કૃષ્ણએ તો સંભવામિ યુગે યુગે - જગતને જ્યારે જરૂર પડશે ત્યારે આવશે એવું વચન આપ્યું હતું, પણ લાગે છે કે કૃષ્ણને હજી એવું લાગ્યું નથી.
પ્રતીકાત્મક તસવીર
આપણને કોઈ કહે કે મહાભારતનાં મોટા ભાગનાં પાત્રો આજે પણ જીવતાં છે તો આપણે માનીએ? પણ જો આપણી આસપાસ નજર કરીએ અને જે-તે પાત્રોનું થોડું ઊંડું નિરીક્ષણ કરીએ તો લાગે કે યસ, મહાભારતનાં અનેક પાત્રો આજે પણ જીવતાં છે, એકમાત્ર કૃષ્ણ સિવાય.
જીવતાં પાત્રોમાં ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, દુ:શાસન, શકુનિ, ભીષ્મ પિતામહ, કર્ણ, દ્રોણાચાર્ય, યુધિષ્ઠિર સહિત મહાભારતનાં અનેક પાત્રો આજે પણ હાજરાહજૂર છે એવું કહી શકાય. માત્ર કૃષ્ણ હાજર નથી. કૃષ્ણએ તો સંભવામિ યુગે યુગે - જગતને જ્યારે જરૂર પડશે ત્યારે આવશે એવું વચન આપ્યું હતું, પણ લાગે છે કે કૃષ્ણને હજી એવું લાગ્યું નથી. એનો અર્થ એ થઈ શકે કે હજી બધું બરાબર ચાલી રહ્યું છે? આપણાથી એમ કહી શકાય નહીં.
ADVERTISEMENT
સમાજમાં નજર કરીએ તો કેટલાય પિતાઓમાં આજે પણ ધૃતરાષ્ટ્ર સ્પષ્ટ દેખાશે, ખાસ કરીને રાજકીય ક્ષેત્રમાં. તેમનો આંધળો પુત્રપ્રેમ આંખે ઊડીને વળગશે. ક્યાંક ગાંધારી પણ દેખાશે. પિતા ધૃતરાષ્ટ્ર હોય ત્યારે દુર્યોધન પણ ભરપૂર મળવાના-દેખાવાના. દુર્યોધન હોય અને દુ:શાસન ન હોય એ તો અસંભવ. દુ:શાસન તો લાખો-કરોડોમાં મળે. જોકે હવે ત્યાં દ્રૌપદીના ચીર પૂરતા હોય એવા કૃષ્ણના અદૃશ્ય હાથ જોવા મળતા નથી. શું અહીં પણ કૃષ્ણને આવવા જેવું નહીં લાગતું હોય?
અરે હા, શકુનિ તો ઠેર-ઠેર જોવા મળશે. તેની મેલી રમતો, તેનો સ્વાર્થ, તેની કૂટનીતિ, રાજકીય દિમાગના ખેલ બધે જ છવાયેલાં મળે. શકુનિને સમય સાથે કોઈ સંબંધ જ નથી. પ્રત્યેક યુગમાં શકુનિમામા હોલસેલમાં હાજરાહજૂર.
કર્ણને અને ભીષ્મ પિતામહને કઈ રીતે ભુલાય? કર્ણ કેટલો પણ બાણવીર અને દાનવીર રહ્યો; પરંતુ અધર્મનો સાથ આપનાર, દ્રૌપદીના ચીરહરણ વખતે ચૂપ બેસનાર, એકલા અભિમન્યુને મારનાર કર્ણ સમાજ માટે યોગ્ય છે? કહેવાતા ધર્મના કે કર્તવ્યના નામે કૌરવોનો સાથ આપનાર પરિવારના મોભી-વડીલ જેવા ભીષ્મ પિતામહને આજે કોણ પસંદ કરશે? કોણ વાજબી અને ન્યાયી માનશે કે સ્વીકારશે? આવાં બંધન? કયો ધર્મ મોટો? પિતામહે અપનાવેલો તે કે કૃષ્ણએ કહેલો તે?
જોકે હવે કુંતી અને દ્રૌપદી ન મળે, ચાલે પણ નહીં. અલબત્ત, કહેવાતા ધર્મરાજ યુધિષ્ઠિર આજે પણ મળી આવે, જેઓ જુગારમાં ધર્મ પણ ભૂલી ગયા હતા. આવા મોટા ભાઈના હાથે જુગારમાં ગિરવી મુકાઈ જનારા ભાઈઓ મળે? અરે, પતિના જુગારમાં પત્ની દાવ પર મુકાઈ જાય એવું આ કળિયુગમાં પણ ન બને.
આપણે આપણી ભીતર પણ જોવું જોઈએ કે આમાં આપણે કયું પાત્ર છીએ? જો આપણે અધર્મ કરનાર અને એમાં સાથ આપનાર પાત્ર હોઈએ તો તરત જાગી જવું જોઈએ. ભીતર કૃષ્ણને જગાડવા જોઈએ અને જાત સાથે યુદ્ધ કરીને આપણા સાચા ધર્મને જિતાડવો જોઈએ. કઈ રીતે? એ દરેકે પોતે નક્કી કરવું પડે.

