મારી ક્ષમાપનામાં સ્પીડબ્રેકર : ચીટિંગ - સ્વાર્થ ચીટિંગનો શ્વાસ હોય છે. સ્વાર્થ વિના ક્યારેય કોઈ કોઈને ચીટ ન કરે. ચીટિંગ એ જ વધારે કરે જે પોતાને વધારે બુદ્ધિવાળા માનતા હોય. સરળ વ્યક્તિને ક્યારેય કોઈની સાથે ચીટિંગ કરવાનો વિચાર ન આવે

પ્રતીકાત્મક તસવીર
મારી ક્ષમાપનામાં સ્પીડબ્રેકર : ચીટિંગ
સંસારમાં ઘણા લોકો કહેતા હોય છે, તેણે મને દગો આપ્યો, તેણે મારી સાથે માયા-કપટ કર્યાં, તેણે મારી સાથે ચીટિંગ કરી, તેણે મારી સાથે મીઠી-મીઠી વાત કરી મને છેતરી લીધો.
ભગવાન કહે છે, તેણે તને છેતર્યા નથી. તેં પાસ્ટમાં જે ઍક્શન કરી હતી એનું જ રીઍક્શન આવ્યું છે.
જેણે કોઈને છેતર્યા ન હોય તેને આ જગતમાં કોઈ છેતરી જ ન શકે.
ગુસ્સો કર્યા પછી વ્યક્તિને પ્રાઉડ ફીલ ન થાય, કદાચ પસ્તાવો થાય પણ ચીટિંગ કર્યા પછી તો વ્યક્તિને પ્રાઉડની ફીલિંગ્સ આવતી હોય છે.
મોટા ભાગની વ્યક્તિની અંદર જે ડંખ હોય, જે કાંટાની જેમ ખૂંચતો હોય, જે અંદરથી નેગેટિવ ભાવ લાવતો હોય, જે મનને અશાંત કરતો હોય, જે ઊંઘને ડિસ્ટર્બ કરતો હોય; એ હોય ચીટિંગનો ભાવ. એ હોય છેતરાયાનો ભાવ!
પરમાત્માનો વારસ ક્યારેય કોઈની સાથે માયા-કપટ ન કરે. એ પોતાનું નુકસાન સહન કરી લે પણ સામેવાળાને નુકસાન કરવાનો વિચાર ક્યારેય ન કરે.
યાદ રાખજો, સ્વાર્થ ચીટિંગનો શ્વાસ હોય છે. સ્વાર્થ વિના ક્યારેય કોઈ, કોઈને ચીટ ન કરે.
ચીટિંગ એ જ વધારે કરે, જે પોતાને વધારે બુદ્ધિવાળા માનતા હોય. સરળ વ્યક્તિને ક્યારેય કોઈની સાથે ચીટિંગ કરવાનો વિચાર ન આવે.
સત્યથી વધારે બતાડવું, એને શો કહેવાય અને શો પણ એક પ્રકારની ચીટિંગ કહેવાય.
સામેવાળી વ્યક્તિ પ્રત્યે અંદરમાં જરા પણ લાગણી નથી છતાં બહારથી મીઠી મીઠી વાત કરી, લાગણીનો શો કરવો એ પણ ચીટિંગ કહેવાય.
કદાચ પગ નીચે કીડી ચગદાઈ જાય તો મનમાં હાયકારો થઈ જાય કે મારાથી એક જીવ મરી ગયો. મને એનું પાપ લાગ્યું. પણ ક્યારેક આર્ટિફિશ્યલ સમાઇલ કોઈને આપો ત્યારે એવું લાગે કે તમે પાપ કરો છો?
ભગવાને કહ્યું છે, જેટલું હિંસાનું પાપ એટલું જ માયાનું પાપ! ચીટિંગ એટલે માયા. ચીટિંગ એટલે છળકપટ!
ભગવાને ૧૮ પ્રકારનાં પાપસ્થાનક બતાવ્યાં છે; હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ આદિ એ અઢારે પાપસ્થાનકમાં એકસરખું પાપ લાગે છે.
જ્યારે આર્ટિફિશ્યલ સ્માઇલ આપતા હો ત્યારે ફીલ થાય કે હું ‘માયા’ નામનું પાપ કરું છું, જે એક જીવની હિંસા જેટલું જ છે? ના, નથી થતું.
પહેલાંના શ્રાવકોની નિષ્ઠા હતી, જેવા અંદર એવા જ બહાર! તેઓ ક્યારેય આર્ટિફિશ્યલ શો કરવાવાળા નહોતા. તેઓ ટ્રાન્સપરન્ટ હતા. ટ્રાન્સપરન્સીને પરમાત્માએ એક સાધના કહી છે, એક પ્રકારની તપસ્યા કહી છે કેમ કે પારદર્શક બનવામાં ઘણીબધી પીડા સહન કરવી પડે.
પરમાત્માનો સાચો વારસદાર જેવો અંદર હોય એવો જ બહાર હોય.
જેમ સિંહણનું દૂધ ભરવા માટે સોનાનું પાત્ર જોઈએ તેમ વીરના વારસદાર બનવા માટે હૃદયનું શુદ્ધ પાત્ર જોઈએ.
આ કાળમાં સર્વશ્રેષ્ઠ ધર્મ શું છે?
પ્યૉર હાર્ટ એ સૌથી ફર્સ્ટ અને સૌથી શ્રેષ્ઠ ધર્મ છે.
તમે કહેશો, ગુરુદેવ! આ કાળમાં પ્યૉર હાર્ટ અને ટ્રાન્સપરન્ટ રહીએ તો ડગલે ને પગલે લોકો ચીટ કરી જાય.
યાદ રાખજો, જેટલા પણ આત્માઓ ચીટ થાય છે, એ થોડા સમય માટે ચીટ થાય છે પણ લાંબા સમય માટે તો સક્સીડ જ થાય છે કેમ કે, પ્યૉર હાર્ટવાળાનાં પુણ્ય દિવસે દિવસે વધતાં હોય છે અને ચીટ કરવાવાળાનાં પુણ્ય દિવસે-દિવસે ઘટતાં હોય છે.
જેનામાં ચીટિંગનો નેચર ન હોય, તે સદાય પ્રગતિ કરતા હોય.
સંબંધનો શ્વાસ વિશ્વાસ હોય છે.
ચીટિંગના કારણે જ્યારે એ વિશ્વાસ તૂટે છે ત્યારે એટલું દુઃખ થાય, એવી વેદના થાય, જેના કારણે ગુસ્સો આવે. ગુસ્સો દ્વેષ લાવે અને દ્વેષ જનમ-જનમનું વેર બની જાય.
માટે જ જનમ-જનમના વેરની ક્ષમાપના અને આ જનમની ચીટિંગની ક્ષમાપના કરી લેવી. એ જ આ ભવને સુધારવાનો અને સાર્થક કરવાનો ઉપાય છે.
‘મેં તમારી સાથે ચીટિંગ કરી છે,’ આ શબ્દો કહેવા માટે પણ હિંમત જોઈએ અને સરળતા રાખવાની કિંમત ચૂકવવાની તૈયારી હોવી જોઈએ.
જે આ પ્રકારે કબૂલ કરે છે તેનાં કર્મો હળવાં થઈ જાય છે અને જે પોતાની ચીટિંગ કબૂલ નથી કરતાં, તેનાં કર્મો ભારે થઈ જાય છે.
માત્ર ચીટિંગ કરવાનું છોડવાનું નથી, અંદરમાં જેટલા ચીટિંગના સંસ્કારો પડેલા હોય એ સંસ્કારોને પણ શૂન્ય કરી દેવાના છે.
સંસાર છૂટે કે ન છૂટે, પણ જેની ચીટિંગ છૂટી જાય તે સંસાર સાગરને પાર કરી કિનારે પહોંચી જાય છે.
જેનો લોભ અને સ્વાર્થ ઘટે, એની ચીટિંગ ઘટે.
લોભ હોય પોતાના સ્ટેટસનો, નામનો, પોતાની પ્રતિષ્ઠાનો!
જેનામાં ચીટિંગની વૃત્તિ હોય તે ક્યારેય વીતરાગી ન બને
તમને કદાચ કોઈ છેતરી જાય તો ભલે છેતરી જાય. કોઈ દગો કરી જાય તો ભલે કરી જાય. તમારે એક જ વાક્ય યાદ રાખવાનું; મારે સરળ બનવું છે, મારે પારદર્શક બનવું છે.
જે સરળ બને તે સિદ્ધ થાય છે.
પારદર્શક બનવું એટલે પ્યૉર હાર્ટના બનવું. પ્યૉર હાર્ટ એ પરમાત્મા બનવાનું સ્ટેપ છે.
આ જગતમાં બધા માનતા હોય કે અમે એકબીજાના છીએ પણ બધા પોતપોતાના સ્વાર્થના હોય છે. સ્વાર્થીને સ્વાર્થ પૂરો કરવા, કોઈને ચીટ કરતાં ક્ષણની પણ વાર ન લાગે.
પરમાત્માનો વારસ ક્યારેય સ્વાર્થી ન હોય એટલે તેને કોઈને ચીટ કરવાનો વિચાર પણ ન આવે. એ તો સરળ, પારદર્શક અને પ્યૉર હાર્ટવાળો હોય.
ચીટિંગથી બચવા આપો સેલ્ફ કમાન્ડ :
સોહિ ઉજ્જુય ભૂયસ્સ...
... પરમાત્માએ કહ્યું છે, જે સરળ હોય તે સિદ્ધ થાય.
માટે જ આ ભવમાં સેલ્ફને કમાન્ડ આપો,
‘મારે ચીટિંગ કરવી નથી, મારે સરળ બનવું છે.
મારે કોઈને છેતરવા નથી, મારે કોઈના ભોળપણનો લાભ લેવો નથી.’
- રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.