પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની ભીતરમાં ચાલતા રાગ-દ્વેષ, કામ અને ક્રોધના મહાભારતને જીતવાનો પાવન સંદેશ આપે એ પર્યુષણ પર્વ.

પ્રતીકાત્મક તસવીર
પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની ભીતરમાં ચાલતા રાગ-દ્વેષ, કામ અને ક્રોધના મહાભારતને જીતવાનો પાવન સંદેશ આપે એ પર્યુષણ પર્વ.
આજનો માનવી જલદી મેળવી લેવાની ધૂનમાં જીવે છે. મનમાં દેખાદેખીના વિચારે પોતાનું ભાન ભૂલી જાય છે. પરિણામે મનનું પ્રદૂષણ વધતું જાય છે.
જીવની અવળી ચાલ જ જીવને દુખી બનાવે છે. આટલું ધ્યાન રાખો કે તમે કોઈનું મોઢું તોડવાની કોશિશ કરો છો? કોઈને નીચું દેખાડતા કાવાદાવા રચો છો? કોઈને પછાડવા, પાછા પાડવા તુક્કા લડાવો છો? કોઈને અપમાનિત કરવા ‘પ્લાન’ કરો છો; સંભવ છે એ જ શક્તિ તમારા વ્યક્તિત્વને ઉમદા બનાવવામાં સહાયક બની હોત.
જીવનસંગ્રામમાં પ્રતિકૂળ નિમિત્તો આવે ત્યારે જીવ સાવધાન ન રહે તો કર્મની કેદમાં જીવવું પડે છે. જીવન વ્યવહારમાં જીભને બુલડોઝર નહીં પાણીનો કુંજો બનાવજો, કેમ કે બુલડોઝર ઉખાડવાનું કામ કરે છે, જ્યારે કુંજો કુમળા છોડને ઉગાડવાનું કામ કરે છે.
‘છોડો વેરની ગાંઠ
એ જ પર્યુષણાનો પાઠ
તોડો રાગને દ્વેષ
એ છે પર્યુષણનો ઉપદેશ’
વર્ષ દરમ્યાન જે કંઈ વિષમતા–વૈમનસ્યતાનું સર્જન થવા પામેલ હોય તો એનું વિસર્જન કરી હૃદયમાં સ્નેહસરિતા વહેડાવવી પડશે.
દૂધમાંથી માખણ કાઢે એને જો માણસ કહેવાય. પથ્થરમાંથી મોતી કાઢે એને જો જાદુગર કહેવાય તો હૃદયમાંથી વેર અને ક્રોધ કાઢી નાખે તેને ‘સજ્જન’ કહેવાય.
જેની જીભમાં ઝેર એના જીવનમાં વેર. બોલીને જીવન બગાડવું ન હોય અને ખાઈને પેટ બગાડવું ન હોય તો જીભ ઉપર કન્ટ્રોલ શીખી જાઓ. કારણ કે શબ્દોમાં પરમાણુબૉમ્બ કરતાંય વધુ તાકાત છે.
ખુદની ભૂલે ગુસ્સો બીજા ઉપર ઉતારે તે અજ્ઞાની. ખુદની ભૂલ વિચારે અને સુધારે તે જ્ઞાની. પર્યુષણ પર્વ અંતરમાં ડોકિયું કરવા માટે છે. પોતાની ભૂલોનું સંશોધન કરવા માટે છે.
હાથ અને આંખને વિસામો આપો એ કરતાં પણ વધારે વિસામો તમારી જીભને આપો. જીભ જીતાય તો જગત જીતાય, કેમ કે વાદ મન બગાડે છે. સ્વાદ તન બગાડે છે. બન્નેને જીતે તે આબાદ બને છે.
‘તન બદલને સે ક્યા બદલેગા
બદલ શકો તો દિલ બદલો
ક્રોધ, ઘૃણા વેર કે વિષકો-
નિર્મલ પ્રેમ સુધામેં બદલો.’
પર્વાધિરાજ પર્યુષણાનો સંદેશ ઝીલીને જીવનધનને સમૃદ્ધ બનાવવાનું છે. ભગવાન મહાવીર સ્વામીના જીવનમાંથી પ્રેરણા લઈને ‘આચારે અહિંસા, વિચારે અનેકાંત અને વ્યવહારે અપરિગ્રહ’ અપનાવી જીવન સફળ બનાવવાનું છે.
જીવનમાં તપની સાધના ન થઈ શકે તો ‘ખાતા-પીતા’ શાંતિ રાખશો તો પણ બેડો પાર. નજીવા નિમિત્તોમાં ભળવાને બદલે-
‘ક્રોધની સામે ક્ષમા
માનની સામે નમ્રતા
માયાની સામે સરલતા
લોભની સામે સંતોષ’
કેળવવાનો છે. જોજો જીવન પાણીના રેલાવની જેમ પૂર્ણ ન થઈ જાય. વધુ કંઈ ન થઈ શકે તો ‘દાળમાં જો મીઠું લિમિટમાં નખાય તો દાળ સ્વાદિષ્ટ બને. જીવનમાં જો બોલવાનું લિમિટમાં રખાય તો જીવન સ્વાદિષ્ટ બને!’
(અહેવાલ: પૂજ્ય શ્રી ધીરગુરદેવજી મ.સા.)