પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં આંબલીવાળી પોળ એક મહત્ત્વનો મુકામ બની રહી. પ્રમુખસ્વામી મહારાજ અને આંબલીવાળી પોળનો નાતો જૂનો છે એ વિશે વાત કરતાં અક્ષરવત્સલદાસ સ્વામી કહે છે, ‘૧૯૩૯માં અહીં પોળમાં એક વિશેષ પ્રસંગ બન્યો.
આ ચોકડીમાં બેસીને પ્રમુખસ્વામી મહારાજે વાસણો ઉટકેલાં અને અમદાવાદમાં આવેલી આંબલીવાળી પોળ.
વડોદરા પાસેના ચાણસદ ગામે જન્મેલા શાંતિલાલની પ્રમુખસ્વામી મહારાજ બનવાની સફરનો પાયો અમદાવાદની આંબલીવાળી પોળમાં નખાયો હતો. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકેની પ્રમુખસ્વામી મહારાજની વરણીને આજે ૭૫ વર્ષ થયાં છે ત્યારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આ અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે
આજકાલ ભારત સહિત વિશ્વમાં ક્રિકેટની મોસમ બરાબર જામી છે ત્યારે જાણવા જેવું છે કે વર્ષો અગાઉ આપણા દેશને ગુજરાતમાંથી એક સારો ક્રિકેટર મળતાં-મળતાં રહી ગયો. ગામનો આ કિશોર સારો ક્રિકેટર અને અચ્છો સ્વિમર. જોકે આ કિશોરના નસીબમાં વિધાતાએ કંઈક અલગ જ લેખ લખ્યા હશે અને એટલે જ વિશ્વને એક સંતવિભૂતિ મળી. આ કિશોર એટલે આધ્યાત્મિકતાની અલખ જગાવવાની સાથોસાથ સદ્કાર્યોની સુવાસ ફેલાવી સત્સંગ સાથે સમાજમાં સેવા કરવાનો રાહ બતાવનાર ગુરુવર્ય પ્રમુખસ્વામી મહારાજ.
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના એક સમયના વડા પ્રમુખસ્વામી મહારાજની સંસ્થાના પ્રમુખ તરીકે વરણી થયાને ૭૫ વર્ષ પૂરાં થયાં છે ત્યારે BAPS દ્વારા આજે રવિવારે તેમના જન્મદિવસે BAPSના વડા ગુરુ મહંતસ્વામીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવની સેન્ટ્રલ થીમ છે આંબલીવાળી પોળથી વિશ્વના ફલક સુધી પ્રમુખસ્વામી મહારાજનાં પ્રદાનો. ચાણસદ ગામના પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં અમદાવાદની આંબલીવાળી પોળનું વિશેષ મહત્ત્વ રહેલું છે. પ્રમુખસ્વામીએ જ્યાં શિક્ષા-દીક્ષા લીધી એ આંબલીવાળી પોળ BAPS અને સંસ્થાના લાખો હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની છે ત્યારે અમદાવાદની આંબલીવાળી પોળ અને પ્રમુખસ્વામી મહારાજની જાણીઅજાણી વાતોનો સત્સંગ કરીએ.
ADVERTISEMENT
આંબલીવાળી પોળનું માહાત્મ્ય
અમદાવાદની પોળોનો ઇતિહાસ યાદગાર રહ્યો છે ત્યારે અમદાવાદની જે પોળમાં સંતોની અવરજવર રહેતી એ શાહપુરમાં આવેલી આંબલીવાળી પોળનું હરિભક્તો અને સંતોમાં એક આગવું માહાત્મ્ય છે. અક્ષરવત્સલદાસ સ્વામી ‘મિડ-ડે’ને કહે છે, ‘અમદાવાદની પોળોનો ઇતિહાસ એક અવિસ્મરણીય અધ્યાય છે. અમદાવાદની પ્રાચીન પોળોમાંથી એક અને ઓછામાં ઓછાં ૩૫૦ વર્ષ જૂની આંબલીવાળી પોળ છે. આ પોળનું ઘણું જ મહત્ત્વ છે. આ પોળમાં BAPSના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ખૂબ પધારતા, કારણ કે આ પોળમાં તેમના હરિભક્તો રહેતા. આ પોળમાં મંદિર નહોતું પરંતુ પાછળથી એક ભક્ત પરિવારે પોતાની જગ્યા શાસ્ત્રીજી મહારાજને દાનરૂપે આપી અને મંદિરની સ્થાપના થઈ. શાસ્ત્રીજી મહારાજ આંબલીવાળી પોળમાં અવારનવાર આવતા અને અહીંથી BAPSના વિકાસની પ્રવૃત્તિઓ કરતા હતા. અહીંથી બધી પ્રવૃત્તિઓ કરતા એટલે આ સ્થાનનું, આ પોળનું એ દૃષ્ટિએ મહત્ત્વ છે. સંસ્થાના વિકાસમાં જ્યાં ખૂબ મહત્ત્વના નિર્ણયો લેવાયા છે એવું મહાપ્રાસાદિક સ્થાન એટલે આંબલીવાળી પોળ. ૨૦૨૨માં મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી આંબલીવાળી પોળનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.’
શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની સાથે ઊભેલા પ્રમુખસ્વામી મહારાજનો ફોટો આંબલીવાળી પોળના ઘરમાં મૂકવામાં આવ્યો છે. એક સમયે આંબલીવાળી પોળના આ ઘરમાં શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ સહિતના સંતપુરુષો રહેતા હતા અને મુંબઈમાં આવેલી સૂર્યનારાયણની વાડીમાં પારાયણ પ્રસંગમાં શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજનો ફોટો, જે આંબલીવાળી પોળના ઘરમાં મૂકવામાં આવ્યો છે.
પોળમાં પ્રમુખસ્વામી મહારાજની દીક્ષા
પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં આંબલીવાળી પોળ એક મહત્ત્વનો મુકામ બની રહી. પ્રમુખસ્વામી મહારાજ અને આંબલીવાળી પોળનો નાતો જૂનો છે એ વિશે વાત કરતાં અક્ષરવત્સલદાસ સ્વામી કહે છે, ‘૧૯૩૯માં અહીં પોળમાં એક વિશેષ પ્રસંગ બન્યો. ૧૮ વર્ષના એક કિશોરને શાસ્ત્રીજી મહારાજે પાર્ષદ દીક્ષા આપી. આ કિશોર એટલે પ્રમુખસ્વામી મહારાજ. પ્રમુખસ્વામી મહારાજ વડોદરા પાસેના ચાણસદ ગામે જન્મેલા. શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી પ્રમુખસ્વામી મહારાજ પાસે ગઈ અને ચિઠ્ઠીના આધારે પ્રમુખસ્વામી ગામથી નીકળીને અહીં પોળમાં પધારેલા અને તેમને પોળમાં આવેલા પહેલા મકાનના મેડા પર પાર્ષદ દીક્ષા આપવામાં આવી હતી.’
પ્રમુખસ્વામી નામ વસી ગયું લોકહૈયે
જેમને સૌકોઈ પ્રમુખસ્વામી મહારાજના નામે પ્રેમથી બોલાવે છે એ ‘પ્રમુખસ્વામી મહારાજ’ નામ વિધિવત રીતે પાડવામાં આવ્યું નથી. તેમનાં નામોની વાત કરતાં વિવેકજીવનદાસ સ્વામી ‘મિડ-ડે’ને કહે છે, ‘પ્રમુખસ્વામીનો જન્મ અંગ્રેજી તારીખ પ્રમાણે ૧૯૨૧ની ૭ ડિસેમ્બરે થયો હતો. તેમનું નામ શાંતિલાલ હતું. જ્યારે તેઓ આંબલીવાળી પોળમાં આવ્યા અને પાર્ષદ દીક્ષા લીધી ત્યારે તેમનું નામ શાંતિભગત પાડવામાં આવ્યું હતું અને એ પછી ભાગવતી દીક્ષા લીધી ત્યારે તેમનું નામ નારાયણસ્વરૂપદાસ સ્વામી નામ પાડ્યું હતું. તેમને જ્યારે ચાદર ઓઢાડીને પ્રમુખ બનાવ્યા ત્યારથી તેઓ પ્રમુખસ્વામી તરીકે ઓળખાવા લાગ્યા. પ્રમુખ થયા એટલે બધા તેમને પ્રમુખસ્વામી તરીકે બોલાવવા લાગ્યા. પ્રમુખસ્વામી નામ વિધિવત રીતે પાડ્યું નહોતું પણ ઉપનામ થઈ ગયું અને પછી આ જ નામ પૉપ્યુલર બની ગયું. લોકહૈયામાં અને લોકજીભે પ્રેમથી આ નામ ચડી ગયું.’
ક્રિકેટર, સ્વિમર અને ભજનિક હતા
ચાણસદ ગામના શાંતિલાલ ક્રિકેટર અને સ્વિમર હતા એ વિશે વાત કરતાં વિવેકજીવનદાસ સ્વામી કહે છે, ‘પ્રમુખસ્વામી મહારાજને ક્રિકેટ રમવાનો બહુ શોખ હતો. ક્રિકેટમાં પૂરેપૂરો રસ હતો. ક્રિકેટનો સામાન લઈ આવવા માટે છોકરાઓએ તેમને લીડર બનાવ્યા હતા અને વડોદરા ક્રિકેટનો સામાન લેવા જતા. તેઓ સારા સ્વિમર પણ હતા. ગામના તળાવમાં વર્ષમાં એક વાર નારિયેળ ફેંકવાની સ્પર્ધા થતી હતી. નારિયેળ ગામના તળાવમાં નાખવાનું અને ગામના છોકરાઓ તળાવમાં કૂદીને એ નારિયેળ લઈ આવે. જે છોકરો નારિયેળ લઈ આવે તે વિજેતા થતો. પ્રમુખસ્વામી મહારાજને ભજન ગાવાનો બહુ શોખ હતો. ચાણસદ ગામની ઊભી ભજનમંડળીના તેઓ સભ્ય હતા. આ મંડળીના સભ્યો ઊભા-ઊભા ભજનો કરતા હતા જેમાં પ્રમુખસ્વામી મહારાજ પણ ઊભા રહીને ભજનો ગાતા હતા. તેઓ મિત્રો સાથે ક્રિકેટનો સામન ખરીદવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી આવી અને પ્રમુખસ્વામી મહારાજ અમદાવાદમાં આંબલીવાળી પોળમાં આવ્યા હતા.’
ત્યાગી જીવનની શરૂઆત થઈ
અમદાવાદ આવ્યા બાદ આંબલીની પોળમાં પ્રમુખસ્વામીના ત્યાગી જીવનની શરૂઆત થઈ હતી. આ પોળ પ્રમુખસ્વામી મહારાજ માટે દીક્ષા, શિક્ષા અને ભિક્ષાની ભૂમિ બની હતી. ૧૯૪૨માં શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને સંસ્કૃત વિદ્યાભ્યાસ કરવા આજ્ઞા કરી હતી. પ્રમુખસ્વામી મહારાજે પોળમાં રહીને દોઢેક વર્ષ સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને ગિરજાશંકર મહેતા પાસે શ્રીમદ ભાગવત ભણાવવાની શરૂઆત કરાવી હતી. આંબલીવાળી પોળમાં એક સમયે પ્રમુખસ્વામી મહારાજે ઘરે-ઘરે ફરીને ભિક્ષાની આહલેક લગાવીને નિર્વાહ કર્યો હતો.
પ્રમુખ બન્યા તો પણ સેવક
પ્રમુખસ્વામી મહારાજનો પ્રમુખવરણી અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે આજથી ૭૫ વર્ષ પહેલાં પ્રમુખ બન્યા એ સમયની પ્રમુખસ્વામી મહારાજની સેવાભાવનાનો પ્રેરણાદાયી અને ઉદાહરણીય કિસ્સો બન્યો હતો. આંબલીવાળી પોળમાં ૧૯૫૦ની ૨૧ મેએ શાસ્ત્રીજી મહારાજે ૨૮ વર્ષના પ્રમુખસ્વામી મહારાજની સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્તિ કરી હતી. આ પ્રસંગે ૭૦થી ૮૦ જેટલા લોકો ઉપસ્થિત હતા. સૌ ભોજનપ્રસાદ લઈને છૂટા પડ્યા પરંતુ આ બાજુ ઘરમાં વાસણોનો ઢગલો થયો હતો. પ્રમુખસ્વામી મહારાજનું ધ્યાન ગયું કે એંઠાં વાસણો અહીં પડ્યાં છે. હજી તો સંસ્થાના પ્રમુખ બન્યાને થોડો સમય જ વીત્યો હશે ત્યાં લેશમાત્ર શરમ સંકોચ રાખ્યા વગર પ્રમુખસ્વામી મહારાજ બધાં વાસણ ઉટકવા બેસી ગયા હતા અને સાફ કર્યાં હતાં. પ્રમુખસ્વામી મહારાજને જ્યારે કોઈએ પૂછ્યું કે તમે પ્રમુખ બન્યા તો પણ વાસણ ઉટકવા બેઠા હતા? ત્યારે પ્રમુખસ્વામી મહારાજે વિનમ્રતાથી કહ્યું હતું કે પ્રમુખ થયા એટલે કાંઈ સેવક થોડા મટી ગયા? આ સેવાભાવ પ્રમુખસ્વામી મહારાજમાં હતો.
આંબલીવાળી પોળના જે ઘરમાં શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ સહિત સંતપુરુષો રહેતા હતા એ ઘરમાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમા.
પોળમાં પૂનમ અને ચાદરનું મહત્ત્વ
૨૦૦૦ની સાલમાં પ્રમુખસ્વામી મહારાજ પોળમાં પધાર્યા હતા અને ઘણા હરિભક્તો આવ્યા હતા. પોળમાં આશીર્વચન ઉચ્ચારતાં પ્રમુખસ્વામી મહારાજ બોલ્યા હતા કે અહીં શાસ્ત્રીજી મહારાજે ચાદર ઓઢાડેલી એટલે અહીં જે કોઈ ચાદર ઓઢાડશે તેના શુભ સંકલ્પો ભગવાન પૂરા કરશે. તેમણે અંતરના અવાજથી ઉચ્ચારણ કર્યું એનો આજે હજારો હરિભક્તોને અનુભવ થાય છે. અહીં પોળમાં દર પૂનમે ઘણાબધા હરિભક્તો આવે છે અને ચાદર ઓઢાડવાની સેવા કરી પોતાના સંકલ્પ લે છે, પ્રાર્થના કરે છે અને એ ફળે પણ છે. ઘણા હરિભક્તો પૂનમે પદયાત્રા કરીને પણ આવે છે. આ પોળ આજે એક વિશેષ તીર્થસ્થાન જેવી બની ગઈ છે.
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી આંબલીવાળી પોળને યજ્ઞપુરુષ પોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પોળમાં અનેક રહેવાસીઓ રહે છે. આ પોળના જે મકાનમાં શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ સહિતના સંતપુરુષો રહેતા હતા એ ઘરમાં આજે આધ્યાત્મિકતાના માહોલ વચ્ચે સેવા, સમર્પણ અને સદ્ભાવની અનેક યાદો સચવાયેલી છે. આ પવિત્ર પોળમાં હરિભક્તો શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે.


