દેખાતી વિશાળ ઇમારત ન દેખાતા પાયાને આભારી છે એ વાત સમજાય છે. ધરતી પર ઊભેલું વિરાટ વૃક્ષ ન દેખાતા મૂળને આભારી છે એ પણ સમજાય છે
પ્રતીકાત્મક તસવીર
‘દેખાતી વિશાળ ઇમારત ન દેખાતા પાયાને આભારી છે એ વાત સમજાય છે. ધરતી પર ઊભેલું વિરાટ વૃક્ષ ન દેખાતા મૂળને આભારી છે એ પણ સમજાય છે, પણ પ્રસન્નતાપૂર્વક ચાલી રહેલું આ જીવન ન દેખાતા પ્રભુ, પુણ્ય અને પ્રેમને આભારી છે એ વાત સમજવા અને સ્વીકારવા આજનો બહુજન વર્ગ તૈયાર નથી. તેને ભરોસો છે પોતાના પુરુષાર્થ ૫૨, બુદ્ધિ, આયોજનશક્તિ અને પોતાની તંદુરસ્તી પર; પરંતુ એક ફટકો પડે કુદરતનો અને અહંકારના આસમાનમાં ઊડી રહેલો માણસ વાસ્તવિકતાની ધરતી પર આવી જાય છે. પહાડને પડકારવાની વાતો કરનારો ઘાસના તણખલાનેય પૂજવા લાગે. સગા બાપની સલાહ અવગણતો બબૂચકનીયે સલાહ લેવા લાગે, ગધેડાનેય બાપ કહેવા લાગે ને કાગડાનેય ગરુડ માનવા તૈયાર થઈ જાય.’
પ્રવચન સાંભળ્યા પછી સાંજના સમયે એક યુવક મળવા આવ્યો. વંદન કરીને તે બેઠો અને વાતની તેણે શરૂઆત કરી.
ADVERTISEMENT
‘આજે પ્રવચન સાંભળ્યા પછી નથી ઘરે ગયો કે નથી ઑફિસે ગયો.’
‘કારણ?’
‘કારણ બીજું તો શું હોય, પ્રવચનમાં સાંભળેલી પ્રભુ, પુણ્ય અને પ્રેમની વાતોને મારે અમલી બનાવવી હતી અને એમાંય પ્રેમના પ્રસંગો તો મારે આજે જ ઊભા કરી દેવા હતા.’ પૂછ્યા વિના જ તેણે વાત કરવાની શરૂ કરી, ‘પ્રવચન પછી પ્રથમ તેના ઘરે પહોંચી ગયો જેની સાથે કેટલાક સમયથી બોલવા વ્યવહાર બંધ હતો. તેની ક્ષમા માગી અને પૂર્વવત્ પ્રેમાળ સંબંધ તેની સાથે ઊભો કરી દીધો. ત્યાંથી નીકળીને તેના ઘરે ગયો જેણે મારા રૂપિયા ૧,પ૦,૦૦૦ દબાવ્યા હતા. તેની આર્થિક સ્થિતિ સારી નહોતી છતાં ફોન પર ગાળાગાળી મારે થયા જ કરતી. તેના ઘરે જઈને તેની માફી માગવા પૂર્વક ૧,પ૦,૦૦૦ રૂપિયા છોડી દીધા.’
‘વાહ...’
‘એ પછી પાર્ટી પાસે ગયો જેની પાસે મારા પાંચ લાખ બાકી છે. રકમ વસૂલવા ગંદા રસ્તા મેં અપનાવી લીધા હતા અને એ પછીયે રકમ નીકળી નહોતી. તેના ઘરે પહોંચી તેની સામે ક્ષમાપના કરી પાંચ લાખ રૂપિયા છોડી આવ્યો.’ યુવકે વાત આગળ ધપાવી, ‘ત્યાર બાદ ગયો એક ભંગીને ત્યાં. મારા ઘરની સામે ગંદવાડ ફેંકવા બદલ મેં તેને માર્યો હતો. મને થયું કે પ્રેમની પ્રતિષ્ઠા કરવા નીકળ્યો જ છું ત્યારે એ ભંગીની ક્ષમાપના કેમ નહીં. મને પોતાની ઝૂંપડીએ જોઈને તે સ્તબ્ધ થઈ ગયો. મેં તેની ક્ષમા તો માગી અને સામે ચડીને મેં તેના હાથની બનાવેલી ચા પીવાની માગણી કરી. એ પીને હળવોફૂલ થઈ તમારી પાસે આવ્યો છું હું.’
મનમાં દ્વેષભાવનો ક્ષય કરે છે એ જ વીરતા પામે. દ્વેષભાવ માત્ર સામેવાળાની જ નહીં, એ રાખનારાની પણ પ્રગતિ રોકે છે. - જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

