ભગવદ્ગીતાના નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞતા અને ધર્મના સિદ્ધાંતોને નાણાકીય આયોજન, રોકાણ, સંપત્તિ સર્જન અને નાણાકીય સ્વતંત્રતા સાથે કેવી રીતે જોડી શકાય તે જાણો.
પ્રતીકાત્મક તસવીર
નાણાકીય બાબતોની વાત આવે ત્યારે આપણે સામાન્ય રીતે નાણાં વિશેનાં પશ્ચિમી લેખકોનાં પુસ્તકો તરફ નજર કરીએ છીએ અને આંકડા, વ્યાજના દર, બજારનાં વલણો વગેરેને વધુ મહત્ત્વ આપીએ છીએ. જોકે જ્યારે પ્રાચીન શાસ્ત્રોના દૃષ્ટિકોણથી નાણાંને સમજીએ છીએ ત્યારે સંપત્તિનું સંચાલન માત્ર પૈસા સાથે જોડાયેલી બાબત ન રહેતાં આધ્યાત્મિક અને નૈતિક પ્રક્રિયા બની જાય છે.
ગુરુ એટલે એવી વ્યક્તિ જે આપણને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢીને યોગ્ય માર્ગ બતાવે. એવી જ રીતે નાણાકીય બાબતોમાં સારો માર્ગદર્શક યોગ્ય માનસિકતા કેળવવામાં મદદ કરે છે. તે ઉતાવળમાં નિર્ણય લેતાં અટકાવે છે, શિસ્ત કેળવવામાં મદદ કરે છે અને પરિસ્થિતિને યોગ્ય દૃષ્ટિકોણથી જોવાની સમજ આપે છે. આ બધી બાબતો નાણાકીય આયોજનમાં પણ એટલી જ લાગુ પડે છે.
મહાભારતમાં કુરુક્ષેત્રના યુદ્ધ દરમ્યાન શ્રીકૃષ્ણ અર્જુનના માર્ગદર્શક બન્યા હતા. તેમણે ભગવદ્ગીતામાં એવા શાશ્વત ઉપદેશો આપ્યા હતા જેને યોગ્ય નાણાકીય આયોજન સાથે પણ સાંકળી શકાય છે.
નિષ્કામ કર્મ
ADVERTISEMENT
શ્રીકૃષ્ણનો અર્જુનને આપેલો સૌથી પ્રસિદ્ધ ઉપદેશ છે ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન’ એટલે કે ધ્યાન કર્મ કરવા પર હોવું જોઈએ, પરિણામ પર નહીં.
નાણાકીય દૃષ્ટિએ જોઈએ તો એનો અર્થ એ થાય કે બજારમાં થતી રોજબરોજની વધઘટથી ગભરાવાને બદલે શિસ્તબદ્ધ રોકાણ-પ્રક્રિયા પર ધ્યાન આપવું જોઈએ.
જે વ્યક્તિ બજારની અસ્થિરતા જોઈને તરત પ્રતિક્રિયા આપે છે તે બજારની હિલચાલ સાથે વધુ પડતી આસક્તિ ધરાવે છે. એને બદલે વ્યક્તિએ બજારની ટૂંકા ગાળાની વધઘટથી અલિપ્ત રહીને પોતાનાં નાણાકીય લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને કમ્પાઉન્ડિંગને સમય સાથે પોતાનું કામ કરવા દેવું જોઈએ. ટૂંકા ગાળાની પ્રતિક્રિયાઓ લાંબા ગાળાની નાણાકીય યોજનાને નુકસાન પહોંચાડી શકે છે.
સ્થિતપ્રજ્ઞતા
સ્થિતપ્રજ્ઞતા એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ મનથી સંતુલિત રહે છે અને સુખ કે દુઃખથી વધારે પડતી અસર પામતી નથી. રોકાણ ક્યાં અને કેવી રીતે કરવું એ નક્કી કરવામાં ભય અને લોભ જેવી લાગણીઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
બજાર સતત વધી રહ્યું હોય ત્યારે વધુ ને વધુ વળતર મેળવવાની લાલચ લોકોને વધુ જોખમી રોકાણોમાં પૈસા મૂકવા પ્રેરિત કરી શકે છે. બીજી તરફ બજાર ઘટી રહ્યું હોય ત્યારે ભયને કારણે લોકો નુકસાનમાં પણ પોતાનું રોકાણ વેચી દે છે.
સંતુલિત મન ધરાવતી વ્યક્તિ પરિસ્થિતિનું સમગ્ર વિશ્લેષણ કરે છે, શાંત રહે છે અને તર્કસંગત અભિગમ અપનાવીને નિર્ણય લે છે.
ધર્મ અને સંપત્તિનું સર્જન
આપણાં શાસ્ત્રો સંપત્તિનું સર્જન યોગ્ય અને નૈતિક રીતે કરવાની વાત કરે છે. વધુ ને વધુ કમાવાની દોડમાં કેટલીક વ્યક્તિઓ છેતરપિંડી કે અનૈતિક રીતોનો સહારો લે છે.
પૈસા કમાવા એ પાપ નથી, પરંતુ સંપત્તિનો સંગ્રહ કરીને એનો યોગ્ય હેતુ માટે ઉપયોગ ન કરવો એ યોગ્ય નથી. સંપત્તિનો એક હિસ્સો હંમેશાં દાન અને સમાજના કલ્યાણ માટે ફાળવવો જોઈએ. સાચી નાણાકીય સ્વતંત્રતા માત્ર ઊંચી નેટવર્થ ધરાવવામાં નથી, નાણાકીય ચિંતાથી મુક્ત રહેવામાં છે.
-ફોરમ શાહ
