ભાષાએ પણ કેટલી સરસ લાગણી પકડી છે, મા છે તે આપવા માટે છે એટલે તે મોઢું ખોલાવે છે ને બાપ પાસે બોલતી બંધ થાય એ પણ બધાને ખબર છે
પ્રતીકાત્મક તસવીર
મા એ શબ્દ નથી, તીર્થ છે. મા એ નજરે ભાળેલો ઈશ્વર છે. કરુણાનો દરિયો ને મમતાનું ઝાડ છે. અમારા ગોંડલમાં તો એક જણાએ રિક્ષા વાંહે લખાવ્યું કે ‘મા તારા આશીર્વાદ!’ મેં પૂછ્યું તો રિક્ષાવાળાએ માતૃભક્તિને બદલે રોન કાઢી, ‘સાહેબ, માનાં ઘરેણાં વેચીને જ રિક્ષા લીધી છે.’
સાહેબ, મા એ છે જે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેવા તૈયાર રહે ને એ પછી પણ તે ક્યાંય દેખાડો કરવા આવે નહીં કે છોકરાને પગભર મેં કર્યો કારણ કે મા વ્યક્તિ નથી, પરંતુ પ્રકૃતિ છે. મા પોતે તૂટી જાય પણ તેનાં સંતાનોને તૂટવા દેતી નથી. રાતે ૧૧ વાગ્યે દીકરો ઘરે આવ્યો ન હોય એટલે મા જાગતી જ હોય કે મારા ગગાએ કાંઈ ખાધું નહીં હોય. ઍન્ડ વેલ, બાપા પણ જાગતા હોય, પણ લાકડી હાથવગી કરીને કે આવે તો બે ફટકારું. રાતે દીકરો ઘરે આવે એટલે મા મોઢું જોવે અને બાપ મોઢું સૂંઘે કાં તો મોબાઇલ ચેક કરે કે ક્યાંક આ ઑનલાઇન ‘તીન પત્તી’ના રવાડે નથી ચડી ગ્યોને.
ADVERTISEMENT
તમે જુઓ, કુદરતે કેવી કરામત કરી છે. તમે ‘મા’ બોલશો એટલે મોઢું ખૂલી જાશે ને ‘બાપ’ બોલશો તો મોઢું બંધ થઈ જાશે, કા૨ણ કે બાપ દીકરાને ખભો આપે છે; જ્યારે મા દીકરાને ખોળો આપે છે. બાપ દીકરાને ગાદી આપે છે ને મા દીકરાને ગોદ આપે છે પણ એટલું યાદ રાખજો, દુનિયાની કોઈ પણ ગાદી ઉપર હુમલો થાય પણ ગોદ ઉ૫૨ હુમલો ન થાય કા૨ણ કે માએ એમાં મમતાનો પાલવ ઢાંક્યો હોય છે. માનો પાલવ ઝેડ પ્લસ સિક્યૉરિટી કરતાં વધુ સલામત અને સુરક્ષિત હોય છે એટલા માટે જ તો માનાં લગભગ બેસણાં ચોટીલા, પાવાગઢ, અંબાજી, વૈષ્ણોદેવી અને એવા અસંખ્ય ડુંગરા પર છે જ્યારે બાપુજી લગભગ પલાંઠી વાળીને અન્ડરગ્રાઉન્ડ બેઠા હોય છે. દા.ત. ગુપ્તેશ્વર મહાદેવ, પાતાળેશ્વર મહાદેવ. કારણ કે બાપાને ભરોસો હોય છે કે છોકરો સાવ સલવાશે ત્યારે જ એની પાંહે આવશે. આમેય તમે ચકાસો તો નાની-નાની તકલીફો વખતે આપણા મોંમાંથી ‘ઓય મા’ શબ્દ નીકળી જાય પણ ફોર-વ્હીલર ગાડી ડ્રાઇવ કરતાં-કરતાં સામે અચાનક ટ્રક ઊતરે ને મોત ભાળી જાય ત્યારે ‘ઓય બાપ રે’ જ નીકળે હોં!
માના પાત્રને સમાજે, સાહિત્ય જગતે અને ફિલ્મ જગતે સદાય વિહ્વળ, લાચાર અને રડતું જ ચીતર્યું છે, જેનાથી પર્સનલી હું અસહમત છું કારણ કે મારી મા મારા માટે બેસ્ટ ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ છે. મારામાં જે કાંઈ થોડીઘણી સેન્સ ઑફ હ્યુમર છે એ મારી જનેતાની બક્ષિસ છે. માના કૅરૅક્ટરને આપણે ખૂબ ગંભીર બનાવી દીધું છે. મા થોડી હળવી ફૂલ પણ હોઈ શકે. આટલું સિદ્ધ કરવા જ મારી વાત આ લેખ દ્વારા શૅર કરી રહ્યો છું.
મારી મમ્મી સરોજબહેન મારા સટાયરનો પ્રેરણાસ્રોત. મમ્મી હવે તો વૈકુંઠધામમાં છે પણ તે હતાં ત્યારની વાત છે. હું ડાયરામાં જતો હોઉં ત્યારે હળવીફૂલ સલાહ કાયમ આપે, ‘બેટા, તારે બહુ તૂટી ન મરવું. આયોજકોએ પહેલી વાર ડાયરો કર્યો હોય, આપણે તો રોજનું થયું!’
વળી ક્યારેક પ્રોગ્રામમાંથી થાકીને હજી તો ઘરમાં પગ મૂકું ત્યાં મારી મમ્મી તેના આગવા મિજાજમાં તેના હાથે બનાવેલા ગીતની કડી ગાઈને મને પૂછે કે ‘ખંભે કાળી શાલ, લાંબો ઝભ્ભો, માથે ટાલ, બેટા બોલો, કહાં ગએ થે?’
ઘણી વાર કોઈ અજાણ્યા મહેમાન કે ચાહકમિત્ર ઘરે આવીને દરવાજામાં ડોકું કાઢી પૂછે કે ‘સાંઈરામ દવે છે?’ એટલે હિંડોળે બેસી ગઈઢા ગુવા૨માંથી જુવાન ગુવારને છૂટી પાડતી મારી મમ્મી હસતાં-હસતાં કહે કે ‘સાંઈરામ નથી પણ એ ઘર સાથે નથી લઈ ગયો, તમે અંદર આવો!’ પેલો ચાહક પરિવાર ઘરમાં એન્ટર થાય એટલે મમ્મી ઓળખાણ પૂછે. ચટ્ટાપટ્ટાવાળા બર્મુડા અને લાલ-પીળા ટી-શર્ટમાં સજ્જ કોઈ NRI ફૅમિલી વળી મમ્મીને સામો જવાબ વાળે કે ‘અમે સાંઈરામના ફૅન છીએ.’ આ સાંભળી મમ્મી આંગણામાં જ તેમને સટાય૨થી પોંખી લ્યે,
‘હા, એ તો ચોખવટ કરો ટેબલ ફૅન કે સીલિંગ ફૅન?’
વળી વધુપડતા ચોખલા મહેમાન ચા કે ઠંડું પીવાની ના પાડે તો મમ્મી વીટો પાવ૨ વાપરીને રસોડામાં કહી દે કે ‘વઉબેટા, ચા બને ત્યાં સુધીમાં ઠંડું લાવજો.’
હું ઘરમાં ન હોઉં તો મારી ખામી પૂરી દે આવી લાઇટ વેઇટ મા પણ હોઈ શકે. જોકે આપણને સૌને નિરાધાર અને દુખી માની વાર્તાઓની જ ટેવ પડી છે એટલે કદાચ આવી સદાય હસતી-હસાવતી માતૃશક્તિઓની કથા કોઈએ લખી પણ નથી અને એટલે જ કદાચ આપણે સ્વીકારી પણ નથી. સાંબેલાધાર વ૨સાદમાં છોકરો પલળીને ઘરમાં આવે એટલે પપ્પા ખિજાય કે ભાન નો’તી પડતી? બહેન કહે કે ભાઈ છત્રી લઈને જવાય, તો ભાઈ કહે કે છાપરા હેઠે ઊભા રહી જવાય; પણ મા તો તેના બાળકને ગોદીમાં લઈને એટલું જ કહે કે નફ્ફટ વરસાદે મારા દીકરાને ભીંજવી નાખ્યો!
આનું નામ મા!
મારી મા મારા માટે માતા નથી, નિર્માતા છે. ને હા, આવતા ભવે જો આ મા ન મળવાની હોય તો આપણે અવતાર જ નથી જોતો હોં બૉસ!

