Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > આવો, આજે મિચ્છા મિ દુક્કડં કહીએ

આવો, આજે મિચ્છા મિ દુક્કડં કહીએ

Published : 20 September, 2026 01:18 PM | IST | Mumbai
Dr. Dinkar Joshi

જૈન દર્શન આપણને દરેક વ્યક્તિના માર્ગ, વિચાર અને માન્યતાનો આદર કરવાનું શીખવે છે. પોતાનો માર્ગ સાચો માનતાં બીજાના માર્ગને ખોટો ન ગણવો, પરસ્પર સન્માન જાળવવું અને સહઅસ્તિત્વ સાથે શાંતિથી જીવવું એ જ સાચો સંદેશ છે.

Micchami Dukkadam

ઉઘાડી બારી

Micchami Dukkadam


આ અંક તમે વાંચી રહ્યા હશો ત્યારે પર્વાધિરાજ પર્યુષણ કહેવાતો જૈન ધર્મનો મહોત્સવ સમાપ્ત થઈ ચૂક્યો હશે, પણ એના પ્રતિઘોષ હજી કાનમાં ગુંજતા હશે. પર્યુષણ પર્વના અંતે જૈનધર્મીઓ અને અન્ય આધ્યાત્મિક સાધકો અનંતચતુર્દશી તરીકે ગણપતિ ઉત્સવ પણ ઊજવી રહ્યા હશે. આ અનંતચતુર્દશીનું પણ એક ખાસ મહત્ત્વ છે. ૧૨ મહિનાનાં ૨૪ પખવાડિયાં પૈકી આ ભાદરવા સુદ ચૌદસ વિશેષ મહત્ત્વ ધરાવે છે એટલે એને અનંત કહેવામાં આવે છે. જે અનાદિ હોય એ જ અનંત હોય. જૈન ધર્મે આપણને જે તત્ત્વ આપ્યું છે એ આમ જુઓ તો કંઈ ખાસ નવીન નથી. દુનિયામાં બધા જ ધર્મના સ્થાપકોએ અથવા સાંપ્રદાયિક વડાઓએ લગભગ એકસરખી જ વાત કરી છે. સૌકોઈએ પોતાના અનુયાયીઓને સત્ય, અહિંસા, ઉપવાસ, ભાઈચારો આવી બધી જ વાત કરી છે; પણ જૈન ધર્મે આ બધાનું સૂક્ષ્માતિસૂક્ષ્મ વિવેચન કર્યું છે એ કદાચ બીજા કોઈએ નથી કર્યું. એના આ સૂક્ષ્મ રૂપને કારણે જ એનું કહેણ માત્ર મુઠ્ઠીભર લોકો સુધી જ ગયું છે, વિશ્વવ્યાપી બન્યું નથી; વિશ્વવ્યાપી બનવા માટે જે વ્યાપક સ્વરૂપ જોઈએ એ આપ્યું નથી. જૈન ધર્મનો પારિભાષિક શબ્દકોશ હાથમાં લઈને એના પારિભાષિક શબ્દોને જો સમજવા જઈએ તો કદાચ થોડાંક પૃષ્ઠો વાંચીને થોડાક ગૂંચવાઈ પણ જઈએ. 
વૈશ્વિક ધર્મોને વ્યાપક તો થવું છે. દરેક ધર્મના પ્રસારકો પોતાના કહેણને જુદાં-જુદાં વસ્ત્રાભિયાન કરાવીને આવે છે; પણ પછી આ જુદા-જુદા લોકો આ માણસને ગૂંચવી નાખે છે. આપણને સૌને સુખ જોઈએ છે, સત્ય જોઈએ છે, મહત્તા જોઈએ છે; પણ આ બધું મુઠ્ઠી ધર્મમાં તો બનતું નથી. પોતે જ માણસ સ્થાપિત છે એવું પ્રતીત કરવા આ બધા સંપ્રદાયોના પ્રસારકો જ નહીં, પ્રચારકો સુધ્ધાં અશાંતિ ફેલાવી દે છે. આ અશાંતિમાં બધા ધર્મો વચ્ચે એક ‘જ’ નામનો અક્ષર રહેલો છે. જૈન ધર્મે કહ્યું કે આ ‘જ’ ભારે ઉપયોગી ઉચ્ચાર છે. આવો, આજે આપણે આ ‘જ’ની ઉપયોગિતા સમજવાની કોશિશ કરીએ.

માત્ર હું ‘જ’ નહીં, તમે પણ



વિશ્વવ્યાપક આ ‘જ’ દુનિયાભરની ભાષાઓની લિપિમાં બેઠો છે. આપણે ગુજરાતીમાં એને ‘જ’ કહીએ છીએ, અંગ્રેજીમાં એને ‘J’ કહેવામાં આવે છે. એ જ રીતે બધી ભાષાઓમાં એના ઉચ્ચારો થાય છે, પણ એનો ભાવાર્થ તો એક જ છે. આ ભાવાર્થને સમજીએ. આ સમજણને સ્થૂળ સ્વરૂપ આપવું હોય તો આમ અપાય. 
ધારો કે મારે કાંદિવલીથી ચર્ચગેટ જવું છે. આ ચર્ચગેટ જવા માટે કાંદિવલીથી રેલવે-સ્ટેશન મારફત હું ઇલેક્ટ્રિક ટ્રેનથી જઈ શકું. ચર્ચગેટ પહોંચવાનો આ માર્ગ છે. આ જ રીતે બીજો એક માર્ગ ટૅક્સી કે મોટરરસ્તે કાંદિવલીથી ચર્ચગેટ પહોંચી શકે છે. એણે ભીડનો સામનો નથી કરવો પડતો, પણ ટ્રાફિકનો સામનો કરવો પડે છે. આમ ગંતવ્યસ્થાન એક જ છે, સંઘર્ષ પણ એકસરખા છે, સમય પણ કદાચ એકસરખો લાગતો હશે; આમ છતાં માર્ગ તો બે જ છે. આ બન્ને માર્ગ ચર્ચગેટ પહોંચાડે છે. બન્ને સાચા છે, ખોટા નથી અને આમ છતાં બેઉના અનુયાયીઓ પોતાના માર્ગને જ સાચા માને તો એ માનવજાતિ માટે સુખનો માર્ગ નથી રહેતો. 
આ બે માર્ગ ઉપરાંત એના યાત્રીઓ જ્યારે બાંદરા કે પછી રાજીવ સાગર સેતુ પાસેથી ગાડીમાં પસાર થાય છે ત્યારે વળી પાછા બે માર્ગ ફંટાય છે. તમારે કયા માર્ગે જવું છે એ એક જ વાત યાદ રાખીને આગળ વધવું. ચર્ચગેટ પહોંચી જશો. અરે, પગપાળા જશો તો પણ પહોંચી જશો. શરત માત્ર એટલી જ છે કે દરેક માર્ગના અંતે ‘જ’ ભુલાય નહીં. આપણી ગાડી આ રસ્તે પણ જાય અને પેલા માર્ગે પણ જાય. મારો માર્ગ તો સાચો છે જ, પણ તમારો માર્ગ પણ સાચો હોઈ શકે. તમારો માર્ગ ખોટો છે એવું જ્યારે હું કહેવા માંડું ત્યારે સૌથી પહેલાં મારો જ માર્ગ ખોટો ગણાય. બસ, આટલું યાદ રાખો તો અનંતચતુર્દશીનો જયજયકાર. હવે બીજું કંઈ કરવા જેવું નથી.


આ એક બીજો પણ ‘જ’ છે

મુંબઈમાં માર્ગ વાહનવ્યવહાર માટે જેમ ઉપલો ‘જ’ આપણે તપાસ્યો એવો બીજો એક ‘જ’ પણ તપાસવા જેવો છે. મુંબઈ ૭ ટાપુઓનું એક ગામ. એ કોઈની માલિકીનું નથી. માત્ર મૂળ માછીમારો, કોળીઓના વસવાટનું આ ગામ. આ ગામ પાસે હવે રહેઠાણની જગ્યા નથી. હવે એક-એક ઇંચ હજારો રૂપિયામાં અંકાય છે. દરેકને રહેવા માટે ઘર જોઈએ છે, પણ આ ઘર બાંધી શકાય એવી ભૂમિ ક્યાં છે? મુંબઈની બધી ભૂમિ બંધાઈ ગઈ છે. પહેલાં આપણે ધરતીમાતાને પ્રણામ કરીને ઘર બાંધતા. આને ભૂમિપૂજન કહેતા. હવે ધરતીમાતા નહીં પણ આકાશપિતાનું પૂજન કરી છીએ. હવે જમીન પર ઘર નથી બંધાતાં, આકાશને આંબતાં ૨૫-૫૦ કે સો-સો માળનાં બનતાં જાય છે. ભૂમિનો ભાર હવે આકાશે પણ વેઠવો પડશે. આ ગગનચુંબી રહેઠાણો જુદા-જુદા લોકોમાં વહેંચાઈ જાય છે. આ લોકોનો જીવનવ્યવહાર જુદો-જુદો હોય છે. કોઈ હિન્દુ, કોઈ મુસલમાન, કોઈ ખ્રિસ્તી. કોઈ શાકાહારી, કોઈ માંસાહારી. શાકાહારીને પોતાના પડખે કોઈ માંસ લેતો હોય તો એ મુદ્દલ સહન ન થાય. તો શું કરવું? માંસાહારીને ચીડ ચડે કે આ શાકાહારી પોતાના મનમાં સમજે છે શું? બસ, આ ચીડ બન્નેના મનમાં એક અણગમો પ્રેરે. વાત તો સાચી છે કે શાકાહારીને પોતાના ઘરમાં રહેવાનો પૂરો અધિકાર છે એમ માંસાહારીને પણ પોતાના ઘરમાં રહેવાનો એટલો જ અધિકાર છે; પણ આ અધિકાર પોતપોતાના ઘરમાં રહેવાનો છે, બાજુવાળાના ઘરની વંડીમાંથી ઠેકીને તેના ઘરમાં પોતાની વાસ ઘુસાડવાનો કોઈને અધિકાર નથી. એક જૈન પોતે ખરીદેલી જમીન પર પોતાનું ઘર બાંધતો હોય તો બીજો માંસાહારી ભલે પોતાની જમીન ખરીદીને બાંધતો હોય, પણ પેલા જૈનના મકાનની આજુબાજુમાં રહેવાનો અધિકાર આપતી વેળાએ આપણે વિચારવું પડે કે આ બે વચ્ચે તો આણીપાણી થશે. તેમને સાથે રહેવા દેવાય, ભાઈચારો થાય; પણ આણીપાણી ન થાય એ જોવાની આપણા સૌની ફરજ. મુંબઈમાં પેલા ઉપરવાળા ‘જ’ની જેમ વાત કરી એમ આ ‘જ’ પણ ખ્યાલમાં રાખવો પડશે. મકાન મારું છે માટે મારો ‘જ’ તમારામાં ઘુસાડીને જ રહીશ એ સાચો ‘જ’ નથી, ખોટો ‘જ’ છે. આવા ‘જ’ને આપણે આજે મિચ્છા મિ દુક્કડં કહીએ.


-ડૉ. દિનકર જોષી

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2026 01:18 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK