° °

આજનું ઇ-પેપર
Monday, 18 October, 2021


આ સન્નારીના ઘર અને મનમાં છે શ્લોકનું સામ્રાજ્ય

29 August, 2021 04:39 PM IST | Ahmedabad | Shailesh Nayak

અમદાવાદનાં ૭૩ વર્ષનાં વૈદેહીબહેન અધ્યારુએ ૧૮ વર્ષ મહેનત કરીને શ્રીમદ ભગવદ્ગીતાના ૧૮,૦૦૦ શ્લોક અને એના પર થયેલી ટીકાઓનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તેમના ઘરના ખૂણેખૂણા અને ગાર્ડનમાં લગભગ ૧૦૦૦થી વધુ શ્ળોક લાકડાના થડા અને કાર્ડબોર્ડ પર રાખ્યા છે

ગીતાના ૭૦૦ શ્લોકો કબાટની જેમ ફોલ્ડ કરી શકાય એમ કાર્ડબોર્ડ પર કોતરાવ્યા છે

ગીતાના ૭૦૦ શ્લોકો કબાટની જેમ ફોલ્ડ કરી શકાય એમ કાર્ડબોર્ડ પર કોતરાવ્યા છે

‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે,

દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે...’

ભક્ત કવિ નરસિંહ મહેતાનું આ પદ ભગવાન શ્રીકૃષ્ણના વિરાટ અલૌકિક સ્વરૂપની ઝાંખી કરાવે છે. ભક્ત નરસૈંયો હોય કે પછી મીરાબાઈ હોય, ગંગાસતી હોય કે પાનબાઈ હોય, આ દિવ્યાત્માઓને પ્રભુભક્તિ કરતાં-કરતાં ઈશ્વરીય કૃપાનો સાક્ષાત્કાર થયો અને શ્રીકૃષ્ણની દિવ્યતાનો અહેસાસ કર્યો અને તેમનું જીવન ધન્ય બન્યું. જોકે પરમ તત્ત્વને પામ્યાની દિવ્યતાનો અહેસાસ આજે કળિયુગમાં પણ થઈ રહ્યો છે. કથા સાંભળતાં-સાંભળતાં અમદાવાદનાં ૭૩ વર્ષનાં સન્નારી વૈદેહી પાર્થિવકુમાર અધ્યારુને પ્રભુ પ્રત્યે એવો ભાવ જાગ્યો કે તેમણે શ્રીમદ ભાગવત પુરાણના ૧૨ સ્કંધના ૧૮,૦૦૦ શ્લોકોનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું. શ્લોકોની સાથે શ્રીધર મહારાજે એના પર કરેલી ટીકાઓ–વિવેચન સાથે પાંચ ગ્રંથના ૫૦૦૦ જેટલાં પેજ લખ્યાં. ભાગવત પુરાણના ભાષાંતર સાથે એનો અભ્યાસ પણ થાય એ માટે તેઓ સંસ્કૃતના વિશેષજ્ઞો સાથે પલાંઠી વાળીને શીખવા બેઠાં. કામ ભગીરથ હતું એટલે ૧૨ સ્કંધના ૧૮,૦૦૦ શ્લોકોનો અનુવાદ કરતાં તેમને પૂરાં ૧૮ વર્ષ થયાં. આ ભાષાંતર કરવાની સફર તેમના જીવનને ધરમૂળથી બદલી નાખે એવી રહી એમ જણાવતાં વૈદેહીબહેન કહે છે, ‘આ પ્રક્રિયા દરમ્યાન કંઈકેટલુંય મનોમંથન થયું, ચિંતન થયું, પ્રભુને નજીકથી જાણવાનો અને માણવાનો દિવ્ય અનુભવ થયો અને પ્રભુ સાથે એવો તો એકાકાર થયો અને અભ્યાસ દરમ્યાન પ્રભુ સાથે એવું તો તાદાત્મ્ય સંધાયું કે જીવન જોવાનો નજરિયો જ બદલાઈ ગયો.’

વૈદેહીબહેન અધ્યારુએ ઘરના ગાર્ડનથી લઈને પ્રવેશદ્વારથી શરૂ કરીને ઘરના દરેક ખૂણે તમને જે-તે જગ્યાને અનુરૂપ હોય એવા શ્લોકોની કોતરણી જોવા મળશે

કથામાંથી થઈ શરૂઆત

કથા સાંભળવા તો બધા જાય જ છે, પણ એ કથાના સારને સમજવા કહેવાયેલી વાતમાં ઊંડાં ઊતરવાની આદત વૈદેહીબહેનને આ નવી જ દિશામાં ખેંચી લાવી. એ વિશે વાત કરતાં વૈદેહી અધ્યારુ કહે છે, ‘હું કથા સાંભળવા બહુ જતી હતી. ત્યારે મને થતું કે આ શાસ્ત્રોનો અભ્યાસ કરવા જેવો છે. ઊંડા અભ્યાસ માટે કોઈ જ્ઞાની સાથે બેસવું પડે એટલે હું નર્મદાશંકર શાસ્ત્રી પાસે પહોંચી ગઈ અને તેમને કહ્યું કે મારે અભ્યાસ કરવો છે અને આમ મારા અભ્યાસની યાત્રા શરૂ થઈ. ૧૮,૦૦૦ શ્લોકો અને એના પર શ્રીધર સ્વામીએ ટીકા લખી છે જે શ્રેષ્ઠ ગણાય છે એનો અનુવાદ કોઈ પણ પ્રાદેશિક ભાષામાં નથી થયો એનો અનુવાદ કરવાનું મારી જાતે શરૂ કર્યું. નર્મદાશંકર કૃષ્ણરામ શાસ્ત્રી પાસે હું ભણી અને ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના નિવૃત્ત અધ્યક્ષ પ્રો. ડૉ. એલ. વી. જોષીએ મને માર્ગદર્શન આપ્યું. મારે અઠવાડિયામાં ત્રણ વખત જવાનું થતું, મેં જે લખ્યું હોય એ તેઓ ચેક કરે સુધારો હોય તો કરાવે. શ્રીધર મહારાજની ટીકાઓ ભક્તિસભર છે, જેથી ઊંડાણપૂર્વક જ્ઞાન પ્રાપ્ત થાય છે. અભ્યાસ અને શ્લોકોના અનુવાદ દરમ્યાન ખૂબ ઊંડાણપૂર્વક હું શ્લોકોને જાણી અને માણી શકી. સૌંદર્યભર્યા અને અર્થસભર શ્લોકો છે. મનોમંથન અદ્ભુત રહ્યું. જ્યાં સુધી કામ ચાલ્યું ત્યાં સુધી હું એક અલગ જ દુનિયામાં રહેતી. મન સતત એમાં જ રહેતું. આજના સંદર્ભમાં યુવાનોને એ ખૂબ ઉપયોગી થઈ પડે એમ છે. ભલે એ પૌરાણિક વાતો કહેવાય એમ છે, પરંતુ એ સાંપ્રત સ્થિતિમાં પણ એટલું જ ઉપયુક્ત છે. એ આપણી સામે અરીસો ધરે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિનું આક્રમણ થઈ રહ્યું છે ત્યારે આપણી સંસ્કૃતિમાં વિશ્વાસ વધુ મજબૂત કરે એવું ઉપયોગી જ્ઞાન એમાં છે.’

શબ્દોની અભ્યાંતર યાત્રા

ઇકૉનૉમિક્સનો અભ્યાસ કરનાર વૈદેહી અધ્યારુ કેવી રીતે અભ્યાસ અને અનુવાદ કરતાં-કરતાં પરમ તત્ત્વની સમીપ પહોંચ્યાં એની વાત કરતાં કહે છે, ‘કથાની કેડી પકડીને પરમ તત્ત્વ સુધી પહોંચી શકો છો. જીવનને કેવી રીતે યોગ્ય બનાવવું, કેવી રીતે જીવવું એની દૃષ્ટિ કેળવાય છે. જ્ઞાનરૂપી દીવો મનુષ્યને શાંત કરે છે અને ભક્તિ જગાડે છે. શબ્દના સહારે અભ્યાંતર યાત્રા કરાવે છે. ભગવાનને જાણવા-જોવામાં અને તેમનામાં પ્રવેશ કરવા બુદ્ધિ પ્રેરે છે. જેમ-જેમ હું વાંચતી ગઈ ત્યારે થયું કે જીવન કૃષ્ણ માટે હોવું જોઈએ. એક ક્ષણ પણ બગાડવી ન જોઈએ. જેમ-જેમ વાંચો એમ દૃષ્ટિ વિશાળ થાય છે. આપણું ચિત્ત વિશાળ થતું જાય છે. ભક્તિજ્ઞાન થતું જાય છે અને સાચું કહું તો મને કૃષ્ણ સાથે બંધન થયું છે. મેં આંતરિક વિકાસનો અનુભવ કર્યો છે. આપણી જિંદગીમાં રોજ ચૅલેન્જ આવે છે એની સામે ઝઝૂમવાની શક્તિ આવે છે. કોઈ મદદ કરી રહ્યું હોય એવું લાગ્યા કરે છે. અભ્યાસ અને અનુવાદ કરતી વખતે ઘણી વખત મને એમ થતું કે મને આમાં સમજ પડતી નથી, કામ કેમ કરવું, પણ બીજા દિવસે કામ આવડી જાય એવી ઈશ્વરીય કૃપાનો અહેસાસ થયો છે. સાચું કહું તો ઈશ્વર, ગુરુદેવ અને સદ્ગુરુની કૃપાથી જ આ કામ થયું છે અને એનું આ પરિણામ છે.’

ગીતા અને ભાગવત વચ્ચે ફરક

શ્રીમદ ભાગવતના ગીતા પ્રેસ દ્વારા આ ગુજરાતી અનુવાદિત પુસ્તક પ્રકાશિત થયું છે. એ વિશે વાત કરતાં વૈદેહી અધ્યારુ કહે છે, ‘ગીતા અને ભાગવત વચ્ચે ફેર છે. ભાગવતના ૧૮,૦૦૦ શ્લોક છે, જ્યારે ગીતાના ૭૦૦ શ્લોક છે. ગીતા ભગવાને પોતે કહી છે. ભાગવત શુકદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવ્યું હતું, જ્યારે ગીતા શ્રીકૃષ્ણએ અર્જુનને સંભળાવી હતી. અગ્નિને અજાણતાં અડવાથી દાઝી જવાય એમ સમજાવ્યા વિના તમે શ્લોકનો પાઠ કરો તો પણ એના માધુર્યનો અનુભવ થાય જે મને થયો. આ ગ્રંથ લોહીચુંબક જેવો છે. મને સુંદર અનુભવ થયા, મારી વાણી પવિત્ર થઈ, મારું મન જાગી ગયું.’

સંસ્કૃત શ્લોકોનું સામ્રાજ્ય

એક ગૃહિણી તરીકેની જવાબદારી નિભાવવાની સાથે-સાથે સંસ્કૃતનો અભ્યાસ કરવા જવું તેમ જ અનુવાદ કરવાનું કામ પણ કરવાનું હોય ત્યારે ફૅમિલીના સપોર્ટ વગર એ શક્ય બનતું નથી એમ જણાવીને વૈદેહી અધ્યારુ કહે છે, ‘આ કામગીરી દરમ્યાન મને ફૅમિલીનો સપોર્ટ મળ્યો હતો. મારી દીકરીઓ પાર્થીવી, ગૌરવી અને પ્રિયા તેમ જ દીકરો પાર્થ અને મારા હસબન્ડ પાર્થિવનો સહકાર મળ્યો. અમારા ઘરમાં સરસ્વતીદેવીનું વાતાવરણ ઊભું થયું છે.’

અનુવાદની આ પ્રક્રિયાથી વૈદેહીબહેનના જીવનમાં અને ઘરમાં ધરમૂળથી ફરક આવી ગયો છે. તેમના ઘરમાં ચોતરફ તમને ગીતા, ભાગવત, ઉપનિષદ, વેદ અને પુરાણોમાંના અઢળક શ્લોકો કોતરેલા જોવા મળશે. બંગલામાં પ્રવેશો કે તરત જ વેણુગીતામાંથી લીધેલા શ્લોક જોવા મળે. બેઠકરૂમમાં અતિથિઓને લગતા, ડાઇનિંગ રૂમમાં ભોજનને લગતા અન્નદેવતાને રીઝવતા શ્લોકો જોવા મળશે. વૈદેહીબહેન કહે છે, ‘અમારા ઘરમાં સરસ્વતીદેવીનું વાતાવરણ ઊભું થયું છે. શ્લોકોનો અનુવાદ કરતાં-કરતાં મને એના ભાવમાં રસ પડવા લાગ્યો. એ શ્લોક યાદ રહે એ માટે એને ઘર અને ગાર્ડનમાં લાકડા પર કોતરીને લગાવવાનું શરૂ કર્યું. ગાર્ડનમાં રાખેલા શ્લોકોનું લાકડું બગડી જતું હોવાથી હવે ઘણીખરી ચીજો ઘરમાં જ રાખી છે.’

સંસ્કૃત વિના જીવનની કલ્પના ન કરી શકતાં વૈદેહીબહેનના જીવનમાં ચોતરફ શ્લોકોનું સામ્રાજ્ય છે. તેઓ શ્લોકવાળી સાડી બનાવીને પહેરે અને ગિફ્ટમાં પણ એ જ આપે.

આપણા ધર્મગ્રંથોમાં કેવી ઈશ્વરીય શક્તિ રહી છે કે એનું શ્રવણ કરવાથી કે પછી એનો અભ્યાસ કરવાથી વ્યક્તિ પરમ તત્ત્વની સમીપ પહોંચી શકે છે.

29 August, 2021 04:39 PM IST | Ahmedabad | Shailesh Nayak

અન્ય લેખો

સંસ્કૃતિ અને વારસો

નવરાત્રિની સાચી ઉજવણી ત્યારે જ્યારે આપણે અંબિકાને ઊડવા માટે ખુલ્લું આકાશ આપીશું

જે સ્વતંત્રતા આપણો સમાજ પુરુષને આપે છે એ સ્ત્રીને કેમ આપી શકતો નથી?

15 October, 2021 07:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંસ્કૃતિ અને વારસો

નવરાત્રિની સાચી ઉજવણીઃ જ્યારે આપણે આપણી અન્નપૂર્ણા પર રસોડાનો સમગ્ર ભાર ન નાખીએ

દરેક સ્ત્રીને રસોઈ બનાવતાં તો આવડવું જ જોઈએ આ માન્યતા વર્ષો જૂની છે. જોકે આજની વર્કિંગ અન્નપૂર્ણા એકસાથે પચાસ યુદ્ધક્ષેત્રે લડતી હોય ત્યારે સંપૂર્ણ રસોડાનો ભાર તેના એકલા પર યોગ્ય નથી

12 October, 2021 12:27 IST | Mumbai | Jigisha Jain
સંસ્કૃતિ અને વારસો

ઘર-ઘરમાં શક્તિની આસ્થા અપરંપાર

ગરબાના શોખીન ખેલૈયાઓના ઉત્સાહ પર ભલે પાણી ફરી વળ્યું હોય, પણ ઘરના માહોલને જોઈએ તો માતાજીની ભક્તિ માટેનો ઉમળકો એવો જ અકબંધ છે

12 October, 2021 10:55 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK