વ્યક્તિનું જીવન હળવાશ ભરેલું અને આનંદથી છલોછલ થઈ જતું હોય છે, પણ એ કરવા માટે ચોક્કસપણે છપ્પનની છાતી જોઈએ
પ્રતીકાત્મક તસવીર
સ્વજન પ્રત્યેની લાગણી ભલેને ગમે તેટલી જબરદસ્ત હોય છે, ભલે ગમે એટલો અખૂટ પ્રેમ હોય પણ એની અંતિમ વિદાય થઈ ગયા બાદ એના શબનો માણસ શક્ય એટલો વહેલો અગ્નિસંસ્કાર કરી જ દે છે.
મીઠાઈ ગમે તેટલી સ્વાદિષ્ટ અને આકર્ષક ભલેને હોય, ગમે એટલી મોંઘી પણ ભલેને હોય એ વાસી થઈ ગયા બાદ, એના પર ફૂગ ચડી ગયા બાદ માણસ પળભરમાં એનો નિકાલ કરી જ દે છે.
પોતાના સોહામણા હાથ પર માણસને ભલેને ગમે તેટલું આકર્ષણ હોય, એની આવશ્યકતા અપરંપાર હોય તો પણ એ હાથમાં ગૅન્ગ્રીન થઈ ગયા બાદ સ્વજીવનને બચાવવા માણસ એ હાથને કપાવી જ નાખે છે.
પ્રશ્ન એ છે કે માણસ વર્તમાનને સ્વસ્થ અને સલામત રાખવા પોતાની છાતી પર પથ્થર મૂકીને પોતાને મનગમતી વસ્તુઓ અને વ્યક્તિઓને છોડી દેવાનું પરાક્રમ જો કરીને જ રહે છે તો પછી જે ભૂતકાળના પ્રસંગોની સ્મૃતિ પોતાના મનને ખળભળાવતી રહે છે એ સ્મૃતિને માણસ શા માટે મમળાવતો રહે છે?
બે જ કારણ હોઈ શકે. એક તો બદલાની ભાવના. તક મળે તો પોતાને જેનાથી નુકસાન થયું છે કે હેરાનગતિ થઈ છે એને દેખાડી દેવાની ભાવના અને કાં તો કટુ ભૂતકાળને સ્મૃતિપથ પર રાખતા રહીને મનને આનંદમાં રાખવાની કુત્સિત વૃત્તિ.
એક અપેક્ષાએ કહેવું હોય તો એમ કહી શકાય કે ઉત્તમનાં વચનોને અને ઉત્તમ દ્વારા થયેલા ઉપકારોને સ્મૃતિપથ પર રાખવા સહેલા છે, પણ અધમનાં વચનોને અને પ્રાકૃત માણસો દ્વારા થયેલા નુકસાનને કે હેરાનગતિને ભૂલી જતાં તો નવનેજાં પાણી ઊતરી જાય છે અને આ જ સંસારી જીવનની નરી વાસ્તવિકતા છે.
વર્ષો પહેલાં જામનગરમાં મળવા આવેલા એ ભાઈએ જે વાત કરી એનું શ્રવણ આજે પણ મનને આનંદિત કરી દે છે.
મળવા આવેલા એ ભાઈના શબ્દોમાં જ વાત સાંભળીએ.
આવેલા ભાઈએ બે હાથ જોડ્યા અને વાત શરૂ કરી.
‘મહારાજ સાહેબ, ધંધો બહોળો છે અને કમાણી પણ ચિક્કાર છે. ધંધો અને કમાણી હોય તો સ્વભાવિક રીતે ઘરાકો પણ બેસુમાર હોય એ સમજી શકાય છે. એકલા રોકડેથી ધંધો ચલાવવાનું કદાચ અશક્ય નહીં, પણ હોય તોય ભારે કઠિન તો છે જ.’
એ ભાઈ વાત કરવામાં મશગૂલ થઈ ગયા હતા.
‘ધંધો ઉધારીમાં પણ ચલાવવો પડે અને સાથોસાથ તમારે ત્યાંથી હોલસેલમાં માલ લેતાં નાના વેપારીઓને માલ ઓછી કિંમતમાં પણ આપવો પડે અને એમાં ઉધારી પણ કરતાં રહેવી પડે.’
‘બરાબર છે...’
‘સાહેબજી, ૨૫થી ૩૦ જેટલા વેપારીઓને મેં ઓછા નફે માલ આપ્યો હતો અને એ માલ ઉધાર આપેલો. એમના તરફથી મને ચેકો પણ મળી ગયેલા, પણ એમાંનો એક પણ ચેક હું બૅન્કમાં વટાવી શક્યો નહીં, કારણ કે એક પણ વેપારીનું ચેકમાં લખેલી રકમ જેટલું બૅન્કમાં બૅલૅન્સ જ નહોતું.’ વેપારીની આંખમાં ચમક આવી ગઈ હતી, ‘આવા ૨૫થી ૩૦ જેટલા ચેકો મારી પાસે પડ્યા હતાં. કોર્ટમાં કેસ દાખલ કરું તો એ તમામને હું સજા પણ કરાવી શકું એમ હતો. જ્યારે જ્યારે એ ચેકો પર મારી નજર જતી હતી ત્યારે ત્યારે મારું મન આવેશગ્રસ્ત પણ બની જતું હતું, પણ પછી આજે મેં એવું પગલું ભરી લીધું જેની હિંમત મારામાં ક્યાંથી આવી એ મને આજેય સમજાતું નથી...’
‘શું કર્યું તમે?’
‘મહારાજ સાહેબ, સંપત્તિ-કેન્દ્રિત દુર્ધ્યાનથી અને વ્યક્તિ-કેન્દ્રિત દુર્ભાવથી મનને મુક્ત કરી દેવા એક જ ઝાટકે મેં એ તમામ ચેકો ફાડી નાખ્યા. એ ચેક ફાડીને જ સીધો અહીં પ્રવચન સાંભળવા આવ્યો છું...’ એ ભાઈના ચહેરા પર જે ખુશી હતી એ આજે પણ મારી આંખો સામે છે, ‘હવે જે હળવાશ અનુભવાઈ રહી છે એનું હું શબ્દોમાં વર્ણન કરી શકું તેમ નથી, મનને જે શાંતિ મળી રહી છે એ હું તમારી પાસે, તમારી સામે વ્યક્ત કરી શકું એમ નથી.’
બસ, આવી જ કંઈક અત્યારે મારી પણ અવસ્થા છે.