Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝગજાનનનું આસન કમળ શું કામ?

25 September, 2023 04:06 PM IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

આપણે ગજાનનને બાજોઠ કે સિંહાસન પર બેસાડીએ છીએ, પણ બૌદ્ધકાળની પ્રતિમાઓ જોશો તો એમાં ગણપતિને કમળ પર બિરાજમાન કરવામાં આવ્યા છે. હકીકત એ છે કે કમળ ગણપતિનું બીજું આસન છે અને આ વાત માર્કન્ડેય પુરાણમાં કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

ગજાનન : ધ લીડર લેસન

પ્રતીકાત્મક તસવીર


ગણપતિ હોય એટલે તેમના માટે કાં તો સિંહાસન હોય અને કાં તો સુવર્ણજડિત બાજોઠ હોય. આવું કરવા પાછળનું કારણ બહુ સહજ છે. જે પતિ છે, સરદાર છે એ ગણદેવતા સિંહાસન પર જ શોભે એવી સીધી વાતનો અમલ આપણા મૂર્તિકારોએ કર્યો છે તો સાથોસાથ ભગવાનને જમીન પર બેસાડવાના ન હોય એવી ધારણા સાથે તેમને બાજોઠ આપવામાં આવ્યો છે. જોકે આ બાબતમાં બૌદ્ધકાળ વધારે પરંપરાગત રીતે આગળ વધતો હતો એ આપણે સ્વીકારવું રહ્યું. બૌદ્ધકાળ દરમ્યાનની જે કોઈ ગજાનનની મૂર્તિઓ સાંપડી છે એમાં તેમને કમળ પર સ્થાન આપવામાં આવ્યું છે તો આપણે ત્યાં દક્ષિણ ભારતનાં મંદિરોમાં આજે પણ ગણપતિના ચાર પૈકીના એક હાથમાં કમળની કળી આપવામાં આવી છે. કમળ અને ગણપતિને શો સંબંધ છે એ વાત માર્કન્ડેય પુરાણમાં કરવામાં આવી છે.

કમળ એ હકીકતમાં ગણપતિનું સાચું આસન છે અને એ જ આસન તેમના શયન માટેનું સ્થાન છે.કેવી રીતે આવ્યા કમળ પર?


માર્કન્ડેય પુરાણમાં તો કમળ અને ગજાનનના સંબંધોની ખાસ્સી વાતો છે, પણ એ વાતોમાંથી સૌથી ઉમદા વાત એ છે કે ગણપતિ કમળને જોતાં જ શાંત થઈ જતા. આ જ કારણસર બાળગજાનન સૂતી વખતે પોતાની પાસે કમળની કળી લઈને સૂતા અને આશ્ચર્યની વાત એ છે કે ગજાનન પાસે રહેલી કમળની એ કળી સવાર પડતાં ખીલી પણ ઊઠતી. પાસે કમળ હોય તો ગજાનન તમામ પ્રકારની શાસ્ત્રોક્ત ક્રિયાઓ પણ શાંતચિતે કરતા અને પિતા મહાદેવ સાથે ધ્યાનમાં પણ એટલી જ ધીરજ સાથે બેસતા જેટલી ધીરજ મહાદેવ પોતે ધરાવતા.

ગજાનને જ્યારે પણ બહાર જવાનું બનતું ત્યારે મા પાર્વતી તેમને કમળ સાથે આપતા, જે કમળ પર જ ગણપતિ પોતાનું શયન કરતા. આ જ કારણ છે કે બૌદ્ધકાળ દરમ્યાન બનેલી મૂર્તિઓમાં ગણપતિના શયનસ્થાન એવા કમળ પર તેમને બિરાજમાન કરવામાં આવ્યા છે. એનો એક ભાવાર્થ એવો પણ નીકળે છે કે ગજાનન જ્યાં પણ જાય ત્યાં તે કોઈના પર પણ પોતાની સેવાનો ભાર ન બને. સાથે મોદક હોય એટલે ભોજન પણ સાથે અને સાથે કમળ હોય એટલે શયનની સામગ્રી પણ તેમની સાથે.


ગણેશ મહોત્સવની સાર્વજનિક ઉજવણી શરૂ થઈ એ વર્ષોમાં કમળ પર બિરાજમાન ગણપતિની મૂર્તિનું ચલણ ખૂબ હતું, પણ એ પછી દેખાદેખી વચ્ચે ગણપતિનું મૂળ સ્થાન હટ્યું

અને સિંહાસન, બાજોઠ કે પછી અન્ય પ્રકારનાં આસનો આવવા માંડ્યાં. જોકે ઘરમાં જો કાયમી ગણેશની સ્થાપના કરતા હો તો એ વાતનું ધ્યાન રાખવું કે ગજાનનનું આસન કમળ, સિંહાસન કે બાજોઠ જ આપવું. ક્રમ પણ આ જ મુજબનો રાખવો.

કમળાસન, એક સિમ્બૉલ

આપણે સૌ જાણીએ છીએ કે કમળ શબ્દ જ કોમળ પરથી આવ્યો છે. નાજુક એવા કમળ પર મહાકાય ગજાનન શયન કરી શકે એનો સીધો અર્થ એ થાય છે કે તમારો ભાર કોઈને પણ વર્તાવો ન જોઈએ. લીડરમાં પણ આ ક્વૉલિટી હોવી જોઈએ. જો લીડર ભારરૂપ હોય તો તેને લીડર કહેવાય જ નહીં. તો-તો પછી તે બૉસ કે ઉપરી થયો અને બૉસ કે ઉપરી ક્યારેય પોતાની ટીમને સાથે લઈને આગળ વધી ન શકે. સૌને સાથે લઈને ચાલે તેને જ લીડર કહેવાય.

કમળ સૂચવે છે કે લીડરમાં પણ એ જ ક્વૉલિટી હોવી જોઈએ જે કમળના ગુણો છે. એ કાદવની વચ્ચે છે અને છતાં પણ લોકો તેના તરફ આકર્ષાય છે. આ જે આકર્ષણ છે એ સ્વરૂપનું છે. કાદવ વચ્ચે પણ પોતાની જાતને સ્વરૂપ પુરવાર કરે તે લીડર. હાથ અને પગ બગાડીને કાદવ વચ્ચે પણ જો કોઈ કમળ લેવા જાય છે તો એ પુરવાર કરે છે કે તેને કાદવની પરવા નથી, પણ કમળનો સત્સંગ જોઈએ છે. લીડરમાં પણ એ ક્વૉલિટી હોવી જોઈએ કે લોકો તેની આસપાસના કાદવને જોયા પછી પણ સ્નેહ અને પ્રેમ સાથે તેની નજીક જવાનો કે પછી તેની સાથે જોડાયેલા રહેવાનો સતત પ્રયાસ કરતા રહે.

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2023 04:06 PM IST | Mumbai | Acharya Devvrat Jani

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK