આપણે વાત કરીએ છીએ એવા સવાલોની જે વ્યક્તિગત રીતે કોઈ એકના નહીં પણ અનેકાનેક લોકોના મનમાં હોય છે. આજે પણ એવા જ કેટલાક સવાલોના જવાબો આપવાના છે. એ જવાબો મહત્તમ લોકોને લાભદાયી પુરવાર થાય એમ છે. આ સવાલોમાં આજે આપણે વાસ્તુશાસ્ત્રના એવા સવાલોની વાત કરીશું

પ્રતીકાત્મક તસવીર
વાસ્તુશાસ્ત્રને શાસ્ત્રોમાં કલ્પશાસ્ત્ર ગણવામાં આવ્યું છે. જેમ કલ્પવૃક્ષ નીચે બેસીને કરવામાં આવેલી ઇચ્છા હંમેશાં ફળીભૂત થાય છે એવી જ રીતે વાસ્તુશાસ્ત્ર પણ વ્યક્તિની ઇચ્છાને સાકાર કરે છે.
આજકાલ બિલ્ડિંગમાં રહેવાનું બને છે. એવા સમયે કોઈ એક જગ્યાએ રહેતી વ્યક્તિને એ બિલ્ડિંગ ફળે અને કોઈ અન્યને ન ફળે એવું કેવી રીતે બની શકે?
જન્મના ગ્રહોના કારણે. જો કોઈના જન્મના ગ્રહ અત્યંત તેજવાન હોય તો તેને નબળા વાસ્તુમાં પણ અસર થતી નથી એવું દેખાતું રહે, પણ હકીકતમાં એવું હોતું નથી. નબળા વાસ્તુની અસર તેને થતી હોય છે. તેની પ્રગતિની ગતિ અટકી જાય છે કે પછી પ્રગતિ ખોરંભે ચડે છે, પણ એ દેખાય કે સમજાય એ પહેલાં ખાસ્સો લાંબો સમય પસાર થઈ જતો હોવાથી બેઝિક પિક્ચર એવું ઊભું થાય છે કે વાસ્તુદોષ એ વ્યક્તિને નુક્સાન નથી કરતો. જોકે કહ્યું એમ વાસ્તુદોષ તેને નડે છે અને એ તેના ભવિષ્યના પ્લાનિંગને ગોટાળે ચડાવી દે છે. કહેવાનો મતલબ એટલો જ કે ખરાબ વાસ્તુ બધાને નડતું જ હોય છે અને સારું વાસ્તુ દરેકને લાભ કરાવતું હોય છે, પણ જન્મના ગ્રહોના આધારે એની અસર દેખાવામાં સમય પસાર થતો હોય છે.
પ્લૉટ ખરાબ હોય, પણ ફ્લૅટ વાસ્તુ મુજબ બન્યો હોય તો શું ખરાબ પ્લૉટની અસર ન થાય?
ગાડી તમારી બીએમડબ્લ્યુ હોય, પણ એમાં પેટ્રોલ નબળી ક્વૉલિટીનું વાપરીએ તો ચાલે કે ન ચાલે? નબળી ક્વૉલિટીનું પેટ્રોલ ગમે એટલી સારી ક્વૉલિટીની ગાડી વાપરતા હો તો પણ એ ગાડીને બગાડે. એવું જ વાસ્તુનું છે. એટલે હંમેશાં યાદ રાખવું કે સારા પ્લૉટ પર બનેલા બિલ્ડિંગમાં ફ્લૅટ લેવાની કોશિશ કરવી. બીજી વાત, નબળા પ્લૉટની અસર ત્યાં બનેલા તમામ ફ્લૅટ પર ડિવાઇડ થતી હોય છે એટલે એ રીતે પણ એની નકારાત્મકતાની અસર વહેંચાતી જતી હોય છે. જોકે એનો મતલબ એવો ન કરવો કે નબળો પ્લૉટ ચાલે. ખબર પડી જાય તો એવા પ્લૉટ પર સંપત્તિ ખરીદવી હિતાવહ નથી.
ઘર કે ઑફિસ ખરીદવામાં કેવી એન્ટ્રી હોય તો એ જગ્યા ખરીદવી જોઈએ અને કઈ એન્ટ્રી હોય તો એ જગ્યા ખરીદવી ન જોઈએ?
ઘર હોય કે ઑફિસ, ઈશાન એન્ટ્રી સૌથી લાભદાયી છે એ વાત હંમેશાં યાદ રાખવી. ઈશાન એટલે નૉર્થ-ઈસ્ટ કૉર્નર. આ જગ્યા પર ભગવાનનો વાસ છે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે અને આ જ કારણોસર આ સ્થાન પર ઘર કે ઑફિસનું મંદિર રાખવામાં આવે છે. બીજો સવાલ છે કે કઈ એન્ટ્રી હોય તો ઘર કે ઑફિસ બિલકુલ ન ખરીદવાં.
નૈર્ઋત્ય એટલે કે સાઉથ-વેસ્ટ કૉર્નરમાં જેનું પ્રવેશદ્વાર હોય એવી સંપત્તિ ક્યારેય ખરીદવી નહીં. વાસ્તુશાસ્ત્રમાં એક ઉક્તિ છે એ તમને સહેજ યાદ દેવડાવવાની. નૈર્ઋત્યની એન્ટ્રી એટલે વિકાસની એક્ઝિટ. નૈર્ઋત્ય કૉર્નર અત્યંત લાભદાયી છે. ઘરમાં તિજોરી પણ આ જ ખૂણામાં રાખવાની હોય છે. એવા સમયે જો વ્યક્તિના ઘર કે ઑફિસનો એ ખૂણો જ કપાતો હોય અને એ જગ્યાએથી જ એન્ટ્રી થતી હોય તો ઘર કે ઑફિસમાં પ્રવેશતી પૉઝિટિવ એનર્જી સ્ટોર નથી થતી એટલે એ એન્ટ્રીની સંપત્તિ ખરીદવાનું ટાળવું. આ સિવાય પણ અંદરની વ્યવસ્થા શું છે એ પણ બહુ મહત્ત્વનું છે એટલે માત્ર આટલી વાતથી એવું ધારી ન લેવું કે સંપત્તિ પૂરા ગુણ ધરાવે છે.