સંસર્ગથી જ ગુણદોષો નિર્માણ થાય છે. આપણે ત્યાં પ્રચલિત કહેવતો ‘સંગ એવો રંગ’ અને ‘સોબત એવી અસર’ એ જ વાતનું સમર્થન કરે છે.
પ્રતીકાત્મક તસવીર
સાધુપુરુષના ઘરમાં પોપટ-મેનાઓ પણ ભગવાનના નામનું રટણ કરતાં હોય છે અને દુર્જનોના ઘરમાં એ પણ ગણી ગણીને ગાળો આપતાં હોય છે.
એક વાર એક શિકારી એક રાજા પાસે બે પોપટ વેચવા આવ્યો. રાજાએ કિંમત પૂછતાં તેણે એકની કિંમત એક રૂપિયો કહી અને બીજા પોપટની કિંમત હજાર રૂપિયા કહી. રાજાએ એનું રહસ્ય પૂછતાં શિકારીએ કહ્યું, ‘આપને થોડાક વખતમાં જ આ વાત પોતાની મેળે જ સમજાઈ જશે.’
ADVERTISEMENT
રાજાએ બન્ને પોપટનાં પાંજરાં પોતાના શયન કક્ષમાં મુકાવી દીધાં. બીજે દિવસે સવારમાં ઊઠીને રાજાએ જોયું તો એક પોપટ અશ્લીલ ગાળો બોલતો હતો, જ્યારે બીજો પોપટ મંગલાચરણના શ્લોકો બોલતો હતો. રાજાને બન્નેના મૂલ્યનો તફાવત સમજાઈ ગયો. ગાળો બોલનાર પોપટ પ્રત્યે રોષે ભરાઈને રાજા એને મારવા તૈયાર થયો ત્યારે સાિત્ત્વક પોપટે કહ્યું, ‘રાજાસાહેબ, એને મારો નહીં, એણે જે સાંભળ્યું છે એ જ એ બોલે છે.’
જે પોપટ કસાઈને ઘરે હતો એણે રોજ ગાળો અને ઘાંટા જ સાંભળ્યા હતા અને બીજો પોપટ મુનિના આશ્રમમાં હતો એથી તેમની કથા અને મધુર વચનો સાંભળતો હતો. સાિત્ત્વક પોપટે કહ્યું, ‘પેલા પોપટનો કોઈ દોષ નથી કે મારામાં કંઈ વિશેષ ગુણ નથી. સંસર્ગથી જ ગુણદોષો નિર્માણ થાય છે. આપણે ત્યાં પ્રચલિત કહેવતો ‘સંગ એવો રંગ’ અને ‘સોબત એવી અસર’ એ જ વાતનું સમર્થન કરે છે.
ભક્તો, સાધુજનોના સમાગમના વિષયમાં એક સુંદર ભાવ વિચારાયો છે. ‘આર્દ્રીકરણત્વમ્’ એક ભીંજાયેલા ભીના વસ્ત્રને કોરું સૂકું વસ્ત્ર સ્પર્શે છે તો કોરું વસ્ત્ર પણ ભીનું થઈ જાય છે, એમ ભક્તિમય જીવન જીવતા કોઈ સંત-મહાત્માના સાંનિધ્યને કારણે તેમ જ ભક્તિભાવથી સભર કોઈ વક્તાના મુખેથી ભક્તિ રસામૃતની કથા શ્રવણ કરવામાં આવે તો આપણા હૃદયમાંય એનો પ્રભાવ પડે છે એટલે જ વ્યક્તિએ જેવા બનવું હોય એવા સંગમાં રહેવું. સત્પુરુષોના વિચાર, વાણી અને વર્તનમાં સાધુતા નીતરતી હોય છે. ભગવદીયજનો તો તન, મન અને જીવનમાં ભક્તિરસથી પૂર્ણ હોય છે. તેઓનો સંગ આપણને પણ અલ્પ આયાસે ભાવાર્દ્ર બનાવે છે. સત્કથામાં નિમગ્ન રહેનારને જ સાધુ કહેવાય છે.
નારદ પુરાણમાં લખ્યું છે કે ‘સંસારનું હિત કરનારા પરમાર્થી સાધુજનો જ ભગવાનની ઉત્તમ કથાઓના શ્રવણ-કીર્તનમાં પ્રવૃત્તિ થાય છે. જેમાં ભગવાનનાં ચરિત્રો કે ગુણોનું વર્ણન છે એ કથા જ સત્કથા છે. પાપી અસાધુ પુરુષો પરનિંદા અને કલહમાં જ લાગેલા રહે છે. માટે જ સત્કથા પરાયણ સંતોનો સંગ કરવો અને હંમેશાં સત્પુરુષોની સાથે બેસવું, સત્પુરુષોની સાથે જ હળવું મળવું, સત્પુરુષોના સદ્ધર્મને જાણવાથી, એમના સદાચારને સમજવાથી જ પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. બીજી કોઈ રીતે નહીં.
-વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી

