમણે અહીં ‘કેલિકાવ્ય’ સ્ટૉલ અંતર્ગત ડિસ્પ્લેમાં મૂક્યાં છે. લગ્ન પછી અનોખાં આર્ટફૉર્મ દ્વારા પોતાની ઓળખ બનાવનારાં હિરલ ભગતની આર્ટિસ્ટિક જર્ની જાણવા જેવી છે


કોઈ પણ મહિલા માટે લગ્ન અને પછી બાળક થયા પછી પોતાના પૅશન માટે ફરી સક્રિય થવું અને પ્રોફેશનલી કમબૅક કરવું પહેલાં પણ અઘરું હતું અને આજે પણ અઘરું છે. એમાં પણ ગુજરાતી કમ્યુનિટીમાં જ્યાં આર્ટ ફૉર્મની સૂઝબૂઝ ધરાવતા ગણ્યાગાંઠ્યા લોકો હોય ત્યારે જૂજ ચર્ચિત એવા આર્ટ ફૉર્મમાં હાથોટી મેળવીને એ દિશામાં કામ કરવાનું હોય ત્યારે પડકારો તો આવવાના જ. જોકે હિરલ ભગતે એ તમામ પડકારોને પાર પાડીને ગુજરાતી લિપિમાં કૅલિગ્રાફીને એક નવા આયામ પર લઈ જવાનું કામ કર્યું છે. અત્યારે મુંબઈમાં ચાલી રહેલા કાલાઘોડા ફેસ્ટિવલમાં મુંબઈમાં વર્ષો વિતાવનારાં અને હવે અમદાવાદ સેટલ થયેલાં હિરલ ભગતનો પણ એક સ્ટૉલ છે. બહુ જ યુનિક એવા આ સ્ટૉલમાં તમને જલસો પડી જવાનો જો તમને આર્ટ પ્રત્યે આકર્ષણ હોય. ધારો કે આર્ટ માટે આકર્ષણ ન પણ હોય તો પણ ગુજરાતી ભાષાના અક્ષરો કેટલા સુંદર રીતે લખાઈ શકાય એ જોઈને પણ તમે રોમાંચિત થઈ જશો. મજેદાર જર્ની


પહેલેથી જ આર્ટનો શોખ ધરાવતાં હિરલ ભગતનું એજ્યુકેશન પણ આર્ટનું છે. તેમણે ફાઇન આર્ટ્સમાં અપ્લાઇડ આર્ટમાં ગ્રૅજ્યુએશન કર્યું છે. તેઓ કહે છે, ‘આર્ટનો શોખ હતો અને ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ પણ કર્યું હતું. જોકે ૨૦૦૭માં લગ્ન થયાં એટલે અમદાવાદથી મુંબઈ આવી ગઈ અને પછી ધીમે-ધીમે કામ ઓછું થતું ગયું, કારણ કે ૨૦૧૦માં મારો દીકરો જન્મ્યો પછી રીતસરનો બ્રેક લીધો. જોકે ૨૦૧૪માં મને કૅલિગ્રાફી શીખવાની ઇચ્છા થઈ હતી, જેના માટે મુંબઈની જ એક ઇન્સ્ટિટ્યૂટમાંથી બેઝિક અને ઍડ્વાન્સ કોર્સ કર્યો. ઇન ફૅક્ટ કૉલેજમાં હતી ત્યારથી જ આર્ટના આ ફૉર્મ પ્રત્યે ખૂબ આકર્ષણ હતું પણ એક્સપ્લોર કરવાની તક ન મળી. એક સબ્જેક્ટ તરીકે ભણી હતી. જોકે ત્યારે પણ અને આજે પણ કૅલિગ્રાફીની બાબતમાં આપણે ત્યાં કોઈ સ્કોપ નથી એવું માનવામાં આવતું. માત્ર સર્ટિફિકેટ બનાવવામાં અને લગ્નની કંકોતરી લખવા માટે થોડાક ફૅન્સી શબ્દો વાપરવાના એટલી જ તેની રેન્જ હતી. છતાં મુંબઈમાં તક મળી તો મેં એના ડિપ્લોમા કોર્સિસ કર્યા. શરૂઆત દેવનાગરી અને રોમન લિપિથી કરેલી પણ ત્યારે મનમાં હતું કે હું મારી માતૃભાષામાં કૅલિગ્રાફી આર્ટ શીખું. લગભગ ત્રણેક વર્ષ આમ જ ગયાં પણ પછી ૨૦૧૭માં અમદાવાદ પાછા જવાનું બન્યું ત્યારે મનોમન નક્કી કર્યું હવે તો હું ગુજરાતીમાં કૅલિગ્રાફી શીખીશ જ. શીખવવાવાળું તો કોઈ હતું નહીં પણ મુંબઈના જ શબ્દો પર કામ કરતા એક એનજીઓ પાસે ગુજરાતી કૅલિગ્રાફીના શબ્દોનું બેઝિક મૅન્યુઅલ હતું. મેં એનો અભ્યાસ કર્યો અને પછી ધીમે-ધીમે જાતે જ એમાં ડિઝાઇનિંગ વધારતી ગઈ. લૉકડાઉન દરમ્યાન ઇન્ટરનૅશનલ લેવલના કૅલિગ્રાફીના ઘણા કોર્સિસ પણ કર્યા.’


આ પણ વાંચો :  જીભની સંભાળ એટલે આખા શરીરની સંભાળ

લોકોને મહત્ત્વ સમજાયું

સામાન્ય રીતે પહેલી તારીખે પગાર આવતો હોય એવાં જ કામ કરવામાં સાર છે એવું ગુજરાતી પરિવારમાં આજે પણ બહુ જ રિલિજિયસલી મનાય છે. હિરલબહેન કહે છે, ‘મારા પિયર પક્ષે તો આજે પણ એમ મનાય છે પરંતુ મારા હસબન્ડે આર્ટમાં આગળ વધવા માટે મને ખૂબ સપોર્ટ કર્યો. લકીલી હવે તો લોકો આ આર્ટ ફૉર્મ છે અને એની કેવી ઇમ્પૅક્ટ હોઈ શકે એવું પણ સમજતા થયા છે. જેમ-જેમ મારી હથોટી આવતી ગઈ એમ આ આર્ટને લોકો સામે મૂકવાની તાલાવેલી પણ વધતી ગઈ, પણ મારા માથે કોઈ મોટી ઇન્સ્ટિટ્યૂટનો ટૅગ પણ નથી એટલે સ્વાભાવિક હતું કે મારે જે પણ મહેનત કરવાની હતી એ જાતે જ કરવાની હતી. ધીમે-ધીમે સોશ્યલ મીડિયાના માધ્યમે હું વિવિધ આર્ટ ફેસ્ટિવલ સાથે જોડાઈ. ઍડ એજન્સી સાથે અસોસિએટ થઈને તેમને મારું કામ દેખાડ્યું. આ ફીલ્ડમાં મારા કૉન્ટૅક્ટ બનતા ગયા તો સાથે જ મારા કામને વ્યાપક બનાવવા ગુજરાતી ભાષા અને એની સંસ્કૃતિને વધુ ઊંડાણપૂર્વક સમજવા માંડી. આપણા કલ્ચર, આપણું સાહિત્ય, આપણું સ્થાપત્ય એમ બધામાં જ હું રસ લેતી થઈ ગઈ. તમે જો મારું કૅલિગ્રાફી આર્ટ જોશો તો તમને આ બધી જ ફ્લેવર એમાં દેખાશે.’

હિરલબહેને કૅલિગ્રાફીમાં ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. યુનેસ્કો, ઇન્ડો-ઈરાન એમ્બેસી સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની અનેક સંસ્થાઓએ તેમને વર્કશૉપ્સ અને ટ્રેઇનિંગ પ્રોગ્રામ માટે ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યા છે. તેમણે નૉન-ગુજરાતી અને નૉન-ઇન્ડિયન્સને પણ ગુજરાતી ભાષા કૅલિગ્રાફિક આર્ટ સાથે શીખવી છે. તેમણે કરેલા આર્ટવર્કને પણ અઢળક એક્ઝિબિશનમાં ડિસ્પ્લે કરવામાં આવ્યાં છે. અમદાવાદના ચબૂતરા પરથી તેમણે ‘લોકલ-ગ્લોબલ’ થીમ હેઠળ ચબૂતરાના આકારનું કૅલિગ્રાફિક આર્ટવર્ક બનાવેલું, જેને અમદાવાદ હેરિટેજ સુવેનિયરના કલેક્શનમાં સ્થાન મળ્યું છે. તેમ જ ઇન્ડો-ઈરાન એમ્બેસીએ પણ એને પોતાના કલેક્શનમાં રાખ્યું છે.

મારા માટે મેડિટેશન

હિરલ ભગત જ્યારે કૅલિગ્રાફી આર્ટનું કામ કરવા બેસે ત્યારે એક જુદા જ સ્ટેટમાં પહોંચી જતાં હોય છે. પોતાનો અનુભવ શૅર કરતાં તેઓ કહે છે, ‘કોને ખબર પણ એક જુદા જ પ્રકારની શાંતિ અને આત્મસંતોષનો અનુભવ મને આ આર્ટવર્ક કરતાં થતો હોય છે. કલાકો સુધી હું કામ કરતી બેસી રહી હોઉં અને ભૂખ ન લાગે, તરસ ન લાગે, ઊંઘ ન આવે. મારા માટે જાણે ટાઇમ અને સ્પેસ એક્ઝિસ્ટ જ ન કરતાં હોય એમ હું એનામાં ખોવાઈ જાઉં છું. મારા માટે આ એક જુદા જ પ્રકારનું મેડિટેશન છે. અક્ષરોમાં ડિઝાઇનિંગની દૃષ્ટિએ ઘણું થઈ શકે છે અને એ કરતી વખતે જે આનંદ આવે છે એના વિશે વર્ણન કરવું અઘરું છે.’

આમચી મુંબઈ

હિરલ ભગત માટે મુંબઈ ખાસ છે અને એટલે જ તેમના એક્ઝિબિશનની થીમ પણ મુંબઈ છે. તેઓ કહે છે, ‘આજે હું જે પણ કરું છું એ આ શહેરની દેન છે એમ કહું તો પણ અતિશયોક્તિ નથી. મને મારા કામ માટેનું એક્સપોઝર, એમાં ગ્રો થવાની તકો અને એને પોતાની ઓળખ ઊભી કરવાની આવડત આ શહેરે કેળવી આપી છે. આ શહેરે મને મારામાં રહેલી આવડતથી અવગત કરાવી તો સાથે જ સમયની વૅલ્યુ કરતાં પણ શીખવ્યું. 

દરેક પડકાર વચ્ચે પણ ટકી રહેવાનો સ્પિરિટ મુંબઈની હવાઓમાં શીખી છું એટલે જ કૅલિગ્રાફી આર્ટ, ગુજરાતી ભાષા અને કવિ શ્રી નિરંજન ભગતની મુંબઈ પરની અદ્ભુત કવિતાઓને એક 
જુદા સ્વરૂપમાં પ્રસ્તુત કરવાનું મેં નક્કી કર્યું. એટલે તમને ફ્લોરા ફાઉન્ટન કે ગેટવે ઑફ ઇન્ડિયા જેવા મુંબઈના આઇકૉનિક બિલ્ડિંગના આકારમાં મુંબઈ વિશેની કવિતાઓ વાંચવા મળશે.’

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2023 05:51 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK