જેઓ પોતાની જરૂરિયાત પોતે પૂરી કરી લે અને બીજા પાસેથી કશું લેતા નથી તેઓ સ્વાવલંબી-અપરિગ્રહી છે. ઋષિઓ આવા છે, પણ જેઓ પોતાની જરૂરિયાત પોતે પૂરી કરી શકતા નથી અથવા પૂરી કરતા નથી
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
જેઓ પોતાની જરૂરિયાત પોતે પૂરી કરી લે અને બીજા પાસેથી કશું લેતા નથી તેઓ સ્વાવલંબી-અપરિગ્રહી છે. ઋષિઓ આવા છે, પણ જેઓ પોતાની જરૂરિયાત પોતે પૂરી કરી શકતા નથી અથવા પૂરી કરતા નથી, પણ બીજાના દ્વારા પૂરી કરાવે છે તેઓ પરાવલંબી છે; ત્યાગી નથી. કારણ કે તેમની પાસે આપવા જેવું કશું હોતું નથી. જો તેઓ ઓછામાં ઓછી ચીજવસ્તુઓથી જીવન જીવતા હોય તો તેમને અપરિગ્રહી કહી શકાય; ત્યાગી નહીં. લોકો પાસે માગ-માગ કરીને વસ્તુઓનો ઢગલો કરવો એ ત્યાગ નથી અને અપરિગ્રહ પણ નથી, એ અપરાધ છે. હા, જે લોકો કશું માગતા નથી છતાં વસ્તુઓ આવે છે એનો સ્વીકાર કરીને યોગ્ય જગ્યાએ વિતરણ કરી દે છે, જેને ત્યાં ઇનકમિંગ અને આઉટગોઇંગની પ્રક્રિયા ચાલ્યા કરે છે તે લોકહિતકારી ત્યાગી છે. આવા ત્યાગીઓથી હજારોને જીવન મળતું હોય છે. આ વાંઝિયો ત્યાગ નથી, પણ સકારાત્મક-રચનાત્મક ત્યાગ છે. આપણે એ ત્યાગને મહત્ત્વ આપવું જોઈએ. જે પરાવલંબી પરાશ્રિત અને વાંઝિયો ત્યાગ છે એનાથી બચવું જોઈએ.
હું મારી જ વાત કરું. ઘણા સમય સુધી હું એકલો ઉઘાડા પગે, લક્ષ્મીનો સ્પર્શ કર્યા વિના રખડતો રહ્યો. ઘણાં દુ:ખ ભોગવ્યાં, પણ એથી ન તો મારું ભલું થયું, ન લોકોને કંઈ ઉપયોગી થઈ શક્યો. મોડે-મોડે સમજાયું કે આ વાંઝિયો ત્યાગ છે. એનાથી મુક્ત થવું જોઈએ. હું મુક્ત થયો અને લોકોને કોઈક રીતે ઉપયોગી થવા માંડ્યો. આ સકારાત્મક ત્યાગ છે જે મારા અને લોકો માટે સુખદાયી-હિતકારી છે.
ADVERTISEMENT
પ્રાચીનકાળમાં જીવન બહુ ધીમી ગતિએ ચાલતું. કોઈ પણ દેશ કે સમયમાં સૌથી વધુ ગતિવાળા વાહન દ્વારા તમે પ્રજાની જીવનગતિને માપી શકો છો. અત્યંત ધીમી ગતિએ ચાલનારાં વાહનો પ્રજાના પછાતપણાનો ખ્યાલ આપે છે. પહેલાં બળદગાડાં, પગપાળા, ઊંટ કે ઘોડા દ્વારા પ્રવાસ થતો. આમાં સૌથી વધુ ગતિ ઘોડેસવારની હતી, પણ ઘોડેસવારી સૌના નસીબમાં નહોતી. મોટા ભાગના લોકો પગપાળા કે બળદગાડામાં પ્રવાસ કરતા, જેની ગતિ બહુ ધીમી રહેતી, તો સામે ગંતવ્ય સ્થળ પણ નજીક જ રહેતું. દુનિયા નાની હતી અને લક્ષ્ય પણ નાનાં હતાં એટલે ધર્મે સાધુ-સંતો માટે પગપાળા પ્રવાસનો નિયમ કરી દીધો, જે સમયના પ્રમાણમાં યોગ્ય હતો, પણ સમય કદી સ્થગિત થતો નથી. નિયમોને પણ જો સ્થગિત કરી દેવાય તો સમય આગળ નીકળી જાય અને નિયમ પાળનારો વર્ગ પાછળ રહી જાય, જે પાછળ રહી જાય એ કોઈને ગમે નહીં. જીવન પાછળ રહેવા માટે નથી, આગળ ધપવા માટે છે. ધર્મમાં પણ આ જ વાત લાગુ પડે છે. જે રોકી રાખે, જે આગળ ન વધવા દે એ ધર્મ નહીં, બંધન છે.