સમાજ સડવાનાં મુખ્ય બે કારણો છે : અનીતિમય વાસના અને અનીતિમય પૈસો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
પાપ-પુણ્યની વ્યાખ્યા કરવામાં પ્રકૃતિના નિયમોની ઉપેક્ષા ન કરવી જોઈએ. પ્રકૃતિના, કુદરતના પોતાના નિશ્ચિત નિયમો છે. જાગ્રત ધર્મ આ નિયમો પ્રમાણે વ્યવસ્થા કરે તો પ્રજા સુખી થાય. જો ધર્મ પ્રકૃતિથી વિરુદ્ધ નિયમો બનાવશે તો એ ધર્મ પ્રજા માટે ત્રાસદાયી બની જશે.
સમાજ સડવાનાં મુખ્ય બે કારણો છે : અનીતિમય વાસના અને અનીતિમય પૈસો.
આ બન્નેને રોકવાના ઉપાયો છે. નીતિમય વાસનાની પ્રાપ્તિ તથા નીતિપૂર્વક આજીવિકાની પ્રાપ્તિ. આ બન્નેને સદંતર નકારાત્મક કે પછી નિષેધાત્મક બનાવવાથી સન્માર્ગે ચાલવા માગતા માણસોને પણ જાણતાં-અજાણતાં કુમાર્ગે ધકેલાવું પડશે અને એમાંથી ઢોંગ, પાખંડ, દંભ, આડંબર જેવું જીવનનું બનાવટી અને ગેરવાજબી રૂપ પ્રગટ થશે એટલે પાપની વ્યાખ્યા કરતાં પહેલાં ધર્મએ કુદરતી નિયમો તથા માનવીય આવશ્યકતા તરફ પૂરતું લક્ષ આપવું જ પડશે.
સર્વોત્તમ ધાર્મિક વાતાવરણ એ છે જેમાં વ્યક્તિ કે સમાજ વધુમાં વધુ સાચું બોલીને જીવી શકે છે, ઓછામાં ઓછો ઢોંગ કરીને જીવી શકે છે. કૃત્રિમ અને કઠોર નિયમોના ભીષણ દબાણથી તો અંતે કુમાર્ગને જ પ્રોત્સાહન મળશે. અનીતિમય જીવનને અટકાવવા માટે પણ નીતિમય જીવનનાં દ્વાર સૌને માટે ખુલ્લાં રાખવાં જરૂરી છે. વ્યક્તિ કે સમાજ માટે નીતિમય જીવનનાં દ્વાર જ બંધ કરી દેવામાં આવે અને પછી કહેવામાં આવે કે ‘આ અનીતિના દ્વાર તરફ ન જશો’ તો એ શક્ય નહીં થાય. કહેવાનો ભાવાર્થ એટલો કે સ્ત્રી તથા પુરુષને નીતિમય, શુદ્ધ અને પવિત્ર કામ તથા અર્થની પ્રાપ્તિ થાય એ કાર્ય ધર્મએ કરવાનું છે. જો ગૂંગળાવવાનું કામ ધર્મ કરશે તો ધર્મની સામે પડકાર ઊભા થશે, જેને ઝીલી નહીં શકાય અને એવા સમયે વિદ્રોહભાવ આવશે, જે ધર્મથી પ્રજાને વિમુખ કરે એવી પૂરતી શક્યતા છે.
જેવું પાપનું એવું જ પુણ્યનું પણ સમજવાનું છે. તીર્થસ્થાન, ઉપવાસ, યાત્રા, યજ્ઞ જેવી એવી અનેક ક્રિયાઓ છે જેને મહાપુણ્ય માનવામાં આવે છે. પુણ્યની ભ્રાન્ત વ્યાખ્યાને કારણે લોકો જેમાં કશુંય પુણ્ય નથી એમાં પણ રચ્યાપચ્યા રહે છે અને ખરા પુણ્યભાવ તરફ ઉપેક્ષા કરે છે. સ્નાન કરવું એ આરોગ્ય અને સ્વચ્છતા માટેનું સાધન છે, પણ એનાથી કોઈ પુણ્ય નથી થતું કે સ્નાન કરનારને સ્વર્ગ મળે કે નવો ઉત્તમ જન્મ મળે કે એનાં બધાં પાપ ધોવાઈ જાય. ના, જરા પણ નહીં.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


