મને અકળામણ થવા માંડી, તું નામનો સાધર્મિક અને તને આ ઉત્કૃષ્ટ સાધર્મિક ગણી આ રીતે સત્કારે છે તે તારામાં એવી લાયકાત છે ખરી? અજાણ્યા માણસો તને આટલો પ્રેમ આપે છે ને તને જૈન તરીકેની કોઈ ફરજ-લાયકાત કેળવવી ગમે છે ખરી?
ફાઈલ તસવીર
સાધર્મિક ભક્તિ ‘મારું એ મારું...’ની સ્વાર્થી વૃત્તિને દૂર કરે છે. દુનિયાનાં-બજારનાં સ્થાનો કે જ્યાં ધર્મ યાદ આવવો દુર્લભ છે ત્યાં પોતાના તિલકથી અને વ્યવહારથી ધર્મની યાદ અપાવનારા સાધર્મિકની ભક્તિનો ધર્મ બાકીના તમામ ધર્મોથી ચડી જાય છે. પતિને પરણતી સ્ત્રી પતિનાં સગાંઓને પોતાનાં સગાં ગણે છે. એમ પ્રભુને વહાલા કરનારો પ્રભુનાં સગાં ગણાતા જૈનોને સાધર્મિક ગણી ગળે વળગાડે છે.
શાસ્ત્રમાં એમ કહ્યું છે કે બુદ્ધિરૂપી વજનકાંટામાં એક બાજુ બીજા બધા ધર્મ મૂકો અને બીજી બાજુ માત્ર એક સાધર્મિક ભક્તિ મૂકો તો બંનેનું વજન સરખુ થશે. અર્થાત્ બીજા બધા આચરેલા ધર્મથી જે પુણ્યકમાણી વગેરે થાય એ પુણ્યકમાણી સાધર્મિક ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય છે, કારણ કે આજનો સાધર્મિક કાલે તીર્થંકર, ગણધર, યુગપ્રધાન આચાર્ય કે શાસનપ્રભાવક શ્રાવક હોઈ શકે છે.
ADVERTISEMENT
આજે ઘણે ઠેકાણે લાખો રૂપિયા ખરચનારાને પણ સાધર્મિકને ઘરે લઈ જઈ પ્રેમથી જમાડવા નથી ગમતા. અરે ભાઈ! આ જમાડવાનું નથી, ધર્મસંબંધ જોડવાની ભૂમિકા છે. મુંબઈનો એક તદ્દન નાસ્તિક છેલછબીલો યુવક સુરેન્દ્રનગર આવ્યો. ત્યાં ઉપાશ્રયમાં બિરાજમાન આચાર્ય ભગવંતને નમ્યા વિના જ - હાથ પણ જોડ્યા વિના પત્ર આપી કહ્યું, હું ધંધાર્થે અહીં આવ્યો છું. અમુક હોટેલમાં ઊતર્યો છું. તમારા ભક્તે તમને પહોંચાડવા આ પત્ર આપ્યો છે. જવાબ લખવો હોય તો લખી રાખજો. સાંજે લઈ જઈશ. બસ, આટલું કહી રવાના થતો હતો ત્યાં જ ત્યાંના ટ્રસ્ટી પૂજા કરી વંદન માટે ઉપાશ્રયમાં આવ્યા. આ યુવકને બહારગામનો જાણી પોતાના ઘરે લઈ જવા આગ્રહ કરવા માંડ્યા.
પેલા યુવકે કહ્યું, હું નામનો જૈન છું. હું દર્શન કરવા પણ જતો નથી. મને એમાં શ્રદ્ધા નથી. હું કોઈ સાધુને વંદન કરવાય જતો નથી. કંદમૂળ પણ ખાઉં છું. રાતના પણ ખાઉં છું. બધી વાતે પૂરો છું. મને કોઈના ઘરે જમવું ગમતું નથી. તેથી નહીં આવું. મેં તો આમને પણ વંદન કર્યાં નથી. માત્ર પત્ર પહોંચાડવા આવ્યો છું. પેલા શ્રાવકે વાત પકડી લીધી. તમે ઉપાશ્રયમાં પધાર્યા અને આચાર્ય ભગવંત પાસે આવ્યા એટલે અમારા મોંઘેરા સાધર્મિક ગણાઓ. ઘરે પધારવું જ પડશે. આચાર્ય ભગવંતે પણ એ યુવકને સંકોચ રાખ્યા વગર જવા કહ્યું.
અતિ આગ્રહ સામે જવું પડ્યું. જમીને આવ્યા પછી તરત જ આચાર્ય ભગવંતના પગે પડી ખોળામાં માથું મૂકી ધુસ્કે ધ્રુસ્કે રોવા માંડ્યો. જીવનમાં કરેલાં બધાં પાપોનો એકરાર કરી લીધો. આચાર્ય ભગવંત પાસે કંદમૂળ-રાત્રિભોજન ત્યાગ-પૂજા વગેરે ઢગલાબંધ નિયમો લઈ લીધા. આખી વિચારધારા-જીવનધારાએ યુ ટર્ન લઈ લીધો. પછી આ અચાનક પરિવર્તન માટે આચાર્યભગવંતે કારણ પૂછ્યું.
યુવકે કહ્યું, હું તદ્દન નાલાયક હોવા છતાં પેલા શ્રાવકે મને સાધર્મિક ગણી જે પ્રેમથી મિષ્ટાન્ન ભોજન જમાડ્યું. એમના ઘરની દરેક વ્યક્તિએ મારા પ્રતિ જે લાગણી બતાવી અને છેવટે પહેરામણીમાં ચાંદલો કર્યો. એ મેં કદી ઘરે પણ અનુભવ્યું નથી. મને અકળામણ થવા માંડી, તું નામનો સાધર્મિક અને તને આ ઉત્કૃષ્ટ સાધર્મિક ગણી આ રીતે સત્કારે છે તે તારામાં એવી લાયકાત છે ખરી? જૈન સાધર્મિક તરીકેની એકમાત્ર ઓળખ પર આ અજાણ્યા માણસો તને આટલો પ્રેમ આપે છે ને તને જૈન તરીકેની કોઈ ફરજ-લાયકાત કેળવવી ગમે છે ખરી?
સાહેબ! શું વાત કરું? આ શ્રાવકનું પવિત્ર ધાન્ય મારા પેટમાં ગયું ને મારા હૃદયમાં તોફાન જાગી ગયું! મેં નક્કી કરી લીધું, હવે મારે આ ભોજન અને આ પહેરામણીને યોગ્ય બનવું જ પડશે! અને સાહેબ, આપ પાસે આવી મેં મારી જિંદગીની કાળી બાજુ બતાવી દીધી!
વાત આ છે - સાચી સાધર્મિક ભક્તિ શું કમાલ કરી શકે છે! સાધર્મિક ભક્તિનો અર્થ જ છે હંમેશાં સાધર્મિકને પોતાના-વહાલા જ ગણવાના. સવચંદ શેઠની આંખનાં આંસુ સાથે લખાયેલી સવા લાખ રૂપિયાની હૂંડી સોમચંદ શેઠે સાધર્મિકના નાતે જ સ્વીકારી લીધીને! અને તેમની ઇજ્જત રાખીને! આ સાધર્મિક સંબંધને અમર કરતી સ્મૃતિરૂપે ઊભી છે શત્રુંજય પર સવા-સોમાની ટૂંક!
વર્તમાનમાં પણ એક ભાઈએ ધંધામાં પોતાના કટ્ટર હરીફને દેવાળું ફૂંકવાની નોબત આવી છે એમ જાણી રાતે બાર વાગ્યે રોકડા વીસ લાખ રૂપિયા ખાનગીમાં આપીને એમની ઇજ્જત બચાવી - એક જ કારણસર કે મારા સાધર્મિકની ઇજ્જત જાય એટલે મારા ધર્મની અને એ રીતે મારી ઇજ્જત જાય. આજે કેટલાક લોકો સાધર્મિકોના જ પૈસા ડુબાડી દેવાળું ફૂંકે છે -પછી પોતે જલસા કરે છે ને સાધર્મિક રોતો રહી જાય છે - આ તદ્દન અનુચિત છે. કુમારપાળ રાજાએ પોતાના ગુરુ કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજને જાડું કપડું પહેરવા બદલ ટકોર કરી કે એમાં મારી આબરૂ જાય છે. ત્યારે ગુરુદેવે કહ્યું, સાધુ સારાં કપડાંથી નહીં, નિર્દોષ સાદાં કપડાંથી શોભે! પણ તને ખરી શરમ આવતી હોય તો મને આવું કપડું વહોરાવનાર સાધર્મિકની કેવી કંગાલ હાલત હશે એ વિચારી શરમ આવવી જોઈએ. તું મોટો રાજા અને તારા રાજમાં આવા ગરીબ સાધર્મિક હોય એ શરમની વાત ગણાય. આ ટકોર પછી કુમારપાળ રાજા દર વર્ષે એક કરોડ સોનામહોર સાધર્મિક ભક્ત ખાતે વાપરતા હતા.
આજે સમૃદ્ધ જૈનો ફૉરેન ટૂર, ઉપભોગનાં સાધનો, ફૅશન, મોજશોખમાં જે રીતે પૈસા ઉડાવી રહ્યા છે અને પછી સાધર્મિકને પચાસ રૂપિયા આપવાના આવે ત્યારે મોઢું બગાડે છે એ જોતાં કહેવું પડે કે જે જાતમાં પહોળા છે, તે બીજા માટે સાંકડા છે. સગા દીકરાને દર મહિને પૉકેટમની પેટે બેપાંચ હજાર રૂપિયા આપી દેનારા સાધર્મિકને ત્રણ મહિના પહેલાં સો રૂપિયા આપ્યા હોય ને પછી ફરીથી પેલો માગવા આવે તો તતડાવી નાખે છે - એ વખતે તો સો રૂપિયા આપેલા, વારંવાર શાના માગવા આવો છો? તો મારે પૂછવું છે કે સો રૂપિયા ઘરખર્ચ પેટે કેટલા દિવસ ચાલે?
છે આજે પણ એવા મહાનુભાવો કે જે દરેક બાબતમાં સાધર્મિકને આગળ કરે છે. એક શ્રીમંતે પેતાના પુત્રના વિવાહ અવસરે સમાજમાં શ્રીમંતોનો મોંઘી-મોંઘી થાળીનો જે દેખાડો કરવાનો ચીલો પડેલો એ તોડી મહેમાનોની સામાન્ય ભોજનથી ભક્ત કરી બચાવેલી રકમથી લગભગ ૭-૮ સાધર્મિકોનો ૧-૧ લાખ રૂપિયાનો વીમો ઊતરાવી દીધો. સાધર્મિકોનાં નામ જાહેર કર્યા વિના આ બાબતની પોતાના મહેમાનો આગળ જાહેરાત કરી એ બધાને પણ આ રીતે રૂપિયાને સાર્થક કરવા વિનંતી કરી.
વિહારના ક્ષેત્રોમાં ભાંગી ગયેલા ધંધાવાળા સાધર્મિકો આજે પણ સાધુ-સાધ્વી ભગવંતોની ભક્તિ કરે છે. તમે સંકલ્પ કરો-શક્ત પહોંચે તો ઓછામાં ઓછું એક સાધર્મિક કુટુંબને મારે બધી રીતે સાચવી લેવું. એમના મેડિકલ-ભણતર વગેરેનો ખર્ચ પણ ઉઠાવવો. ઘણા લોકો ચઢાવાનો વિરોધ કરે છે કે એમાં ગરીબ સાધર્મિકોને લાભ નથી મળતો. આ વિરોધ કરવો અયોગ્ય છે. એના કરતાં પોતે ચઢાવો લઈ એમને લાભ આપો! નક્કી કરો, સાધર્મિકના પૈસા ડુબાડવા નહીં, ડૂબતા સાધર્મિકોને ટેકો આપવો અને ક્યારેય સાધર્મિકની નિંદા તો નહીં જ કરું.
- પૂ. આચાર્ય શ્રીમદ વિજય અજિતશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબ
