Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ત્રિપુરાનું એક એવું ગામ જ્યાં સંસ્કૃતિને જીવવામાં આવે છે ગામનાં કાચાં ઘરોની દીવાલો ખીલી ઊઠી છે સુંદર રંગોળીઓથી

ત્રિપુરાનું એક એવું ગામ જ્યાં સંસ્કૃતિને જીવવામાં આવે છે ગામનાં કાચાં ઘરોની દીવાલો ખીલી ઊઠી છે સુંદર રંગોળીઓથી

Published : 23 August, 2026 05:49 PM | IST | Alpana Gram
Laxmi Vanita

પશ્ચિમ ત્રિપુરાના કપાલી પારામાં આવેલું લાંકામુરા ગામ તેની અનોખી અલ્પના કળાને કારણે ‘અલ્પના ગ્રામ’ તરીકે જાણીતું બન્યું છે. અગરતલાથી ૬ કિલોમીટર દૂર આવેલું આ ગામ સ્થાનિકોના સહયોગથી આજે જીવંત લોકકલા અને સાંસ્કૃતિક પર્યટનનું આકર્ષક કેન્દ્ર બન્યું છે.

ત્રિપુરાના અલ્પના ગ્રામમાં ઘરની માટીની દીવાલો પર ચિતરાયેલી પરંપરાગત અલ્પના માત્ર શણગાર નથી. એ ગામની સંસ્કૃતિ, પરંપરા અને ઓળખને રંગોમાં જીવંત રાખે છે.

ત્રિપુરાના અલ્પના ગ્રામમાં ઘરની માટીની દીવાલો પર ચિતરાયેલી પરંપરાગત અલ્પના માત્ર શણગાર નથી. એ ગામની સંસ્કૃતિ, પરંપરા અને ઓળખને રંગોમાં જીવંત રાખે છે.


ભારત એવો દેશ છે જ્યાં દર થોડા અંતરે કંઈક નવું અને આશ્ચર્યજનક જોવા મળે છે. અહીંની વિવિધતા માત્ર શહેરો અને સંસ્કૃતિઓમાં જ નહીં, દેશનાં નાનાં-નાનાં ગામડાંઓમાં અને કસબાઓમાં પણ જોવા મળે છે. એક તરફ આધુનિક ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ગામડાંઓ આજે પણ પોતાની પરંપરા, સાદગી, પ્રકૃતિ અને અનોખી જીવનશૈલીને જાળવીને ભારતની સાચી ઓળખને જીવંત રાખે છે. ભારતની આ જ અનોખી દુનિયામાં ત્રિપુરાનું અલ્પના ગ્રામ એક એવી જગ્યા છે જ્યાં પહોંચ્યા પછી કદાચ તમને પણ કેટલીક એવી બાબતો જોવા મળશે જેની તમે કલ્પના પણ ન કરી હોય. ગામની આસપાસનું કુદરતી સૌંદર્ય, લોકોની જીવનશૈલી, સ્થાનિક પરંપરાઓ અને તેમની પોતાની આગવી સંસ્કૃતિ મળીને અલ્પના ગ્રામને એક વિશિષ્ટ ઓળખ આપે છે. આ ગામ આપણને યાદ અપાવે છે કે ભારતને ખરેખર સમજવું હોય તો માત્ર મોટાં શહેરોની મુલાકાત પૂરતી નથી. ભારતની અસલી સુંદરતા તો એનાં એવાં ગામડાંઓમાં છુપાયેલી છે જ્યાં સાદગીમાં પણ એક અલગ જ સમૃદ્ધિ જોવા મળે છે અને જ્યાં દરેક નાનકડી વાત પોતાની પાછળ એક વાર્તા ધરાવે છે. અલ્પના ગ્રામ પણ એવી જ એક અનોખી વાર્તા છે - ભારતની વિવિધતા અને અજાણી સુંદરતાની એક જીવંત ઝલક.

હર ઘર કલાકૃતિ



બંગલાદેશની સરહદથી ખૂબ નજીક આવેલા આ ગામનું મૂળ નામ છે લાંકામુરા. બહુ પાંખી વસ્તી છે. લોકો કાચાં પરંતુ સસ્ટેનેબલ ઘરોમાં વસે છે. ૧૫૦થી વધુ પરિવારો ધરાવતા આ ગામના મોટા ભાગના લોકો મુખ્યત્વે ફૂલોની ખેતી, શાકભાજીની ખેતી અને નાના-મોટા વ્યવસાય પર નિર્ભર છે. સંક્રાન્ત દરમ્યાન લગભગ દરેક ઘરને સુંદર રચનાઓથી શણગારવામાં આવતું અને સમગ્ર ગામ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતું. આ ગામનાં લગભગ બધાં જ ઘરઆંગણાંમાં અને દીવાલો પર સુંદર પેઇન્ટિંગ્સ જોવા મળે છે. કહી શકાય કે અહીં બધા જ લોકો કલાકાર છે અને કોઈ પણ પોતાના ઘરને પૈસા માટે નહીં પરંતુ સંસ્કૃતિને જાળવવા માટે પેઇન્ટિંગ કરે છે. જેમ દક્ષિણ ભારતમાં જમીન પર રંગોળીઓ રચવાની પ્રથા છે એમ નૉર્થ-ઈસ્ટના આ વિસ્તારોમાં દીવાલો પર રંગોળી ચીતરવામાં આવે છે. આ માટે ચોખાના પાઉડરની પેસ્ટ બનાવીને એનું પેઇન્ટિંગ દીવાલો પર કરવામાં આવે છે. ચોખાના લોટમાં કુદરતી ફૂલો અને હર્બ્સના રંગો ઉમેરીને હવે રંગોળીઓને રંગ પણ આપવામાં આવ્યો છે. એક સામાજિક સંસ્થાની પહેલથી થોડાં વર્ષો પહેલાં મકરસંક્રાન્તિ વખતે આખા ગામને રંગીને અહીં ખાસ ઉત્સવ મનાવવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી. એ દરમ્યાન આખા ગામનું એકેએક ઘર રંગોળીથી રંગાયેલું હતું. બંગાળીમાં રંગોળીને અલ્પોના કહેવાય છે એટલે આ ગામનું નામ જ ત્યારથી પડી ગયું અલ્પોના કે અલ્પના ગ્રામ.


પીઠા-પુલી ઉત્સવ

સંક્રાન્ત દરમ્યાન અહીં પીઠા-પુલી ઉત્સવ ઊજવાય છે. એ શું છે? પીઠા-પુલી ઉત્સવ પૂર્વ ભારત, ખાસ કરીને બંગાળી સંસ્કૃતિ સાથે જોડાયેલો પરંપરાગત શિયાળુ તહેવાર છે. એ સામાન્ય રીતે પોષ સંક્રાન્તિ અથવા મકર સંક્રાન્તિના સમયગાળા દરમ્યાન ઊજવવામાં આવે છે. આ ઉત્સવની ખાસિયત છે એમાં બનાવવામાં આવતી વિવિધ પરંપરાગત મીઠાઈઓ અને વાનગીઓ, જેને સામૂહિક રીતે પીઠા અથવા પીઠા-પુલી કહેવામાં આવે છે. એમાં ચોખાનો લોટ, નારિયેળ, ગોળ વગેરેનો ઉપયોગ થાય છે. અલ્પના ગ્રામના સંદર્ભમાં પીઠા-પુલી ઉત્સવ માત્ર ખાણી-પીણીનો તહેવાર નહોતો. એ ગામની લોકસંસ્કૃતિ, પરંપરા અને સ્થાનિક કલાને પ્રવાસીઓ સુધી પહોંચાડવાનું માધ્યમ પણ બન્યો હતો. ઉત્સવ દરમ્યાન બહારથી આવતા મુલાકાતીઓ સ્થાનિક લોકો પાસેથી પીઠા, શાકભાજી અને અન્ય પરંપરાગત વસ્તુઓ ખરીદતા હોવાથી ગામના પરિવારોને વધારાની આવક મળતી હતી. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગામમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. એની સીધી અસર તેમની આવક પર પણ પડી છે. ગામના લોકો માટે ઘરની દીવાલો પર દોરવામાં આવેલી આ કલાત્મક રચનાઓ માત્ર શણગાર પૂરતી મર્યાદિત નથી. એ તેમની સંસ્કૃતિ, ઓળખ અને ભવિષ્યની આશાઓનું પ્રતીક છે. સમય સાથે દીવાલો પરનાં ચિત્રોના રંગો ધીમે-ધીમે ઝાંખા પડી રહ્યા હતા, પરંતુ ૨૦૨૦માં ફરી આ ગામ ચર્ચામાં આવ્યું.


ગામની દીવાલોએ બદલી ઓળખ

અગરતલાથી થોડા જ અંતરે અને બંગલા દેશની સરહદ નજીક આવેલું લાંકામુરા ગામ આજે પોતાનાં સુંદર પરંપરાગત ભીંતચિત્રો માટે ઓળખાય છે. એક સમય હતો જ્યારે ગામની માટીની દીવાલો પર ચિતરાયેલા રંગબેરંગી અલ્પનાના નકશા અહીં આવતા પ્રવાસીઓનું ધ્યાન ખેંચતા હતા, પરંતુ થોડા સમય પહેલાં ગામની ચિંતા પણ વધી રહી હતી. અલ્પના ગ્રામની ઓળખ ૨૦૨૦માં વધુ મજબૂત બની જ્યારે ભારત સરકારના ઈસ્ટર્ન ઝોનલ કલ્ચરલ સેન્ટરના આર્થિક સહયોગ અને સંસ્કાર ભારતી ત્રિપુરાની પહેલથી લોકસંસ્કૃતિ પર એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. આ દરમ્યાન કલાકારોએ ગામનાં ઘરોની માટીની દીવાલોને પરંપરાગત અલ્પનાની કલાત્મક રચનાઓથી સજાવી હતી. આ ચિત્રોમાં ત્રિપુરાની લોકપરંપરા અને સાંસ્કૃતિક વારસાની સુંદર ઝલક જોવા મળતી હતી. આ કાર્યક્રમનું પરિણામ એ જ મળ્યું જે સોશ્યલ મીડિયાના જમાનામાં અપેક્ષિત હોય. દૂર-દૂરના લોકો સુધી એ પહોંચ્યું અને થોડા જ સમયમાં આ બદલાવને કારણે અલ્પના ગ્રામનું નામ પ્રવાસનના નકશા પર આવી ગયું. ત્રિપુરા ઉપરાંત દેશના અન્ય ભાગોમાંથી પણ લોકો આ ગામની મુલાકાતે આવવા લાગ્યા. આ વિસ્તાર પહેલાં ‘લાંકામુરા કાપાલી પારા’ તરીકે ઓળખાતો હતો, પરંતુ હવે લોકો એને ‘અલ્પના ગ્રામ’ તરીકે ઓળખે છે. અલ્પનાની કલાત્મક રચનાઓ જોવા માટે દેશના વિવિધ ભાગોમાંથી તેમ જ વિદેશથી પણ લોકો ગામની મુલાકાતે આવ્યા. મકરસંક્રાન્તિ દરમ્યાન યોજાતો ૩ દિવસનો વાર્ષિક પીઠા-પુલી ઉત્સવ પણ ગામની લોકસંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ રહ્યો છે. આજે ફરી પ્રવાસીઓની સંખ્યા ઘટી છે અને સ્થાનિક પરિવારો સામે આર્થિક પડકારો ઊભા થયા છે, પરંતુ આ સફર અહીં અટકી જવાની નથી. જો સરકાર, સ્થાનિક લોકો અને પ્રવાસીઓ સાથે મળીને આ વારસાને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરે તો અલ્પના ગ્રામ ફરી એક વાર પ્રવાસનના નકશા પર પોતાની આગવી ઓળખ બનાવી શકે છે. કદાચ જરૂર છે માત્ર થોડા નવા રંગોની, થોડા નવા પ્રયત્નોની અને ફરી એક વાર દેશ-દુનિયાનું ધ્યાન આ નાનકડા ગામ તરફ દોરવાની.

 

Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 05:49 PM IST | Alpana Gram | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK