વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વચ્ચે સીધો કોઈ સંબંધ નથી, પણ વાસ્તુશાસ્ત્રમાં મહત્ત્વના ગુણ ઉમેરવાનું કામ જ્યોતિષશાસ્ત્ર કરે છે એ કોઈએ ક્યારેય ભૂલવું ન જોઈએ.

પ્રતીકાત્મક તસવીર
આપણી વાત ચાલી રહી છે વાસ્તુશાસ્ત્રની અને એમાં આપણી ગયા રવિવારે ઘર કે ઑફિસ કેવા પ્લૉટ પર હોવાં જોઈએ તથા એની એન્ટ્રી કેવી હોવી જોઈએ એના વિશે વાત કરી. આ વખતે પણ આપણે એ જ વિષયને આગળ વધારવાના છીએ અને વાસ્તુશાસ્ત્ર સાથે જ્યોતિષશાસ્ત્રને સાંકળીને આ ટૉપિકને લગતા પ્રશ્નો વિશે વાત કરીશું.
વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વચ્ચે સીધો કોઈ સંબંધ નથી, પણ વાસ્તુશાસ્ત્રમાં મહત્ત્વના ગુણ ઉમેરવાનું કામ જ્યોતિષશાસ્ત્ર કરે છે એ કોઈએ ક્યારેય ભૂલવું ન જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં વધારે અસરકારક કોણ પુરવાર થયું છે?
વાસ્તુશાસ્ત્ર. કેવી રીતે એ વાતને ઉદાહરણ સાથે સમજીએ. જ્યોતિષશાસ્ત્ર સૂચવે છે કે એક વ્યક્તિ કરોડપતિ બનશે, પણ વાસ્તુશાસ્ત્ર કરોડપતિ બનનારા માણસને એક કરોડથી ૯૯ કરોડ સુધીની યાત્રામાં સ્પષ્ટતા લાવવાનું કામ કરે છે. જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ છીએ ત્યારે કહેવાનું કે કોઈના પણ જન્મના ગ્રહ ખરાબ નથી હોતા. ફરક માત્ર એટલો છે કે ગ્રહો પાસેથી કેવું કામ લેવું અને કઈ રીતે લેવું એ વિશે તેને સમયસર ખબર પડી જાય છે. આપણા દેશના એક અત્યંત ધનાઢ્ય એવા સ્વર્ગીય ઉદ્યોગપતિની જન્મકુંડળીમાં કાર્લસર્પ યોગ હતો અને એ પછી પણ તેમણે એવડું મોટું એમ્પાયર ઊભું કર્યું કે દુનિયા આખી જોતી રહી ગઈ, જ્યારે આજે પણ આપણે ત્યાં અનેક જ્યોતિષીઓ કાર્લસર્પ યોગને ખરાબ ચીતરવાનું કામ કરે છે! સીધો સવાલ છે કે જો એવું જ હોય તો પેલા ઉદ્યોગપતિ કેવી રીતે મલ્ટિબિલ્યનેર બન્યા? તેમણે તો દેવાળિયા રહેવું જોઈએ. પણ ના, એવું નથી થયું. આજે ભારતવર્ષ તેમના પર ગૌરવની લાગણી અનુભવે છે. કહેવાનો ભાવ એટલો જ કે તમને તમારા ગ્રહોની અવસ્થા જેટલી વહેલી ખબર પડે એટલું વહેલું તમે એની પાસેથી તમારે જોઈતું કામ લઈ શકો.
ખરાબ જન્મના ગ્રહો અને સારું વાસ્તુ. આ કૉમ્બિનેશન કેવું રિઝલ્ટ આપે?
ઘણું સારું રિઝલ્ટ આપે. પહેલી વાત તો એ કે કોઈ ગ્રહ ખરાબ હોતા નથી એટલે ખરાબ ગ્રહનો પ્રશ્ન નીકળી જાય છે. બીજી વાત. સારું વાસ્તુ જે-તે ગ્રહ પાસેથી બેસ્ટ રિઝલ્ટ લેવાની કુનેહ આપવાનું કામ કરે એટલે નૅચરલી સારા વાસ્તુનું પરિણામ વધારે ઊજળી રીતે જોવા મળે.
ખરાબ વાસ્તુ અને સારા જન્મના ગ્રહ. આ કૉમ્બિનેશન કેવું રિઝલ્ટ આપે?
જાતવાન ઘોડાને ઘોડાગાડીમાં જોડી દેવામાં આવે તો શું એ ડર્બી જીતી શકે ખરો? જો તમારો જવાબ ના હોય તો તમને જવાબ મળી ગયો છે અને જો તમે આ સવાલ સમજી ન શક્યા હો તો તમને કહેવાનું કે ઘોડાગાડીમાં જોતરાયેલો ઘોડો ભૂખ્યો નથી મરતો. એનો માલિક એને ખાવાનું તો આપી જ દે છે, પણ જો એ ડર્બીમાં ઊતર્યો હોત તો એના જૅકપૉટ જીતવાના ચાન્સ વધી ગયા હોત અને જો એવું બન્યું હોત તો એ ઘોડાને શ્રેષ્ઠ ખોરાક અને શ્રેષ્ઠ માવજત મળ્યાં હોત. દરરોજ જમવામાં ચણા અને ગોળ ખાવા મળતા હોત અને દરરોજ તેણે પગ ઘસતા શહેરભરમાં ફરવું ન પડ્યું હોત.
ખરાબ વાસ્તુ જાતવાન વ્યક્તિને ઘોડાગાડીનો ઘોડો બનાવી દેવા માટે સમર્થ હોય છે. એના ગ્રહ સારા છે એટલે એણે ખોરાક માટે ભટકવું નથી પડતું, પણ સારા ગ્રહોને વાસ્તુનો સહકાર મળ્યો નહીં એટલે તે ગોળ-ચણાનો ખોરાક મેળવી શક્યો નહીં. સિમ્પલ.