Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જે દિવસે અંતિમ સંસ્કાર થયા એ જ દિવસે કાતિલ ડ્રાઇવર જેલની બહાર

જે દિવસે અંતિમ સંસ્કાર થયા એ જ દિવસે કાતિલ ડ્રાઇવર જેલની બહાર

Published : 01 September, 2026 07:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મલાડમાં સિગ્નલ પર ઊભેલા સ્કૂટરને બેફામ કારે ટક્કર મારી એમાં કચ્છી ઍડ્વોકેટ પ્રિયંકા સત્રાનો જીવ જતો રહ્યો

ઍડ્વોકેટ ‌પ્રિયંકા સત્રા અને તેમના પતિ મયંક.

ઍડ્વોકેટ ‌પ્રિયંકા સત્રા અને તેમના પતિ મયંક.


BJPના કૉર્પોરેટર પ્રવીણ છેડાએ પોલીસ-કમિશનરને પત્ર લખીને પોલીસ-સ્ટેશનમાં આરોપીને આપવામાં આવેલી VIP ટ્રીટમેન્ટની સઘન તપાસ કરવાની માગણી કરી

મલાડ-વેસ્ટના એસ. વી. રોડ પર મામલતદારવાડી જંક્શન પાસે રવિવારે રાતના ૮ વાગ્યે મલાડ સબવે તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ૩૮ વર્ષના મયંક સત્રા અને તેમનાં ૩૪ વર્ષનાં પત્ની અૅડવૉકેટ પ્રિયંકા સત્રાના ઍક્ટિવાને જોરદાર ટક્કર મારીને તેમને ઉડાડી દીધાં હતાં. આ અૅક્સિડન્ટમાં મયંક સત્રાને હાથમાં ગંભીર ઈજા થઈ હતી અને પ્રિયંકા સત્રા મૃત્યુ પામ્યાં હતાં. મલાડના કાપડના વેપારી મયંક સત્રા પોતાનાં બે નાનાં બાળકો માટે સ્કૂલની અને ખાવાની વસ્તુઓ લેવા પત્ની સાથે નીકળ્યા હતા.



રાજકીય વગ ધરાવતા ૭૧ વર્ષના કાર-ડ્રાઇવર ક્રિષ્ના ચમણકરે ત્યાર બાદ ૩ રિક્ષા સાથે કાર અથડાવી હતી. એમાં એક જણને કાન પર ઈજા થઈ હતી. કચ્છી દંપતી માટે મોત બનીને આવેલા ડ્રાઇવરને ત્યાર પછી પણ મલાડ પોલીસ-સ્ટેશનમાં પોલીસ-અધિકારીઓ તરફથી ધરપકડ કરતાં પહેલાં VIP ટ્રીટમેન્ટ આપવામાં આવતાં સ્થાનિક રહેવાસીઓ અને સત્રા પરિવારના સભ્યોમાં જબરદસ્ત આક્રોશ ફાટી નીકળ્યો હતો. રિટાયર્ડ કૉન્ટ્રૅક્ટર ક્રિષ્ના ચમણકરની ધરપકડ કર્યા પછી પોલીસે તેમને ગઈ કાલે બોરીવલી મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા હતા. અદાલતે તેમને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો, પણ આરોપીના વકીલે જામીનની અરજી કરી એને પગલે તેમને ૧૫,૦૦૦ રૂપિયાના બૉન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. ​પ્રિયંકા સત્રાના ગઈ કાલે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


ઘટના શું બની?
આ અકસ્માત બાબતની અને પોલીસની VIP ટ્રીટમેન્ટ સંદર્ભમાં માહિતી આપતાં પ્રિયંકા સત્રાના ભાઈ ધવલ ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે સાંજે પોતાના ઘરથી ૧૦૦થી ૧૫૦ મીટરના અંતરમાં આવેલી માર્કેટમાં મારાં બહેન-બનેવી તેમના ૭ વર્ષના પુત્ર અને ૬ વર્ષની પુત્રીની સ્કૂલ માટે અને તેમને ભાવતું ફૂડ લેવા માટે ઍક્ટિવા પર બહાર નીકળ્યાં હતાં. ખરીદી પૂરી કરીને તેઓ ઘરે પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે મામલતદારવાડી જંક્શનનું સિગ્નલ બંધ હોવાથી ત્યાં ઊભાં હતાં. થોડી વારમાં તેમની બાજુમાં રિક્ષા આવીને ઊભી રહી હતી. અચાનક પૂરઝડપે આવી રહેલી એક કારે પાછળથી આવીને રિક્ષાને અને મારા બનેવીના ઍક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. એમાં મારા બનેવીને ખભાને ગંભીર ઈજા થઈ હતી. મારી બહેન પ્રિયંકા પર કારનાં ટાયર ફરી ગયાં હોવાથી તે ઘટનાસ્થળે જ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી હતી. તેને તરત જ રિક્ષામાં નજીકની પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ત્યાંના ડૉક્ટરોએ પ્રિયંકાને મૃત જાહેર કરી હતી.’

મારા બનેવી મયંક ભાનમાં હોવાથી તેમને મલાડની તુંગા હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા એમ જણાવતાં ધવલ ગડાએ કહ્યું હતું કે ‘બનેવીએ તરત જ તેમના કઝિન મંથનને ફોન કરીને અકસ્માતની માહિતી આપી હતી. એટલે કઝિન બનેવી પાસે પહોંચી ગયો હતો અને ત્યાર પછી તેમણે બહેનને કઈ હૉસ્પિટલમાં લઈ ગયા એની તપાસ શરૂ કરી હતી. ખૂબ દોડાદોડી પછી તેમને બહેનને જે હૉસ્પિટલમાં લઈ ગયા હતા એ હૉસ્પિટલ મળી હતી, પણ પ્રિયંકાએ ત્યાં સુધી જીવ ગુમાવી દીધો હતો.’ 

લૉકઅપમાં મોબાઇલનો ઉપયોગ અને AC રૂમમાં બેસાડ્યાનો દાવો


ભારતીય જનતા પાર્ટી (BJP)ના નગરસેવક પ્રવીણ છેડાએ મુંબઈના પોલીસ-ક​મિશનર દેવેન ભારતીને લખેલા પત્રમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘અકસ્માત પછી પ્રિયંકાના પરિવારના સભ્યો અને સ્થાનિક રહેવાસીઓ મલાડ પોલીસ-સ્ટેશનમાં કાર-ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસ દ્વારા પ્રિયંકાના મૃત્યુને અને તેના પરિવારના દુઃખને ભૂલીને કાર-ડ્રાઇવરને કથિત રીતે વિશેષ સુવિધા આપવામાં આવી હતી.’

પ્રવીણ છેડાએ તેમની ફરિયાદમાં કહ્યું હતું કે ‘પોલીસ તરફથી ડ્રાઇવરને લૉકઅપમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી અને બેસવા માટે ખુરસી આપવામાં આવી હતી. ત્યાર બાદ મેડિકલ ચેકઅપના બહાને ડ્રાઇવરને લૉકઅપમાંથી બહાર કાઢીને પોલીસ-સ્ટેશનના પાછળના ભાગમાં આવેલા ઍર-કન્ડિશન્ડ રૂમમાં બેસાડવામાં આવ્યો હતો.’ 
પ્રવીણ છેડાએ પોલીસ-કમિશનરને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માગણી કરી છે. 


પત્નીનાં અંતિમ દર્શન કરવા હૉસ્પિટલમાંથી ઘરે
ધવલ ગડાએ કહ્યું હતું કે ‘મારા બહેન-બનેવીને એકબીજા માટે ખૂબ જ પ્રેમ અને લાગણી હતી. ગઈ કાલે પ્રિયંકાના અંતિમ સંસ્કાર પહેલાં મયંકભાઈ બહેનનાં અંતિમ દર્શન કરવા માટે હૉસ્પિટલમાંથી થોડી વાર ઘરે આવ્યા હતા. ત્યાર બાદ તેમની ખભાની સર્જરી કરવાની હોવાથી પાછા હૉસ્પિટલમાં ઍડ્મિટ થઈ ગયા હતા.’ . 

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2026 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK