Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner

સહન કરવાની તૈયારી છે?

Published : 01 September, 2024 08:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રભુનો ધર્મ જન્મથી મળ્યો, પણ પ્રભુએ જે સહન કરવાની સાધના કરી એ આપણે ન કરી. એ ધર્મ કરીને પણ ધર્મનો એહસાસ નથી થતો

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ વિશેષ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ


કોઈએ પ્રભુને પૂછ્યું,


‘પ્રભુ! મારે મારી lifeને સાર્થક કરવી છે. પ્રભુ! હું શું કરું?



પ્રભુએ કહ્યું, ‘જેની સહન કરવાની તૈયારી હોય તે સાર્થક કરે. હું પરમાત્મા બન્યો એનું સૌથી મોટું secret એ છે કે મેં pain સાથે પ્રીત કરી હતી. મેં દરેક પ્રકારનાં કષ્ટો, વેદનાઓ, ઉપસર્ગો અને પરિસહોને welcome કરવાની અને એને સહન કરવાની તૈયારી કરી હતી.’


પ્રતિકૂળતાના પથ પર પગલાં પાડનાર પરમાત્મા બને છે, અનુકૂળતાનો માર્ગ પસંદ કરનાર સંસારમાં પરિભ્રમણ કરે છે.

અનુકૂળતા એ મનની લાચારી છે. જ્યાં મનની લાચારી હોય ત્યાં ધર્મસાધના કરવાની શક્યતા ઘટી જાય છે.


પ્રભુનો ધર્મ જન્મથી મળ્યો, પણ પ્રભુએ જે સહન કરવાની સાધના કરી એ આપણે ન કરી. એ ધર્મ કરીને પણ ધર્મનો એહસાસ નથી થતો. ચંદનબાળાએ પ્રતિકૂળતાનો સ્વીકાર કર્યો અને જેટલાં પણ કષ્ટો આવ્યાં એ સમભાવે સહન કર્યાં માટે જ પ્રભુ તેમના દ્વારે પધાર્યા, તેની મોક્ષયાત્રાને પ્રારંભ કરાવી.

પ્રતિકૂળતાને જે મિત્ર બનાવે છે, પરમાત્મા તેની સમીપ આવે છે.

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એ ક્ષમાપનાનો ઉત્સવ છે. ક્ષમાપના કેમ કરવી પડે છે? કેમ કે સામેવાળી વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક તમારી અનુકૂળતા પર, તમારી પ્રસન્નતા પર break મારી છે જે તમારાથી સહન નથી થઈ એટલે તેમની સાથેના સંબંધોમાં break લાગી ગઈ છે.

ધર્મની શરૂઆત સહનશીલતાના ગુણથી થાય છે.

એક હોય છે પરાણે પરિસ્થિતિને સહન કરવી અને એક હોય છે સ્વયંના સહનશીલતાના ગુણના કારણે ગમે એવી પરિસ્થિતિ સહજતાથી સહન થઈ જાય છે.

સહનશીલતામાં હંમેશાં સ્વીકારભાવ હોય છે.

ભગવાન મહાવીરના કાનમાં જ્યારે ખીલા માર્યા ત્યારે ભગવાન એનો પ્રતિકાર કરી શકે, એને અટકાવી શકે એટલું સામર્થ્ય ધરાવતા હતા છતાં ભગવાને શાંતિથી સમભાવે સહન કર્યું. ‘સહન કરવું પડે’ એવી ભગવાનની કોઈ લાચારી નહોતી; પણ સહનશીલતા તેમનો ગુણધર્મ હતો, આવેલી પ્રતિકૂળતા કર્મનો ઉદય છે એવી શ્રેષ્ઠ સમજ હતી.

ધર્મ એટલે કર્મના ઉદયે આવેલી પ્રતિકૂળતાને સ્વીકારવાની અને સહન કરવાની તૈયારી!

જેની સહન કરવાની તૈયારી હોય છે ત્યાં ધર્મ ખીલે પણ છે અને વિકસે પણ છે.

વિચાર કરો, ક્ષમા કોણ આપી શકે? જે સહન કરી શકે!

સંતોષ કોણ રાખી શકે? જે સહન કરી શકે!

નમ્રતા કોણ રાખી શકે? જે સહન કરી શકે!

સહનશીલતા અર્થાત્ tolerance power જેનામાં હોય તેના ચહેરા પર સદાય પ્રભુ જેવી પ્રસન્નતા હોય. તે ક્યારેય રડતો ન હોય, તે ક્યારેય moodless ન હોય.

મોટા ભાગના સંસારીઓ કદાચ સહન કરવું પડે એમ હોય ત્યાં અથવા સંબંધોને સાચવવા માટે પણ સહન કરી લે, પણ તે સહન કર્યાની ગણતરી કર્યા કરે એટલે તેના ચહેરા પર હંમેશાં ભાર હોય!

સહનશીલતા એ ધર્મનો શ્વાસ છે.

સહન કર્યા વિના જૈનત્વ ક્યારેય ખીલે નહીં.

તીર્થંકરના ભવમાં પણ પ્રભુએ કેટલા ઉપસર્ગોને સહન કર્યા ત્યારે તેમનો આત્મા સકલ કર્મોનો ક્ષય કરી ‘પરમાત્મા’પદને પામ્યો.

જેની સહન કરવાની તૈયારી છે તેની ભગવાન બનવાની શરૂઆત થાય છે.

Check કરો, સહન ન કરવાના કારણે તમે કેટલી વાર ગુસ્સો કર્યો હશે; કેટલી વાર કોઈને hurt કર્યા હશે; કેટલા રાગદ્વેષ કર્યા હશે; સહન ન કરવાના કારણે હિંસા, ચોરી, અસત્ય અને પરિગ્રહ કર્યાં હશે!

એક સહનશીલતાનો ગુણધર્મ ન હોવાના કારણે જાણતાં-અજાણતાં તમે 18-18 પ્રકારનાં પાપોનું સેવન કરી તમારા આત્માને દૂષિત કર્યો છે, સહનશીલતાના ગુણધર્મની વિરાધના કરી છે, કેટલાય પ્રકારનાં કર્મો બાંધ્યાં છે. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એ દૂષિત આત્માને શુદ્ધ કરવા માટે છે. આજે પ્રભુ અને ગુરુ સમક્ષ બે હાથ જોડી, મસ્તક નમાવી એક-એક પાપની, એક-એક ભૂલની, એક-એક દોષની માફી માગવાનો અવસર છે, આત્માને શુદ્ધ કરવાનો અવસર છે અને સહનશીલતાના ગુણને પ્રગટ કરવાનો અવસર છે.

જ્યારે વ્યક્તિ સહન નથી કરતી ત્યારે તે દ્વેષભાવમાં આવી જાય છે. દ્વેષની વિદાય તે જ કરી શકે જેની સહન કરવાની તૈયારી હોય, જેમની પાસે tolerance power હોય!

જેમની પાસે આ વર્ષે સહનશીલતાનો ગુણધર્મ આવી જશે તેમને આવતી સંવત્સરીની કોઈ જરૂર નહીં રહે.

જે સહન કરી લે છે તેના સંબંધો ક્યારેય બગડતા નથી. જેની સહન કરવાની તૈયારી હોય છે તેને કોઈ સાથે રાગદ્વેષ થતા નથી. જેની સહન કરવાની તૈયારી હોય છે તેને કોઈ સાથે મનદુ:ખ થતું નથી. જેની સહન કરવાની તૈયારી હોય છે તે કોઈને hurt કરતા નથી, કોઈની લાગણીને દુભાવતા નથી. માટે જ તેને કોઈની ક્ષમા માગવાની કે ક્ષમાપના માટે સંવત્સરીની જરૂર રહેતી નથી.

સહનશીલતાના ગુણધર્મને ખીલવવા માટે પ્રથમ મગજમાં જેના માટે જે કાંઈ ભર્યું હોય એ ખાલી કરવું પડે.

તમે જ્યારે સહન નથી કરતા ત્યારે તમે ગમે એ પ્રકારનાં reactions આપો છો. તમારાં એ reactionsને કારણે કેટલાયની આંખોમાં તમે આંસુ લાવ્યા હશો. તમારા ગુસ્સાના કારણે તમારા staffની આંખોમાં આંસુ આવ્યાં હશે. તમારા natureના કારણે તમારા સ્વજનોની આંખમાં આંસુ આવ્યાં હશે.

સ્વયંનાં આંસુઓથી અન્યની આંખોમાં વહાવેલાં આંસુઓના પાપને ધોવા માટે પર્યુષણ છે.

જેટલા તમે પશ્ચાત્તાપનાં આંસુઓથી સ્વયંને ભીંજવશો એટલું તમારું heart soft થશે અને heart soft થશે તો જ સહન કરવાની તૈયારી થશે.

જે સહન નથી કરતા તે સ્વયં તો દુખી થાય છે, પણ આસપાસવાળાને પણ દુખી કરે છે. જે સહન નથી કરતા તે problems create કરે છે, તે વાતાવરણને અશાંત કરે છે.

જે સહન કરે છે તે સિદ્ધ થાય છે.

તમે જેટલું સહન કરશો એટલા સિદ્ધત્વની નજીક જશો.

સહન કરવા માટે reactionless બનવું જોઈએ.

તમે તપસ્યા કરો, તમે શરૂઆતમાં જ મનને message આપી દો કે મારે આ પર્યુષણમાં અઠ્ઠાઈ તો કરવી જ છે. ભલે મને ભૂખ લાગે, ભલે મારું માથું દુખે, ભલે મને પિત્ત થાય; ‘મારી સહન કરવાની તૈયારી છે.’

પ્રભુએ સ્વયં સહન કરી સહન કરવાનો, સહનશીલતાનો ગુણધર્મ આપણને આપ્યો છે. આપણે પણ એ ગુણધર્મને વિકસાવી આપણા આત્માને પરમાત્મા બનાવવાનો પુરુષાર્થ કરવો એ જ પ્રભુના શ્રાવક તરીકેનું આપણું કર્તવ્ય છે.

પ્રભુ કહે છે,  જો તારી સહન કરવાની તૈયારી છે તો મારી તને મોક્ષમાં welcome કરવાની તૈયારી છે.

પ્રભુની જેમ pain સાથે પ્રીત કરી આજે થોડું pain સહન કરવાની તૈયારી રાખશો તો એક દિવસ જન્મ-મરણના, સંસાર પરિભ્રમણના painનો અંત થઈ જશે.

Pain સાથે પ્રીત ક્યારે થાય? પરિભ્રમણનો અંત ક્યારે થાય? જ્યારે સહન કરવાની તૈયારી હોય!

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2024 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK