સોમવારે બપોરના ૧.૩૨ વાગ્યા પછી રાતના ૯.૧૯ વાગ્યા દરમ્યાન રક્ષાબંધન કરી શકે છે.’
પ્રતીકાત્મક તસવીર
સોમવારે રક્ષાબંધન છે, પણ આ દિવસે જ્યોતિષશાસ્ત્ર મુજબ અશુભ ગણાતા ભદ્રાનો વાસ છે એટલે કયા સમયે રાખડી બાંધવી એની મૂંઝવણ છે. જોકે જ્યોતિષીના કહેવા મુજબ ભદ્રાનો વાસ સ્વર્ગલોક, પાતાળલોક અને પૃથ્વીલોક એમ ત્રણ પ્રકારનો હોય છે; જેમાં પૃથ્વીવાસ અશુભ તો સ્વર્ગવાસ અને પાતાળવાસ શુભ ગણાય છે.
મીરા રોડના શાસ્ત્રી દિનેશ રાજ્યગુરુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે રક્ષાબંધન છે ત્યારે અશુભ ગણાતા ભદ્રાનો વાસ છે એટલે બપોરના ૧.૩૦ વાગ્યા પછી જ રાખડી બાંધવાનું મુહૂર્ત છે એવું મોટા ભાગના સમજે છે. જોકે ભદ્રાવાસ ત્રણ પ્રકારનો હોય છે. ચંદ્ર જ્યારે મેષ, વૃષભ, વૃશ્ચિક અને મિથુન રાશિમાં હોય ત્યારે ભદ્રાનો વાસ સ્વર્ગલોકમાં; ચંદ્ર કન્યા, તુલા, ધનુ અને મકર રાશિમાં હોય ત્યારે પાતાળલોકમાં; ચંદ્ર કર્ક, સિંહ, મીન અને કુંભ રાશિમાં હોય ત્યારે પૃથ્વીલોકમાં ગણાય છે. સ્વર્ગલોક અને પાતળલોકમાં ભદ્રાનો વાસ શુભ ગણાય છે, જ્યારે પૃથ્વીલોકમાં વાસ હોય ત્યારે કોઈ શુભ કાર્ય નથી થઈ શકતું. સોમવારે ૧૯ ઑગસ્ટે મધરાત બાદ ૨.૨૧ વાગ્યાથી બપોરના ૧.૩૨ વાગ્યા સુધી ભદ્રાનો વાસ પાતાળલોકમાં છે. ભદ્રાનું મુખ નીચેની તરફ હોય ત્યારે એનો વાસ પાતાળલોકમાં હોવાનું કહેવાય છે. આથી અશુભ ગણાતો ભદ્રાવાસ હોવા છતાં કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે. બીજું, ભદ્રા શનિની બહેન છે એટલે આ સમયે બહેન ભાઈને રાખડી બાંધે તો શનિ પ્રસન્ન થાય છે. કોઈ ભાઈનો શનિ નબળો કે ખરાબ હોય તો ભદ્રાવાસ સમયે રાખડી બંધાવે તો તેને ફાયદો થઈ શકે છે. ઘણા લોકો ત્રણેય પ્રકારના ભદ્રાવાસને અશુભ ગણે છે એટલે તેઓ સોમવારે બપોરના ૧.૩૨ વાગ્યા પછી રાતના ૯.૧૯ વાગ્યા દરમ્યાન રક્ષાબંધન કરી શકે છે.’

