જીવનપથ પર આગળ વધવા માટે માણસ વાહનની મદદ લે છે
મિડ-ડે લોગો
જીવન એક યાત્રા છે એવું આપણે ઘણી વાર સાંભળ્યું છે તો ઘણા વિદ્વાનોએ જિંદગીને યાત્રા સાથે સરખાવી પણ છે. તુલસીદાસ પાસે એક મૌલિક દૃષ્ટિકોણ છે. તેઓ કહે છે કે જીવન એક એવી યાત્રા છે જેમાં મુસાફર પોતે ક્યાંથી આવ્યો છે એ ભૂલી જાય છે, પોતે ક્યાં જવાનો છે એ પણ ભૂલી જાય છે અને હદ તો ત્યાં આવે છે કે પોતે કોણ છે એ પણ તે ભૂલી જાય છે.
જીવનપથ પર આગળ વધવા માટે માણસ વાહનની મદદ લે છે. સંસારમાં રહીને સાધક ગમે એ વાહન પસંદ કરે, પણ સંસાર નામની જમીન સાથે સંપર્ક જળવાઈ રહે એ મૂળભૂત શરત છે. જો સંન્યાસ લે તો સંસારનો સંપર્ક તોડવો અનિવાર્ય શરત છે. બન્ને માર્ગ અને તમામ વાહનો સાચાં છે, માત્ર પસંદગી વ્યક્તિગત હોય છે. તુલસીદાસજીએ માનવને કેન્દ્રમાં રાખી જીવનને સ્પર્શતા કેટલાક સવાલોના જવાબો આપ્યા છે.
ADVERTISEMENT
હવે એક પછી એક એ સવાલની વાત કરીએ, જેમાં પહેલો સવાલ છે...
હું કોણ છું?
આ સવાલના જવાબમાં તુલસીદાસ કહે છે કે આપણે બાળક હતા ત્યારે કેવા હતા અને શું કરતા હતા એ કોઈને યાદ નથી. જો દરેકને પોતાનું બાળપણ યાદ હોય તો અત્યારે એક પણ મા-બાપ ઘરડાઘરમાં ન હોત. આપણને આ જન્મનું યાદ નથી તો ચોર્યાસી લાખ જન્મની વાતો તો ક્યાંથી યાદ હોય. આ જ તો કારણ છે કે ભારતના ઋષિઓએ સદીઓ પહેલાં સવાલ કર્યો હતો કે હું કોણ છું, હું શા માટે આવ્યો છું, હું ક્યાંથી આવ્યો છું, હું ક્યાં જવાનો છું?
આ તમામ પાયાના સવાલો છે, જેમાંથી એક પણ સવાલનો જવાબ આપણી પાસે નથી એ અફસોસની વાત છે.
પોતાની જીવનયાત્રા દરમ્યાન માણસ સાઠ-સિત્તેર અને વધી-વધીને એંસી તો ખાસ કિસ્સામાં જ નેવું વરસના વિઝા લઈને પૃથ્વી નામના પરદેશમાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં સવાર-સાંજ તેણે પ્રાર્થનાના ટેલિફોનથી મૂળ દેશ અને મૂળ ઘરના ખબરઅંતર પૂછતા રહેવું જોઈએ, પણ આપણે તો ફરવા આવ્યા હતા ને પૃથ્વી નામના આ પરદેશમાં ધામા નાખીને રોકાઈ પડ્યા છીએ!
ગીતાકારે ગીતા દ્વારા અર્જુનની યાદ પાછી આપી. છેલ્લે અર્જુને કહ્યું હતું કે મને મારી સ્મૃતિ પાછી મળી છે, હવે હું સ્વસ્થ અને શાંત છું. જો એ જ રીતે દરેક માનવીને પોતાની સ્મૃતિ પાછી મળે અને પોતે ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે જેવા સવાલોથી લઈને તે શા માટે આવ્યો છું અને શું કામ તેણે એ દિશામાં જવાનું છે? એના જવાબ મેળવવા માંડે કે પછી એ દિશામાં થોડુંઘણું પણ તેને સમજાય તો બહુ મોટી આધ્યાત્મિક જાગૃતિ આવી શકે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


