આધ્યાત્મિકતા આપણને એ શીખવે છે કે કોઈ પણ કર્મ કરતાં પહેલાં આપણે આત્માનો વધુ ને વધુ અભ્યાસ કરવાની જરૂર છે.
પ્રતીકાત્મક તસવીર
સામાન્યતઃ આપણે સહુ ધર્મ અને અધ્યાત્મને એકસમાન જ સમજતા હોઈએ છીએ પરંતુ વાસ્તવમાં ધર્મ અને અધ્યાત્મમાં ખૂબ જ મોટું અંતર છે. આધ્યાત્મિકતા મનુષ્ય આત્માના મૂળ ગુણ, સ્વભાવ અને સંસ્કારનું નામ છે અને એ સાર્વત્રિક સત્ય હોવાને કારણે ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ અને બધા જ ધર્મોના મનુષ્યોને સહજ સ્વીકાર્ય છે. દાખલા તરીકે આત્માનો મૂળ ધર્મ શાંતિ, પ્રેમ અને પવિત્રતા છે જે વિશ્વમાં દરેક વ્યક્તિની ચાહના છે અને એટલે જ એ સમાન રીતે દરેકને સ્વીકાર્ય છે. આત્મા અવિનાશી હોવાને કારણે એના આ ગુણ પણ અવિનાશી છે. આધ્યાત્મિકતા આપણને એ શીખવે છે કે કોઈ પણ કર્મ કરતાં પહેલાં આપણે આત્માનો વધુ ને વધુ અભ્યાસ કરવાની જરૂર છે. જેમ કે કર્મ કરતા સમયે આત્માની લાગણી કે સંવેદના શું છે? કર્મ કર્યા બાદ દુઆ મળશે કે બદદુઆ, આપણે આ બધાં પાસાંઓને અવગણીને કેવળ કોઈની મૌખિક વાહવાહી લૂંટવામાં રાજી ન થવું જોઈએ કારણ કે જીવનમાં વાસ્તવિક જીત કોઈનું માથું ઝુકાવીને નહીં, અપિતુ હૃદય ઝુકાવીને મળે છે. આપણે એ સમજવું જોઈએ કે કોઈ પણ ક્ષેત્રની કાર્યયોજનામાં મનુષ્યોની લાગણીઓની અનદેખી ઘાતક સિદ્ધ થઈ શકે છે, કારણ કે આખરે તો આ બાહ્ય શરીરનું સંચાલન એની અંદર બેઠેલા આત્માના હાથમાં જ છે અને અંદર બેઠેલી સત્તાની મનોસ્થિતિ જેવી હશે એવાં કર્મ એ શરીર દ્વારા કરાવશે. આમ આધ્યાત્મિકતા આપણને કર્મગતિનું જ્ઞાન પણ આપે છે. આધ્યાત્મિક પ્રેમી વ્યક્તિનો સમાજ અથવા દેશને કોઈ પણ પ્રકારે હાનિ પહોંચાડનારા કર્મ પર સદૈવ અંકુશ બનેલો રહે છે. સાચી આધ્યાત્મિકતાનો આધાર આપણા અંતરમાં ઉત્પન્ન થનારા સંકલ્પ અને વિચારો છે. આ સંકલ્પને હકારાત્મક રાખવા માટે જ્ઞાન તેમ જ ધ્યાનની પ્રૅક્ટિસ મહત્ત્વપૂર્ણ છે અને આ પ્રૅક્ટિસ માત્ર વ્યક્તિગત લાભ જ નહીં પણ સામૂહિક કલ્યાણ માટે પણ માર્ગદર્શક બની શકે છે. કમનસીબે આજે સમાજની અંદર અધ્યાત્મની ચર્ચા તો ખૂબ જ મોટા પાયે થઈ રહી છે, પરંતુ એની વાસ્તવિક્તા વિશે લોકોને જોઈએ એટલી જાણ હજી સુધી મળી નથી રહી. અને આ સ્થિતિને બદલવા માટે જ્ઞાન અને ચિંતનના મંચોને પ્રોત્સાહન આપવું જોઈએ. સમાજ તરીકે આપણે પોતાના ઘરમાં, શાળાઓમાં અને ઑફિસમાં પણ આધ્યાત્મિક મૂળભૂત બાબતોના અભ્યાસ માટે સમય ફાળવવો જોઈએ જેથી નવી પેઢીને એનું મહત્ત્વ સમજાય. આપણે એ જરાય ભૂલવું ન જોઈએ કે આપણું વ્યક્તિગત અને સામૂહિક કલ્યાણ યથાર્થ અધ્યાત્મના જ્ઞાન ઉપર જ નિર્ભર છે, અતઃ આપણે આડાઅવળા રસ્તે ભટકવા કરતાં સાચા અધ્યાત્મની શોધ કરીને એને પોતાના જીવનમાં અપનાવી સ્વ તેમ જ લોકકલ્યાણનું મહાન કાર્ય કરવું જોઈએ.
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી
ADVERTISEMENT
(રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી આંતરરાષ્ટ્રીય વક્તા, આધ્યાત્મિક શિક્ષાવિશ્લેષક, લેખક એવમ્ એક અનુભવી મેડિટેશન શિક્ષકના રૂપમાં પ્રસિદ્ધ છે.)

