વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે માનવતાના સુખ માટે, હિત માટે પ્રયત્નો કરવા એનું નામ પુણ્ય છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગઈ કાલે કહ્યું એમ, જેવું પાપનું એવું જ પુણ્યનું માનવામાં આવે છે. તીર્થસ્થાન, ઉપવાસ, યાત્રા, યજ્ઞ જેવી અનેક ક્રિયા છે જેને મહાપુણ્ય માનવામાં આવે છે. પુણ્યની ભ્રાંત વ્યાખ્યાને કારણે લોકો જેમાં કશુંય પુણ્ય નથી એમાં પણ રચ્યાપચ્યા રહે છે અને ખરા પુણ્યભાવ તરફ ઉપેક્ષા કરે છે. સ્નાન કરનારને સ્વર્ગ મળે કે નવો ઉત્તમ જન્મ મળે કે એનાં બધાં પાપ ધોવાઈ જાય. એવી જ રીતે, ઉપવાસ પણ આરોગ્ય માટે તથા અમુક અંશે માનસિક સ્વસ્થતા માટે ઉપયોગી સાધન છે, પણ એથી કોઈ પુણ્ય નથી થતું અને ઉપવાસ કરો નહીં તો કોઈ પાપ નથી થતું. જેને જરૂરી લાગે તે કરે, જેના માટે જરૂરી ન હોય તે ન કરે.
આમ જ યાત્રા-પ્રવાસ પણ જ્ઞાનવૃદ્ધિ માટે ઉપયોગી છે, પણ એ પુણ્યનું કાર્ય નથી. પશુબલિ તથા અન્નબલિવાળા યજ્ઞોથી કોઈ જ પુણ્ય નથી થતું. ખરેખર તો પુણ્ય એનું નામ છે, જેમાં કોઈ દીનદુખી-લાચાર માણસની આંતરડીને ઠારવામાં આવે. કોઈને સુખી કરવા, લોકો કે જંતુઓનાં દુ:ખ દૂર કરવાં કે હળવાં કરવાં એનું નામ પુણ્ય છે. વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે માનવતાના સુખ માટે, હિત માટે પ્રયત્નો કરવા એનું નામ પુણ્ય છે. જેનાથી આત્માનું, સમાજનું, રાષ્ટ્રનું કે માનવતાનું કશું જ કલ્યાણ ન થતું હોય એવું કઠોર તપ કે કઠોર વ્રત એ પુણ્ય નથી. મોહપૂર્ણ દેહદમન માત્ર છે. વેદના ને અંધકાર સિવાય એનું કશું પરિણામ નથી.
આવનારા સમયમાં ધર્મ સામે એક મોટો પડકાર આવી રહ્યો છે કે તે માનવતાલક્ષી આચારો અર્થાત્ પાપ-પુણ્યની કેટલી સ્પષ્ટ વ્યાખ્યા કરી શકે છે. આ વ્યાખ્યાના આધારે નવાં મૂલ્યો સર્જાવાં જોઈએ અને એ મૂલ્યોને સાચવનારી સંસ્કૃતિ થવી ઘટે. જો સમય રહેતાં આ પડકારને પહોંચી નહીં શકાય તો અમાનવીય ધાર્મિક આચારો પહેલાં તો લોકોના જીવનને ગૂંગળાવશે, જેને લીધે ત્રાસીને લોકો ઇચ્છા-અનિચ્છાએ અનીતિ તરફ વળશે. ધર્મ સામે આવનારો આ બીજો પડકાર છે. શું એ પ્રજાને આવશ્યક, હાનિકર જડતા લાવનારા આચારોમાંથી છોડાવીને સહજ, સરળ અને ઈશ્વર-અનુમોદિત એવા શુદ્ધ આચાર તરફ વાળી શકે છે? આ મહત્ત્વનો પ્રશ્ન છે અને આ પ્રશ્નને દરેકેદરેક વ્યક્તિએ સમજવો પડશે. પાપ-પુણ્યને ક્યારેય એક ત્રાજવે તોલવાં ન જોઈએ. જે કરવા નથી દેવું એને જો પાપ સાથે જોડી દેવામાં આવે તો માણસ એ કરતો અટકી જાય, પણ એવું કરવું ગેરવાજબી હોવાની ખબર હોવા છતાં એ કરવાની નીતિ રાખવામાં આવે છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.


